Get The App

નવા નક્કોર iPhone 17માં સ્ક્રેચ પડવા મામલે એપલ કંપનીનું ચોંકાવનારું નિવેદન

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
નવા નક્કોર iPhone 17માં સ્ક્રેચ પડવા મામલે એપલ કંપનીનું ચોંકાવનારું નિવેદન 1 - image


Apple on ScratchGate: એપલ દ્વારા હાલમાં જ આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. આ સિરીઝ લોન્ચ થતાંની સાથે આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સને લઈને ‘સ્ક્રેચગેટ’ કોન્ટ્રોવર્સી શરૂ થઈ ગઈ છે. એપલ દ્વારા મોટા પાયે એડવર્ટાઇઝ કરવામાં આવ્યું છે કે એમાં સિરામિક શિલ્ડ 2 નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સ્ક્રેચ નહીં પડવા દે. જોકે ઘણાં યુઝર્સના આઇફોન લીધાના થોડા દિવસમાં જ સ્ક્રેચ પડવાના શરૂ થઈ ગયા છે. આથી સોશિયલ મીડિયા પર યુઝર્સ અને ટેક્નોલોજીના રિવ્યુઅર્સ દ્વારા એપલની આ કન્ટ્રોવર્સીને ‘સ્ક્રેચગેટ’ નામ આપવામાં આવ્યું છે.

શું કહ્યું એપલે?

આઇફોન લોન્ચ થયા બાદ iFixit દ્વારા ટીયરડાઉન વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. એમાં આઇફોનને સંપૂર્ણપણે ખોલીને એનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. આ દરમ્યાન મોબાઇલ પર તરત જ સ્ક્રેચ જોવા મળ્યા હતા. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે પ્રો મોડલ્સમાં કેમેરાની જે જગ્યા છે ત્યાં સૌથી વધુ સ્ક્રેચ પડી શકે છે અને ત્યાંનું લેયર ખૂબ જ નબળું છે. આ કન્ટ્રોવર્સી અને વીડિયો બાદ એપલે કહ્યું કે ‘આ થોડા ઘણાં સ્ક્રેચ સામાન્ય વાત છે. આ નાના સ્ક્રેચ તો કોઈ પણ ડિવાઇસ પર જોવા મળી શકે છે. આ સાથે જ મોબાઇલ પર જે લેયર છે એ ખૂબ જ ડ્યુરેબલ છે અને માઇક્રોહાર્ડનેસ માટે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડની જે ગાઇડલાઇન છે એના કરતાં ખૂબ જ સારું છે.’

બેકપ્લેટને લઈને પણ થઈ રહ્યા છે ઇશ્યુ

સ્ક્રેચની સાથે બેકપ્લેટ પર ઘણાં માર્ક્સ પણ જોવા મળી રહ્યા છે. આ નિશાન આઇફોન 17 પ્રો મોડલ્સમાં જ જોવા મળી રહ્યા છે. આ ડિવાઇસની બેક સાઇડ સિરામિક શિલ્ડ 2 ની બનેલી છે. આઇફોન 16 પ્રો કરતાં આ મોબાઇલ ત્રણ ગણો વધારે ડ્યુરેબલ હોવાનું એપલ કહી રહી છે. જોકે એપલ દ્વારા બેકપ્લેટ પર જે નિશાન છે એ સ્ક્રેચ નહીં, પરંતુ આઇફોનના મેગસેફ સ્ટેન્ડ છે એના કારણે જોવા મળી રહ્યા છે. એપલ કહી રહી છે કે એને ખૂબ જ સરળતાથી સાફ પણ કરી શકાશે. સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો વાઇરલ થયા છે, જેમાં શોરૂમમાં આઇફોન 17 પ્રો મોડલ મૂક્યા છે એની પાછળ એક નિશાન જોવા મળી રહ્યા છે. સ્ટેન્ડ પર સતત લગાવી રાખ્યા હોવાથી એ જોવા મળી રહ્યા છે.

ડીપ બ્લુ અને કોસ્મિક ઓરેન્જ કલર પર સૌથી વધુ અસર

આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સ પર એલ્યુમિનિયમનું કોટિંગ છે. જોકે એમ છતાં એના પર સ્ક્રેચ પડી રહ્યા છે. યુટ્યુબર જેરી રિગ એવરીથિંગના કહ્યા મુજબ ડીપ બ્લુ અને કોસ્મિક ઓરેન્જ કલરના આઇફોન પર સૌથી જલદી સ્ક્રેચ પડી રહ્યા છે. ખાસ કરીને જ્યાં જ્યાં કોર્નર છે ત્યાં ત્યાં સ્ક્રેચ પડી રહ્યા છે. એલ્યુમિનિયમ કોટિંગનો ઉપયોગ કરવાથી આ સ્ક્રેચ પડી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ એલ્યુમિનિયમ મોબાઇલની અંદર રહેલી ચીપ અને દરેક વસ્તુને પ્રોટેક્ટ કરે છે, પરંતુ બહારથી એ એટલું પ્રોટેક્ટ નથી કરતું. એના પર સ્ક્રેચ ખૂબ જ સરળતાથી પડી રહ્યા છે ખાસ કરીને કેમેરા મોડ્યુલ પાસે.

આ પણ વાંચો: કોમ્પ્યુટર માટે પણ હવે આવી રહ્યું છે એન્ડ્રોઇડ : વિન્ડોઝ, મેક અને લિનક્સ સાથે સીધી ટક્કર લેશે

કેમેરા બમ્પની ડિઝાઇન બન્યું સ્ક્રેચ માટેનું કારણ

એપલ દ્વારા કેમેરા બમ્પને રાઉન્ડ એજ આપવાની જગ્યાએ શાર્પ એજ આપી હોવાથી આ ઇશ્યુ થઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ અનુસાર લેયર્સને પ્રોટેક્ટ કરવા માટે રાઉન્ડ એજનો ઉપયોગ કરવો જોઈએ. જોકે આ ડિઝાઇનમાં એપલ દ્વારા એની અવગણના કરવામાં આવી છે. એલ્યુમિનિયમ યુનિબોડીને કારણે સ્ક્રેચ ખૂબ જ જલદી પડે છે ખાસ કરીને ડાર્ક કલર પર એ બહુ જલદી દેખાઈ આવે છે.

Tags :