યુટ્યુબની AI આધારિત ઉંમર વેરિફિકેશન માટેની સિસ્ટમ રહી નિષ્ફળ: એડલ્ટને પણ કહીં રહી છે ટીનેજર
YouTube AI Age Verification: ગૂગલના યુટ્યૂબ દ્વારા AI આધારિત ઉંમર વેરિફિકેશન માટેની સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. આ સિસ્ટમ નિષ્ફળ રહી છે કારણ કે એ એડલ્ટને પણ ટીનેજર કહીં રહી છે. આ સિસ્ટમને હાલમાં અમેરિકામાં લોન્ચ કરવામાં આવી છે કારણ કે ત્યાં ઉંમરનું વેરિફિકેશન કરવું ફરજિયાત થઈ ગયું છે. આ ટૂલ એક સાથે ઘણી બાબતો પર ધ્યાન આપી નક્કી કરે છે કે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ છે કે નહીં. જોકે ઘણાં યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આ સિસ્ટમ તેમને ખોટી રીતે ઉંમર નક્કી કરી ટીનેજર કહીં રહી છે.
ઉંમરને લગતા વીડિયો માટે યુઝર્સને કર્યાં રિસ્ટ્રિક્ટેડ
યુટ્યુબ પર ઘણાં વીડિયો એવા છે જે એડલ્ટ્સ માટે છે. એટલે કે એ વીડિયો જોવા માટે 18 વર્ષથી વધુની ઉંમર હોવી જોઈએ. જોકે આ માટે યુટ્યુબ દ્વારા AI આધારિત સિસ્ટમ રજૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ એડલ્ટ હોય એને ટીનેજર કહીં તેમને પ્રોટેક્ટ કરી રહી છે. આથી તેમના માટે ઘણાં વીડિયો રિસ્ટ્રીક કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ તેમને સ્ક્રીન ટાઇમ માટે સતત રિમાઇન્ડર આપતું રહે છે. તેમ જ તેમના માટે પર્સનલાઇઝ્ડ ન હોય એવી એડ્સ જોવા મળી રહી છે. ઘણાં યુઝર્સ વર્ષોછી યુટ્યુબનો ઉપયોગ કરતાં આવ્યા છે અને તેમના પર આવું રિસ્ટ્રિક્શન મૂકી દેવાથી તેઓ ફર્સ્ટ્રેટ થઈ રહ્યાં છે.
યુઝર્સે તેમની ઉંમરના પૂરાવા આપવા
આ સિસ્ટમ ખોટી રીતે યુઝર્સને ટીનેજરની કેટેગરીમાં મૂકી રહી છે. ત્યાર બાદ એ કેટેગરીમાંથી બહાર નિકળવા માટે જે-તે યુઝર્સે ઓળખનો કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડની માહિતી અથવા તો સેલ્ફી અપલોડ કરવાનો રહે છે. ઓનલાઇન યુઝર્સના આ વિશે મિક્સ રિએક્શન આવી રહ્યાં છે. કેટલાકનું કહેવું છે કે તેમના એકાઉન્ટને એક દાયકાથી વધુ થઈ ગયા છે અને એથી જ યુટ્યુબને હવે વધુ ઓળખની જરૂર ન હોવી જોઈએ. કેટલાક યુઝર્સ જે-તે વીડિયો જોવા માટે પોતાના ડેટા ગૂગલ સાથે શેર કરવા માટે સંકોચ અનુભવી રહ્યાં છે. આ માટે તેઓ તૈયાર નથી.
આ પણ વાંચોઃ નવા નક્કોર iPhone 17માં સ્ક્રેચ પડવા મામલે એપલ કંપનીનું ચોંકાવનારું નિવેદન
ગૂગલ કેમ આવું કરી રહ્યું છે?
દુનિયાભરના ઘણાં દેશ હવે ટેક્નોલોજી કંપની પર તવાઈ લાવી રહ્યાં છે. બાળકો આ ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે અને એથી તેમને માનસિક નુક્સાન થઈ રહ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આથી ગૂગલ દ્વારા ઉંમર નક્કી કરવા માટે એક AI સિસ્ટમ બનાવવામાં આવી છે જેને યુટ્યુબમાં રાખવામાં આવી છે. 2019માં યુટ્યુબને એક બાળકના ડેટાને કારણે 170 મિલિયન અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો હતો. આથી ગૂગલ હવે આવી કોઈ ભૂલ કરવા નથી માગતું અને એ માટે જ ઉંમર વેરિફિકેશન સિસ્ટમ લઈને આવ્યું છે.