YouTube Recap: યુ-ટ્યુબ દ્વારા ભારતમાં પહેલી વાર રિકેપ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું છે. વર્ષ પૂરું થઈ રહ્યું હોવાથી દરેક પ્લેટફોર્મ પર આ રિકેપ ફીચર જોવા મળશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ દરેક સોશિયલ મીડિયા એ ફીચરને લોન્ચ કરશે. જોકે યુ-ટ્યુબ દ્વારા લોન્ચ કરવામાં આવેલું આ ફીચર સ્પોટિફાય રેપ્ડ ફીચરની જેમ જ કામ કરે છે. યુઝર દ્વારા આખા વર્ષમાં જે સોંગ સાંભળ્યા હશે એની એક ઝલક જોવા મળે છે. યુઝર દ્વારા સોંગ સાંભળવાની સાથે જે વીડિયો જોયા છે એને પણ એક ઝલક યુઝર્સને આ ફીચરમાં જોવા મળશે.
મ્યુઝિકની સાથે યુ-ટ્યુબ એપ પર થયું લોન્ચ
યુ-ટ્યુબ મ્યુઝિકમાં આ ફીચનો ઉપયોગ ઘણાં સમયથી જોવા મળતો હતો. જોકે ગૂગલ દ્વારા પહેલી વાર યુ-ટ્યુબની વીડિયો એપ્લિકેશન પર એ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર દરેક યુઝર્સ માટે છે અને તેમણે જોયેલા વીડિયો અને મ્યુઝિકનું એક રિકેપ આપશે. એટલે કે દરેક યુઝર્સ માટે અલગ અલગ રિકેપ હશે. એમાં એન્ડ-ઓફ-ઇયર પર્સનલાઇઝ્ડ સમરી પણ જોવા મળશે. સરળ ભાષામાં કહેવામાં આવે તો યુઝરે વર્ષ દરમ્યાન કયા કયા વીડિયો જોયા હતા એને યુઝર્સ ફરી જોઈ શકશે. યુ-ટ્યુબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માટે યુઝરના ઇન્ટરેસ્ટ, ડીપ ડાઇવ અને મોમેન્ટ્સને યુઝરની હિસ્ટ્રી પરથી તૈયાર કરવામાં આવશે.
ભારતમાં પણ થયું લોન્ચ
આ ફીચર પહેલી વાર ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આથી યુઝર યુ-ટ્યુબ એપ્લિકેશન અને યુ-ટ્યુબ વેબ બન્ને દ્વારા પોતાનું રિકેપ તૈયાર કરી શકે છે. જોકે આ ફીચરને એક્સેસ કરવા માટે યુઝરે લોગ ઇન કરવું જરૂરી છે. વેબસાઇટ, ડેસ્કટોપ અથવા તો એપ્લિકેશન કોઈ પણ પ્લેટફોર્મ પરથી આ ફીચરને એક્સેસ કરી શકાય છે. યુ-ટ્યુબ દ્વારા આ ફીચરને રોલઆઉટ કરી દેવામાં આવ્યું છે. જો યુઝરને એ ફીચર હજી સુધી નહીં મળ્યું હોય તો આગામી થોડા દિવસમાં એ આવી જશે. બની શકે દરેક યુઝર સુધી એને પહોંચાડતા સમય લાગે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ માટે હોમ પેજ પર યુ ટેબ હશે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા બાદ હિસ્ટ્રીની ઉપર રિકેપ દેખાશે. જો કોઈનામાં એ ન દેખાઈ રહ્યું હોય તો આગામી દિવસમાં એ આવી જશે. એના પર ક્લિક કરતાની સાથે જ ઘણી બધી સ્લાઇડમાં સ્ટોરી આવી જશે. આ વેબ સ્ટોરીમાં જોવા મળશે કે યુઝરે વર્ષ દરમ્યાન કેટલા વીડિયો જોયા છે અને કઈ ચેનલને વધુ એક્સેસ કરી છે. યુઝરે કેટલી ચેનલ જોઈ અને કઈ ચેનલના કન્ટેન્ટને વારંવાર જોયું એ પણ દેખાડવામાં આવશે. યુઝર કેવા કન્ટેન્ટને જોવાનું પસંદ કરે છે એ પણ યુ-ટ્યુબ આ હિસ્ટ્રી પરથી દેખાડી દેશે. જોકે એના માટે હિસ્ટ્રી ફીચર ઓન હોવું પણ જરૂરી છે.


