ચેટજીપીટી યાદશક્તિ ગુમાવી રહ્યું છે, જાણો કેવી રીતે પોતાના ડેટાને પ્રોટેક્ટ કરશો…

ChatGPT Memory Lose: OpenAIનું ચેટજીપીટી હાલમાં તેની યાદશક્તિ ગુમાવી રહ્યું છે. આ AI યુઝરના જવાબને ધ્યાનમાં રાખે છે અને એના આધારે એક પર્સનલાઈઝ જવાબ આપે છે. યુઝરના તમામ જવાબને તે યાદ રાખે છે. જોકે હવે તેની આ યાદશક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે. આ માટેનું એક કારણ ટેકનિકલ ખામી છે. યુઝર્સ માટે આ માથાનો દુખાવો બની ગયો છે કારણ કે હવે તેમને ફરી AIને તેમના જોઈતા જવાબ અનુસાર ટ્રેન કરવું પડશે. જોકે એનાથી બચવા માટે યુઝર પોતાના ડેટાને સ્ટોર કરી શકે છે જેથી ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકાય.
શું છે ચેટજીપીટીનું મેમરી ફીચર?
ચેટજીપીટીમાં મેમરી ફીચરને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે AI યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી જેવી કે તેના ઈન્ટરેસ્ટની વસ્તુ, તેને જવાબ કેવી રીતે જોઈએ છે, તે કેવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, આ તમામ માહિતીને સેવ કરવા માટે મેમરી ફીચરનો ઉપયોગ થાય છે. આ માહિતી પરથી ચેટજીપીટી યુઝર માટે તેને જોઈતા જવાબ વધુ સારી રીતે આપી શકે છે. આ ફીચરનો ઉપયોગ જેણે કરવો હોય એ કરી શકે છે, ફરજિયાત નથી. આ માટે સેટિંગ્સમાં જઈને પર્સનલાઈઝેશનમાં જઈને મેમરી ફીચરને ચાલુ અથવા તો બંધ કરી શકાય છે. યુઝરના ડેટા જે પણ સ્ટોર થયા હોય એને યુઝર તેની ઈચ્છા અનુસાર જોઈ શકે છે, એડિટ કરી શકે છે અને ડિલીટ પણ કરી શકે છે. આ ફીચર જ્યારે બંધ હશે ત્યારે ચેટજીપીટી યુઝર્સની પહેલાની વાતને ધ્યાનમાં નહીં રાખે તેમ જ યુઝર્સને જવાબ આપતી વખતે વર્ષો જૂની કોઈ પણ વાતને ધ્યાનમાં રાખીને પણ જવાબ નહીં આપે.
મેમરી ફીચર ચાલુ છે કે નહીં કેવી રીતે ચેક કરશો?
આ માટે એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જઈને સૌથી પહેલાં લોગિન કરવું. ત્યાર બાદ પ્રોફાઇલના સેટિંગ્સમાં જવાનું રહેશે. એમાં પર્સનલાઈઝેશનનું એક મેનૂ હશે. એમાં “રેફરન્સ સેવ્ડ મેમરીઝ” અને “રેફરન્સ ચેટ હિસ્ટ્રી” એમ બે વિકલ્પ હશે. આ બન્ને ફીચર ચાલુ હશે તો મેમરી ફીચર ઑન છે એમ સમજવું. આ ચાલુ હોવાથી AI યુઝર સાથેની તમામ વાતચીત પરથી સતત શીખતું રહેશે અને એ મુજબ જવાબ આપશે.
આ પણ વાંચો: લાઈક બટન કાઢી રહ્યું છે ફેસબુક, જાણો શું અસર થશે યુઝર્સને…
મેમરી બેકઅપ કેવી રીતે લેશો?
ચેટજીપીટીમાં હાલમાં ખામી હોવાથી એ દરેક ચેટ ભૂલી રહ્યું છે. આ માટે યુઝરે ચેટજીપીટી ચાલુ કરીને એમાં નવી ચેટ ઓપન કરવાની રહેશે. ત્યાર બાદ એમાં AIને કમાન્ડ આપવાનો રહેશે કે “મારી દરેક સ્ટોર કરવામાં આવેલી મેમરી દેખાડવામાં આવે.” એકવાર આ તમામ ડેટા ચેટજીપીટી દ્વારા દેખાડવામાં આવે કે યુઝર એને કૉપી કરીને ડોક્યુમેન્ટમાં સેવ કરી શકે છે. આથી જો ચેટજીપીટી જ્યારે પણ તેની યાદશક્તિ ખોઈ બેસે ત્યારે યુઝર આ ડેટાને ફરી ચેટજીપીટીને આપીને એના પરથી તેને ફરી ટ્રેન થવા માટે કહી શકે છે.

