For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમે ઇન-એપ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો, પણ તેને વિશે જાણતા નહીં હો

Updated: Jul 5th, 2022


તમારા સ્માર્ટફોનમાં કેટલાં બ્રાઉઝર છે એ તમે જાણો છો? સામાન્ય રીતે, તમારો ફોન જે કંપનીનો હોય, જેમ કે સેમસંગ, તેણે પોતાની બ્રાઉઝર એપ ઇન્સ્ટોલ કરી હોય. કદાચ ગૂગલ ક્રોમ બ્રાઉઝરની એપ પણ તેમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ હોય. તમે અખતરા માટે તેમાં માઇક્રોસોફ્ટ એજ, ફાયરફોક્સ મોઝિલા કે ઓપેરા જેવી અન્ય બ્રાઉઝર એપ્સ પણ ઇન્સ્ટલો કરી હોય.

પરંતુ તમારા ફોનમાં ઉપર ગણાવી તેવાં બે-ચાર બ્રાઉઝર કરતાં ઘણાં વધુ બ્રાઉઝર્સ છે એવું કોઈ તમને કહે, તો તમે માનો ખરા?

પણ આ હકીકત છે!

તમારા સ્માર્ટફોનમાંની ફેસબુકની એપમાં, તમારા કોઈ ફ્રેન્ડે મૂકેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે? અથવા, જીમેઇલ એપમાં મેઈલમાં આવેલી કોઈ લિંક પર તમે ક્લિક કરો તો શું થાય છે?

આમ તો, એ લિંક ઇન્ટરનેટ પરના કોઈ પણ વેબપેજની હોય તો દેખીતું છે કે એ લિંક પર ક્લિક કરતાં, તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ બ્રાઉઝર એપ (ઉપર જણાવેલી કોઈ પણ) ખૂલે અને તમે ક્લિક કરેલી લિંકનું વેબપેજ તેમાં ઓપન થવું જોઈએ. થોડા સમય પહેલાં એવું જ થતું હતું, પરંતુ હવે એવું થતું નથી!

ફેસબુકમાંની લિંક, ફેસબુકના પોતાના મોબાઇલ બ્રાઉઝરમાં ખૂલે છે અને જીમેઇલમાંની લિંક, જીમેઇલના પોતાના બ્રાઉઝરમાં ખૂલે છે.

ઇન-એપ બ્રાઉઝર શું છે?

હવે ફેસબુક, જીમેઇલ અને બીજી ઘણી ખરી એપમાં, પોતાના યૂઝર્સ બીજી કોઈ એપમાં ન જાય એ માટે તેના ડેવલપર્સ પોતાની એપમાં જ બ્રાઉઝરની સુવિધા ઉમેરવા લાગ્યા છે.  આને ‘ઇન-એપ’ બ્રાઉઝર કે ‘વેબ-વ્યૂ’ પણ કહે છે.

એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્રકારના સ્માર્ટફોનમાં આ રીતે વિવિધ એપ્સ ઇન-એપ બ્રાઉઝરનો ઉપયોગ કરવા લાગી છે. દરેકનો મુખ્ય હેતુ એક જ છે - યૂઝર પોતાની એપમાં બહાર નીકળીને બીજે ક્યાંય જવો ન જોઈએ!

ઇન-એપ બ્રાઉઝરને કારણે, ફેસબુક જોતી વખતે તમે કોઈ લિંક પર ક્લિક કરો, તો તરત ફેસબુકનો પોતાનો વેબવ્યૂ ઇન્ટરફેસ ઓપન થાય અને તમે ફેસબુકના જ બ્રાઉઝર પર જે તે વેબપેજ જોઈ શકો! વેબપેજ ઝડપથી ઓપન થઈ જાય, પણ એ તમારે ફરજિયાત ફેસબુકના બ્રાઉઝરમાં જ જોવું પડે.

આવા ઇન-એપ બ્રાઉઝર કે વેબ-વ્યૂ તેને જે એપ માટે ડિઝાઇન કરવામાં આવ્યા હોય તે એપમાં જ કામ કરી શકે, તે પોતાની રીતે ન ખૂલી શકે, એને એપમાં જ ખોલી શકાય.

પીસીમાં કોઈ પણ વેબ પેજ પર ક્લિક કરતાં, તે ડિફોલ્ટ બ્રાઉઝરમાં ખૂલે છે, પરંતુ મોબાઇલમાં એવું રહ્યું નથી. અહીં દરેક એપનું પોતાનું બ્રાઉઝર બનવા લાગ્યું છે!

બીજી એક વાત પણ નોંધવા જેવી છે. મોટા ભાગે આવી લિંક્સ જે તે એપ્સના ઇન-એપ બ્રાઉઝરમાં ઓપન થયા પછી આપણે ઇચ્છીએ તો તેને આપણી પસંદગીના  બ્રાઉઝરમાં ઓપન કરી શકીએ છીએ.

આ સુવિધા સારી કે ખરાબ?

ઇન-એપ બ્રાઉઝરની આ સુવિધા આપણા માટે સારી છે કે ખરાબ તેનો આધાર, આપણે જે તે એપનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પર છે - હજી સુધી એ તમારા ધ્યાનમાં જ ન આવી હોય એવું પણ બની શકે!

જો તમે એક સમયે એક જ કામ કરવામાં માનતા હો તો ઇન-એપ બ્રાઉઝર તમારે માટે સારી સુવિધા છે. ઇન-એપ બ્રાઉઝરને કારણે લિંક પરનું જે તે પેજ ઝડપથી લોડ થાય છે. ફેસબુકનો ઉપયોગ કરતી વખતે, તેમાંની લિંક્સ જોયા પછી ફરી ફેસબુકમાં જ જવા માગતા હો કે જીમેઇલમાંની લિંક ઓપન કર્યા પછી ફરી જીમેઇલમાં જ કામ આગળ વધારવાનું હોય તો તમારે માટે ફેસબુક કે જીમેઇલનું ઇન-એપ બ્રાઉઝર યોગ્ય છે.

આવી રીતે ઇન-એપ બ્રાઉઝરમાં ઓપન થયેલા પેજમાંની બીજી લિંક્સ પર ક્લિક કરો, તો એ પણ જે તે ઇન-એપ બ્રાઉઝરમાં જ ખૂલે છે.

પરંતુ જે તે લિંક પર ક્લિક કર્યા પછી તમે ઇન્ટરનેટના મોકળા મેદાનમાં આગળ વધવા માગતા હો અને ક્રોમ, ફાયરફોક્સ જેવા ઇન્ટરનેટના ભરપૂર સર્ફિંગ માટે જ ડિઝાઇન થયેલા બ્રાઉઝરની સુવિધાઓનો લાભ લેવા માગતા હો તો ઇન-એપ બ્રાઉઝર તમારે માટે કામનું નથી.

 

મોટા ભાગે ઇન-એપ બ્રાઉઝરમાં...

તમે એક સમયે એક જ લિંક ઓપન કરીને જોઈ શકો. તમે નવી ટેબ્સ ઓપન ન કરી શકો.

તમે નવી યુઆરએલ ટાઇપ ન કરી શકો કેમ કે આ બ્રાઉઝર્સમાં એડ્રેસ બાર જ નથી!

ઇન-એપ બ્રાઉઝર તમારી લોગઇન ઇન્ફર્મેશન સ્ટોર કરતું નથી એટલે તમે કોઈ એવી સાઇટ પર જાઓ જ્યાં તમારે પાસવર્ડ આપવાનો થાય તો તમારે બધું ફરી ટાઇપ કરવું પડે.

‘ફાઇન્ડ ઇન પેજ’ અને ‘ઓપન ડેસ્કટોપ સાઇટ’ જેવા ઓપ્શન્સ હોતા નથી.

કોઈ વેબપેજ તમારે પછીથી જોવું હોય તો બ્રાઉઝિંગ હિસ્ટરીનો ઓપ્શન હોતો નથી એટલે ફરી એને મૂળ પેજમાં શોધીને જ જોઈ શકો.

કોઈ સાઇટને બુકમાર્ક પણ નથી કરી શકાતી. યુઆરએલની લિંક સેવ કરવાનો મોટા ભાગે અલગ ઓપ્શન હોય છે.

આમ ઇન-એપ બ્રાઉઝરના લાભ અને ગેરલાભ બંને છે. લાભ એ કે તમે જે તે એપમાં રહીને તેને સંબંધિત તમારું કામ આગળ વધારી શકો. ગેરલાભ એ કે આવા બ્રાઉઝરમાં, ખાસ સર્ફિંગ માટે જ વિક્સાવેલા બ્રાઉઝર જેવાં ફીચર્સ મળતાં નથી!

જોકે એ પણ ધ્યાનમાં લેવા જેવું છે કે ફેસબુક જેવી એપમાં જો તમે એવું ઇચ્છતા હો કે કોઈ લિંક પર ક્લિક કરતાં તે ઇન-એપ બ્રાઉઝરને બદલે તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં જ ખૂલે, તો એપના સેટિંગ્સમાં થોડાં ખાખાંખોળાં કરતાં એ માટેનો ઓપ્શન તમને મળી આવશે.

Gujarat