યુ-ટ્યુબ પર ટ્રેન્ડિંગ ટૅબની જગ્યા ચાર્ટ્સ લેશે, લોન્ચ કર્યાના દસ વર્ષ બાદ બાય બાય
YouTube Says Bye-Bye to Trending Tab: યુ-ટ્યુબ પર દુનિયાભરના વીડિયો જોવા મળી રહે છે. ઈન્સ્ટાગ્રામ અને ટિક-ટોક ગમે એટલું પોપ્યુલર થાય તો પણ વીડિયો માટે હજી પણ લોકોની પહેલી પસંદ યુ-ટ્યુબ છે. યુ-ટ્યુબ તેમની સર્વિસને સતત સારી બનાવવાની કોશિશ કરે છે જેથી યુઝર્સને સારો અનુભવ મળી શકે. આ માટે જ હવે યુ-ટ્યુબ દ્વારા હવે ટ્રેન્ડિંગ ટૅબની જગ્યાએ યુ-ટ્યુબ ચાર્ટ્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ટ્રેન્ડિંગ ટૅબનો ઉપયોગ ઘણાં યુઝર્સ દુનિયાભરમાં શું ટ્રેન્ડમાં છે એ જોઈ શકતા હતા જોકે હવે ગૂગલ દ્વારા એને બાઈ-બાઈ કહી દેવામાં આવ્યું છે.
શું છે ટ્રેન્ડિંગ ટૅબ?
ગૂગલ દ્વારા તેમના યુ-ટ્યુબ યુઝર્સને દુનિયાભરના તમામ વાયરલ વીડિયો જોવા મળી શકે એ માટે આ ટ્રેન્ડિંગ ટૅબ કાઢવામાં આવ્યું હતું. ટ્રેન્ડિંગ એટલે કે દુનિયાભરમાં જે થઈ રહ્યું છે અને એના પર લોકોની નજર હોય પછી એ ન્યૂઝ હોય કે ફિલ્મ હોય કે કોઈ ફની વીડિયો હોય. કોઈ પણ પ્રકારનો વીડિયો હોય એના પર લોકોની નજર ગઈ હોય અને લોકોને એને જોઈ રહ્યાં હોય તો એ વાયલ વીડિયોના સમાવેશ ટ્રેન્ડિંગ ટૅબમાં કરવામાં આવતો હતો.
ક્યારે લોન્ચ થયું હતું ટ્રેન્ડિંગ ટૅબ?
ટ્રેન્ડિંગ ટૅબને ગૂગલ દ્વારા 2015માં લોન્ચ કરાયું હતું. ટ્રેન્ડિંગ ટૅબ લોન્ચ કરવાનો હેતુ એ હતો કે યુઝર્સને દુનિયાના વિવિધ ક્ષેત્રના વાયરલ વીડિયો એક સ્થળે મળી શકે. પછી એ ગીત હોય, ફિલ્મનું ટ્રેલર હોય, રોસ્ટ વીડિયો હોય, ફની વીડિયો હોય કે સ્ટેન્ડ-અપ કોમેડી કે પોલિટિકલ વીડિયો કંઈ પણ હોય, દરેક વીડિયો એક જ ટૅબમાં જોવા મળી શકે. યુઝર્સે વારંવાર વીડિયો શોધવા ન પડે એ હેતુથી આ ટૅબને બનાવવામાં આવ્યું હતું.
કેમ બંધ કરવામાં આવી રહ્યું છે?
યુઝર્સ હવે આ ટ્રેન્ડિંગ ટૅબનો ઉપયોગ કરતાં બંધ થઈ ગયા છે. હવે તેમના ફીડ પર રિકમેન્ડેશન, સજેશન, શૉર્ટ્સ, કોમેન્ટ્સ અને કોમ્યુનિટી વગેરે દ્વારા સતત વીડિયો આવતાં રહે છે. એલ્ગોરિધમ હવે એવી બની ગઈ છે કે ટ્રેન્ડિંગ વીડિયો દરેકની સ્ક્રીન પર આવી જાય છે. આથી ટ્રેન્ડિંગ ટૅબની હવે જરૂર રહી નથી. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ટ્રેન્ડિંગ ટૅબનો આજે ઉપયોગ કરતી હોય.
યુ-ટ્યુબ ચાર્ટ્સ લેશે જગ્યા
ટ્રેન્ડિંગ ટૅબની જગ્યાએ હવે યુ-ટ્યુબ ચાર્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. આ ચાર્ટ્સમાં હવે 24 કલાક અને એક અઠવાડિયામાં કયા વીડિયો સૌથી વધુ જોવામાં આવ્યાં છે એ દેખાડશે. તેમજ એમાં અલગ-અલગ કેટેગરી હશે — ગીત માટે અલગ, શૉર્ટ્સ માટે અલગ, ફિલ્મના ટ્રેલર માટે અલગ અને પોડકાસ્ટ માટે અલગ. આથી જે-તે યુઝર્સને જે પ્રકારના વીડિયો જોવા હોય એ ચાર્ટમાં જોઈ શકે છે.