Xbox રમવા માટે હવે કોન્સોલ લેવાની જરૂર નહીં પડે, જાણો કેમ…

Microsoft Xbox Game Streaming: માઇક્રોસોફ્ટની ગેમિંગ સર્વિસ Xbox રમવા માટે હવે કોન્સોલ લેવાની જરૂર નહીં પડે. માઇક્રોસોફ્ટ દ્વારા ભારતમાં સત્તાવાર રીતે Xbox ક્લાઉડ ગેમિંગ સર્વિસ શરૂ કરી છે. આ જાહેરાત કરવા પહેલાં માઇક્રોસોફ્ટ દ્વારા ઘણા દેશમાં એનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. માઇક્રોસોફ્ટની Xbox ગેમ પાસ સબસ્ક્રિપ્શન સર્વિસ હેઠળ યુઝર્સ હવે ઑનલાઇન ગેમ રમી શકશે. આ માટે માઇક્રોસોફ્ટ દ્વારા ત્રણ સબસ્ક્રિપ્શન પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. દરેક સબસ્ક્રિપ્શનમાં અલગ-અલગ પ્રકારની ગેમ જોવા મળશે.
Xbox ક્લાઉડ ગેમિંગનો ઉપયોગ કેવી રીતે કરશો?
Xbox ક્લાઉડ ગેમિંગ સર્વિસ ગેમના રસિયાઓ માટે એક ગેમ ચેન્જર છે કારણ કે એની મદદથી Xboxની ગેમ્સ કોન્સોલ વગર પણ તેમની ડિવાઇસ પર સ્ટ્રીમ કરી શકાશે. આ સર્વિસને કારણે યુઝર્સ હવે મોંઘા કોન્સોલ ખરીદવાની જરૂર નથી રહી. Xbox ગેમ પાસ ધરાવનાર કોઈ પણ યુઝર હવે આ સર્વિસનો ઉપયોગ કરી શકશે. કમ્પ્યુટરનો ગેમ પાસ ધરાવનાર પણ એનો ઉપયોગ કરી શકશે. આ માટે યુઝરના મોબાઇલમાં હવે Xboxની એપ્લિકેશન અને ઓછામાં ઓછી 20 Mbpsની સ્પીડ ધરાવતું ઇન્ટરનેટ જોઈએ જેથી બેસ્ટ પરફોર્મન્સ મેળવી શકાય.
Xbox ગેમ પાસ સબસ્ક્રિપ્શન
Xbox દ્વારા ગેમ પાસ સબસ્ક્રિપ્શનને ત્રણ કેટેગરીમાં રજૂ કરવામાં આવી છે. આ પ્લાન મહિનાના 499 રૂપિયાથી શરૂ થાય છે. એમાં 50 ગેમ્સનો ઍક્સેસ મળે છે. ત્યાર બાદ પ્રીમિયમ પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની કિંમત મહિનાના 699 રૂપિયા છે. એમાં ઘણી બધી ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં હાઇ ગ્રાફિક્સ ધરાવતી ગેમ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ માઇક્રોસોફ્ટ અલ્ટિમેટ પ્લાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્લાન સૌથી ટોચનો પ્લાન છે. એમાં મહિનાના 1,389 રૂપિયા ચૂકવવાના રહેશે. એમાં Xboxની તમામ ગેમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. Xboxની ગેમિંગ લાઇબ્રેરીનો યુઝર સંપૂર્ણ ઍક્સેસ કરી શકશે. તેમ જ નવી ગેમ લોન્ચ થતાં જ એનો ઍક્સેસ પણ યુઝર્સને મળી જશે.
ક્લાઉડ ગેમિંગ કેવી રીતે શરૂ કરશો?
આ માટે યુઝર દ્વારા સૌથી પહેલાં Xbox એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી પડશે. એ કર્યા બાદ તેમને માઇક્રોસોફ્ટ એકાઉન્ટ દ્વારા સાઇન-ઇન કરવું પડશે. એ સાઇન-ઇન કર્યા બાદ યુઝરે સબસ્ક્રિપ્શન લેવું પડશે અને એ આધારે તેમને ગેમ જોવા મળશે. આ તમામ ગેમ સ્ટ્રીમ થતી હોવાથી એને ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. યુઝરને ફક્ત ઇન્ટરનેટની જરૂર પડે છે જેની મદદથી સર્વર પરથી ગેમ ઍક્સેસ થઈ શકશે. ગેમને પસંદ કર્યા બાદ એના પર ક્લિક કરતાં તરત જ ગેમ શરૂ થઈ જશે.
આ પણ વાંચો: ચેટજીપીટી યાદશક્તિ ગુમાવી રહ્યું છે, જાણો કેવી રીતે પોતાના ડેટાને પ્રોટેક્ટ કરશો…
પૂણે અને ચેન્નાઇમાં છે સર્વર
ભારતના યુઝર્સને અદ્ભુત ગેમિંગ એક્સપિરિયન્સ આપવા માટે માઇક્રોસોફ્ટ દ્વારા ખાસ પૂણે અને ચેન્નાઇમાં સર્વર બનાવવામાં આવ્યા છે. આ સર્વરના કારણે યુઝર્સને લેગ-ફ્રી એક્સપિરિયન્સ મળી રહેશે. એટલે કે ગેમ અટકી અટકીને નહીં ચાલે. સ્ટ્રીમિંગ ક્વોલિટી સુધારવા અને ભારતના પ્લેયર્સનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા માટે આ સર્વર ખૂબ જ મદદરૂપ બનશે. માઇક્રોસોફ્ટ હવે તેમના મોંઘાઘાટ હાર્ડવેર કોન્સોલથી યુઝર્સને ડિજિટલ યુગ એટલે કે ક્લાઉડ ગેમિંગ તરફ લઈ જઈ રહી છે.

