પ્રેમ એટલે જવાબદારી અને ત્યાગ

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર
- 'દેવ, આ તું શું કહે છે? તું તારા પપ્પાનું નામ, ઘર અને ભવિષ્ય બધું છોડીને આવ્યો છે?'
'પ પ્પા, મારે માટે છોકરી શોધવાની જરૂર નથી. મેં છોકરી પસંદ લીધી છે.' દેવ પોતાના પપ્પા ધનસુખભાઈને સમજાવતા બોલ્યો.
'એમ કોણ છે - શું કરે છે? જ્ઞાતિ કેવી છે? એ લોકો કેવા છે અને તેના પપ્પાને શેનો બીઝનેસ છે ?' ધનસુખભાઈએ સવાલોનો મારો ચલાવ્યો.
'એનું નામ આરોહી છે, તે બાપુનગરની ચાલીમાં રહે છે, એના પપ્પાને પાણીપુરીની લારી છે. પરિવાર ગરીબ છે, તેના નાના ભાઈ બહેનની જવાબદારી તેના ઉપર છે. અત્યારે પ્રાથમિક શાળામાં શિક્ષિકાની નોકરી કરે છે.' દેવે શાંતિપૂર્વક જવાબ આપ્યો.
'શું વાત કરે છે, લારીવાળાની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરે છે ? આપણી જ્ઞાતિ-સમાજમાં શું ઈજ્જત રહેશે ? તું ફરી વિચાર કર, આપણી આટલી મોટી દુકાનનો તું એક જ વારસદાર છે. તારે માટે તો અનેક સારી છોકરીઓનાં માંગા આવે છે.' ધનસુખભાઈ ગુસ્સે થઈને બોલ્યા.
'પપ્પા, મેં બહુ વિચારીને નિર્ણય લીધો છે. તેની સાદગી, સાહજીકતા અને પ્રેમાળ સ્વભાવ મને ખુબ જ પસંદ પડેલ છે, તેથી જો લગ્ન કરીશ તો તેની સાથે જ, નહીતર આજીવન લગ્ન નહિ કરું.' હવે દેવ પણ મક્કમ બની ગયો.
'જો તું તેની સાથે લગ્ન કરીશ તો તારે આ ઘર છોડવું પડશે, મારી કરોડોની મિલકતમાંથી ફૂટી કોડી પણ આપીશ નહિ.' હવે ધનસુખભાઈએ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું.
કરોડપતિ ધનસુખભાઈને દેવ એકનો એક દીકરો હતો. તેમનો સી.જી.રોડ પર સોનાચાંદીનો મોટો શો-રૂમ હતો. તેમાં દશ માણસોનો સ્ટાફ હતો. ધનસુખભાઈ તેમના પુત્ર માટે તેમના સમકક્ષ પૈસાદાર કુટુંબની કન્યાઓની શોધખોળ કરી રહ્યા હતા.
દેવ ચિંતામાં પડી ગયો. તેને આરોહી પહેલી નજરે જ ગમી ગઈ હતી. બંને વચ્ચે સામાન્ય વાતચીત થઇ અને ધીમે ધીમે મિત્રતા જામતી ગઈ. આરોહીને ખબર હતી કે દેવ પૈસાદાર બાપનો એકનો એક દીકરો છે, છતાં તે દેવની સંપતિથી પ્રભાવિત નહોતી થઇ. દેવને પણ એવી છોકરીની શોધ હતી, જે તેની સંપત્તિને નહિ, પણ તેની લાગણી અને પ્રેમને સમજી શકે.
દેવને વિચાર અને ચિંતામાં આખી રાત ઊંઘ ન આવી. એક તરફ પિતાની સંપત્તિ અને કુટુંબનો સાથ હતો, તો બીજી તરફ આખી જીદંગીભર આરોહીનો નિસ્વાર્થ પ્રેમ. બે માંથી કોને પસંદ કરવું તે નક્કી કરી શકતો ન હતો.
અંતે તેણે પ્રેમ પર પસંદગી ઉતારી અને પ્રેમનો વિજય થયો. તે પોતે અત્યારે કશું જ કરતો ન હતો, પણ આરોહીના પ્રેમ આગળ તેને પિતાનું ઘર છોડવાનો નિર્ણય પાક્કો કરીને સવારે પહેરેલે કપડે જ પહોંચી ગયો આરોહીના ઘેર.
'આરોહી, હું મારું સઘળું છોડીને તારા માટે આવ્યો છું.' દેવે આરોહી સામે જોઇને પ્રેમથી કહ્યું. તેને એમ હતંા કે આરોહી ખુશ થઈ જશે.
આરોહી ચુપ રહી. થોડી ક્ષણો પછી બોલી, 'દેવ, આ તું શું કહે છે ? તું તારા પપ્પાનું નામ, ઘર અને ભવિષ્ય બધું છોડીને આવ્યો છે ?'
આરોહી દુ:ખી થઇ ગઈ, તેને નીરાશ થતા કહ્યું, 'દેવ, આ પ્રેમ નથી, મુર્ખામી છે.'
દેવ અવાક થઇ ગયો, 'આરોહી, તું મને પ્રેમ નથી કરતી ? તને મારો પ્રેમ જોઈએ કે પૈસો ?'
આરોહીએ ચિંતા વ્યક્ત કરી અને દેવને સમજાવતાં કહ્યું,- 'દેવ, હું તને મારી જાત કરતા પણ વધુ અને સાચો પ્રેમ કરું છું. મને તારા પપ્પાની મિલકતમાં જરાપણ રસ નથી, પણ પ્રેમ એક જવાબદારી છે, તું આજે મારી પાસે આવ્યો છે, કાલે શું કરીશ ? આપણે બંને રહીશું ક્યાં ? ખાવાપીવાનું શું ?'
આરોહીએ ઉમેરતા કહ્યું, દેવ, તું તારી કોઈ ઓળખ બનાવ, સમાજમાં નામ બનાવ, આમ ઘરેથી ભાગીને પપ્પાનું નામ બદનામ થવાથી કશું નહિ મળે. તારા પપ્પાને સમજાવ અને પોતાના આપબળે ઉભો થઇ તારી પોતાની ઓળખ બનાવ અને જવાબદારી સ્વીકાર.'
દેવ સંભાળતો જ રહી ગયો. તેને લાગ્યું કે વાત તો સાચી છે, મારું પોતાનું નામ થાય પછી જ હું આવીશ.
તે પપ્પા પાસે પરત ફર્યો અને પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી.
તેણે પોતાની આવડત અને મહેનતથી એક સોફ્ટવેર કંપની ઉભી કરી, બે વરસમાં તો પોતાના દમ પર નામ કર્યું.
તેની દેવ સોફ્ટવેર કંપનીનું નામ શહેરમાં ગુંજવા લાગ્યું. હવે તેને લાગ્યું કે પ્રેમ એટલે ફક્ત આકર્ષણ અને વાસના નહિ, ત્યાગ અને જવાબદારી, જે સમજપૂર્વક નિભાવવી જોઈએ.
શહેરની પ્રતિષ્ઠિત સરસ્વતી વિદ્યામંદિર શાળાના સંચાલકો અને પ્રિન્સીપાલ, તેમના સ્કુલના વાર્ષિકોત્સવ પ્રસંગે મુખ્ય મહેમાનની શોધ કરી રહ્યા હતા.
આચાર્ય જાની સાહેબે પ્રસ્તાવ કર્યો, આપણા શહેરમાં યુવાન એન્ટરપ્રેન્યોર દેવની કંપની દેવ સોફ્ટવેરનું નામ ખુબ ગુંજી રહ્યું છે. પોતાની મહેનતથી જમાવેલ દેવ કંપનીના માલિક દેવ શાહને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરીએ.
અનેક માણસોની હાજરીમાં શાળાના શિક્ષિકા આરોહીએ ફૂલોના બુકેથી દેવ શાહનું સન્માન કર્યું અને હોલ તાલીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.
દેવ ઉભો થયો અને પ્રવચન આપતા કહ્યું, 'હું યુવાનીના આવેગમાં પ્રેમાંધ બની દેવ સમાન પિતાને છોડી એક યુવતીના પ્રેમમાં પાગલ બની ગયો હતો, પણ તે યુવતીનાં વાસ્તવિક જિંદગીના ઠપકાથી અત્યારે આ સીમાચિહ્ન પાર કરેલ છે. હાલ હું સફળ ઉદ્યોગપતિ બની આગળ વધી રહ્યો છું તો તે સઘળો યશ તે યુવતીને જાય છે અને તે હાલ આપણી સૌની વચ્ચે અહી જ હાજર છે, હું તેનો આભારી છું.'
સહુ આમતેમ નજર દોડાવવા લાગ્યા, કોણ હશે એ જ્ઞાની સદભાગી યુવતી ?
દેવે આગળ વધી આરોહીનો હાથ પકડી લીધો અને કહ્યું, 'પ્રેમ ફક્ત ત્યાગ અને બલિદાન નહિ પણ સામાજિક જવાબદારી પણ છે, એ મને આરોહીએ સમજાવેલ છે.'
ચારે તરફ તાળીઓથી હોલ ગુંજી ઉઠયો, આરોહીએ પ્રેમપૂર્વક દેવનો સ્વીકાર કર્યો અને બંનેના માતાપિતાની સંમતિથી બંનેના લગ્ન સંપન્ન થયા.




