ફૂડ પોઈઝનીંગથી સાવધાન

- માર્ગી
- કેટલાંક કિસ્સાઓમાં ફૂડ-પોઈઝનીંગ મૃત્યુનું પણ કારણ બને છે. દૂષિત ખોરાક કે પીણાં લીધાના થોડા કલાકોથી લઈ થોડા દિવસ પછી પણ આ પ્રકારના લક્ષણો દેખાઈ શકે છે
સા રા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાકનું ખૂબ મહત્વ છે. ખોરાક આપણને સ્વાદ, તૃપ્તિ, ઉર્જા, પોષકતત્વો અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. રંગરૂપે સારો દેખાતો ખોરાક હંમેશા સ્વાસ્થ્યપ્રદ હોય એવું જરૂરી નથી. આવો ખોરાક પણ દૂષિત અને ચેપગ્રસ્ત હોઈ શકે. જો ખોરાક અસ્વચ્છ અને અયોગ્ય રીતે તૈયાર કે સંગ્રહિત કરવામાં આવે તો ફૂડ-પોઈઝનીંગનું કારણ બની શકે છે. આવા ખોરાકમાં નરી આંખે જોઈ ના શકાય એવા અત્યંત સૂક્ષ્મ જીવાણું-વિષાણું રહેલાં હોય છે જે ક્યારેક પોતે જ બિમારી પેદા કરે છે, તો ક્યારેક ખોરાકમાં ટૉક્સિન (ઝેરી પદાર્થો) ઉત્પન્ન કરી ફૂડ-પોઈઝનીંગ સ્થિતી સર્જે છે. આવા માઈક્રો ઓર્ગેનીઝમ ખોરાકમાં કુદરતી રીતે હાજર હોય એવું જરૂર નથી. કેટલાંક પર્યાવરણમાંથી ખોરાકમાં આવે છે, જ્યારે બેદરકારીને કારણે ખોરાકમાં
ભળે છે.
ફૂડ પોઈઝનીંગ કરી શકે એવા ઈન્ફેક્ટેડ ખોરાકમાં કેવાં-કેવાં જીવાણું હોઈ શકે એની સૂચિ પર નજર નાખીએ. બેક્ટેરિઆ, વાયરસ, ફૂગ (ફંગસ), પરજીવી જેવાં કે સાલ્મોનેલા, ઈ.કોલાઈ, સ્ટેફીલોકોક્સ ઓરિઅસ, ક્લોસ્ટ્રીડીઅમ બોટુલીનમ, ક્લોસ્ટ્રીડીઅમ પરફ્રીજીંન્સ, કેમ્પાઈલોબેક્ટર, બેસીલસ સીરીઅસ, નોટોવાયરસ, ફૂડ-પોઈઝનીંગ કરવા સક્ષમ હોય છે.
ફૂડ પોઈઝનીંગ થવા પાછળ માત્ર દૂષિત ખોરાક જ જવાબદાર છે એવું નથી. દૂષિત પાણી અને અન્ય પીણાં, યોગ્ય રીતે ન ધોવાયેલા ફળ-ફળાદિ, શાકભાજી, કેટલીક ઝેરી મશરૂમ, રાંધવામાં, સંગ્રહ કરવામાં અને પીરસવામાં આવતાં પાત્રોની અસ્વચ્છતા, અસ્વચ્છ હાથ, ને કારણે આવા વિષાણુઓ સરળતાથી ખોરાકમાં ભળે છે અને ફૂડ-પોઈઝનીંગ કરી શકે છે. આ ઉપરાંત અધકચરો રાંધેલો ખોરાક, લાંબા સમય સુધી ગરમ તાપમાનમાં મૂકી રખાયેલો ખોરાક જેવાં અનેક કારણો ખોરાકમાં જીવાણુઓના વિકાસ માટે જવાબદાર બને છે. માંસાહાર કરનાર વ્યક્તિઓએ વિશેષ કરીને સાવધ એટલા માટે રહેવું જોઈએ કે આ પ્રકારના ખોરાકમાં રોગગ્રસ્ત થવાની સંભાવના સવિશેષ રહેલી છે. કૃત્રિમ રંગ રસાયણ તથા જંતુનાશક દવાઓ પણ રોગગ્રસ્ત કરી શકે છે.
હવે એ જોઈએ કે સામાન્ય થી લઈ ઉગ્ર ફૂડ પોઈઝનીંગમાં કેવાં લક્ષણો જોવા મળે છે ?
સામાન્ય ફૂડ-પોઈઝનીંગમાં ઝાડા, ઊલટી અને તાવ જોવા મળે છે પણ ઉગ્ર ફૂડ-પોઈઝનીંગમાં પેટમાં ચૂંક, ચીકણાં કાળાશ પડતાં, દુર્ગંધયુક્ત ઝાડા, ઝાડામાં લોહી કે પરૂ પડવું, દિવસમાં ૭ થી ૮ વખત પાણી જેવાં ઝાડા થવા, ગુદામાર્ગમાં દુ:ખાવો, ઊલટી, માથાનો દુ:ખાવો, તાવ જેવાં લક્ષણો જોવા મળે છે.
જો બોટુલીનમ જેવાં જીવાણુંથી ફૂડ-પોઈઝનીંગ થયું હોય તો ચેતાતંત્ર (નવર્સ સિસ્ટમ) પર પણ આડ અસર જોવા મળે છે. જેમાં જોવામાં ઝાંખપ, માથાનો અસહ્ય દુ:ખાવો, નબળાઈ, ત્વચાનું સંવેદન ઓછુંં થવું, ચીડિયાપણું, કન્ફ્યુઝન અને પેરાલીસીસ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
સૌથી વધારે મુશ્કેલી તો વધુ પડતાં ઝાડા-ઊલટીને કારણે થતા ડિહાઈડ્રેશનની થાય છે. જેમાં શરીરમાંથી પાણીનો જથ્થો ઘટી જવાને કારણે મોં સુકાવું, ચક્કર પેશાબ ઓછો થવો, પેશાબ ખૂબ ઘાટા રંગનો થવો, અશક્તિ, નબળાઈ જેવાં લક્ષણો દેખાય, ત્યારે ત્વરિત ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે. કેટલાંક કિસ્સાઓમાં ફૂડ-પોઈઝનીંગ મૃત્યુનું પણ કારણ બને છે. દૂષિત ખોરાક કે પીણાં લીધાના થોડા કલાકોથી લઈ થોડા દિવસ પછી પણ આ પ્રકારના લક્ષણો દેખાઈ શકે છે.
ફૂડ-પોઈઝનીંગથી બચવા સરળ નિયમો હંમેશા યાદ રાખવા.
ખોરાક રાંધતા પૂર્વે હાથ સારી રીતે ધોવા
રસોડાની સ્વચ્છતા સાથે સાધનો અને પાત્રો સારી રીતે સાફ કરેલા જ ઉપયોગમાં લેવાનો આગ્રહ.
કાચો તથા રાંધેલો ખોરાક જૂદો રાખવો
રાંધવાની યોગ્ય પધ્ધતિ અપનાવી, ખોરાક કાચો ન રહે તેનું ધ્યાન રાખવું.
બગડી શકે તેવા ખોરાકને સમયસર રેફ્રિજરેટરમાં રાખવો.
વાસી ખોરાક ન ખાવો.
ક્યારેય પણ ખોરાકના સ્વાદ, સુગંધ કે રંગમાં સામાન્ય કરતાં કોઈપણ ફેરફાર જણાય તો તરત એવો ખોરાક ત્યાગવો.
શાક-ભાજી, ફળ-ફળાદિ ઉપયોગમાં લેતાં પૂર્વે સારી રીતે ધોવા.
તૈયાર મળતાં ખાદ્ય-પદાર્થની એક્સપાયરી ડેટ (એટલે પ્રોડક્ટની ખાદ્યક્ષમતા સમાપ્ત થવાની તારીખ ચકાસીને જ ખરીદવા)
વિશેષ કરીને
સમૂહ ભોજન જેમાં મોટી સંખ્યામાં ખોરાક બનતો હોય ત્યાં સ્વચ્છતા માટે કાળજી લેવી.
W.H.O. (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ના તારણ અનુસાર વિશ્વભરમાં અસુરક્ષિત ખોરાકને કારણે દર વર્ષે આશરે ૧૩ થી ૧૫ લાખ લોકોના મૃત્યુ થાય છે. તો, વાચકમિત્રો, જો આપણે રોજીંદા ક્રમમાં પ્રાથમિક સ્વચ્છતાને પ્રાધાન્ય આપી, શુદ્ધ તથા તાજો ખોરાક ખાવાની સભાનતા કેળવીએ તો કંઈક કેટલાય ફૂડ-પોઈઝનીંગના કિસ્સા ટાળી શકાય.




