Google Launch Try-On Feature in India: ગૂગલ દ્વારા વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ફીચરને અમેરિકામાં ઘણાં સમયથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને હવે એ ભારતમાં પણ આવી ગયું છે. ભારતમાં ઘણાં લોકો હવે ઓનલાઇન શોપિંગ કરે છે. લગ્નની સીઝન હોય કે શોપિંગ ફેસ્ટિવલ ઘણાં યુઝર્સ હવે ઓનલાઇન શોપિંગને મહત્ત્વ આપે છે. જોકે એમાં તેમને એક તકલીફ જરૂર પડે છે કે એ કપડાં તેમના પર કેવા લાગશે એ તેઓ ચેક નથી કરી શકતાં. આ માટે ગૂગલ દ્વારા એક યુનિક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં યુઝર કોઈ પણ કપડાં પોતાના પર કેવા લાગશે એ ખરીદવા પહેલાં ચેક કરી શકે છે.
આ ટૂલ કેવી રીતે કામ કરે છે?
વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ટૂલનો ઉપયોગ કરવા માટે યુઝરે પોતાનો ફોટો અપલોડ કરવો જરૂરી છે. એક વાર ફોટો અપલોડ કર્યા બાદ યુઝર પોતાના શરીર પર લાખો-કરોડો કપડાંને ટ્રાય કરી શકશે. પોતાના શરીર પર કપડાં કેવા લાગે છે એ ખરીદવા પહેલાં જોઈ શકશે. ઓનલાઇન શોપિંગમાં આ કપડાં આવા લાગશે અને તેવા લાગશે એનાથી હવે યુઝરને છૂટકારો મળશે કારણ કે તેઓ પોતે જ હવે ચેક કરીને જોઈ શકશે. આ માટે ગૂગલનું ફેશન માટેનું કસ્ટમ AI મોડલનો ઉપયોગ કરવામાં આવે છે. આ મોડલ યુઝરના શરીરને સમજીને એના પર કપડાં કેવા લાગશે એનું રિયાલિસ્ટિક પ્રીવ્યુ આપે છે. એનાથી યુઝર સમજી શકશે કે રિયલ લાઇફમાં એ કપડાં તેમના પર કેવા લાગશે.
યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસની સાથે શેરિંગ ઓપ્શન
વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ટૂલનું ઇન્ટરફેસ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી છે. ગૂગલ પર જે પણ કપડાં ટ્રાય-ઓન માટે લાયક હશે એને યુઝર ટ્રાય કરી શકશે. ત્યાર બાદ ફોટો અપલોડ કરતાં યુઝર કેવો દેખાશે એ જોઈ શકશે. આ માટે યુઝર મલ્ટિપલ આઇટમ પણ ચેક કરી શકશે. કલર પણ બદલી શકશે અને કયું લૂક વધુ સારું એની સરખામણી પણ કરી શકશે. ત્યાર બાદ પણ જો યુઝરને સમજ ન પડે તો તેમના ફેમિલી અથવા તો ફ્રેન્ડને ફોટો શેર કરીને તેમની પાસેથી મંતવ્યો પણ લઈ શકે છે.
કપડાં રિટર્ન થવાની ટકાવારીમાં થશે ઘટાડો
ગૂગલના વર્ચ્યુઅલ ટ્રાય-ઓન ફીચરની મદદથી યુઝર તેના કપડાંને સમજી વિચારીને ખરીદશે અને એથી જ કપડાં રિટર્ન થવાના ચાન્સ પણ ઓછા થશે. આ કારણસર કંપનીઓની રિટર્નની ટકાવારીમાં ઘટાડો થશે અને તેમના લોજિસ્ટિકના પૈસામાં પણ બચત જોવા મળશે. આ ફીચરની મદદથી યુઝર દરેક સાઇડથી પોતાને જોઈ શકતો હોવાથી કપડાં ખરીદવા માટે પોતાના પર વધુ વિશ્વાસ કરીને ખરીદી કરી શકશે.


