For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિશ્વખ્યાત IBMની સોફ્ટવેર લેબનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શુભારંભ

Updated: Sep 15th, 2022

વિશ્વખ્યાત IBMની સોફ્ટવેર લેબનો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શુભારંભ

- IBMની લેબ્સથી ગુજરાતમાં ક્લાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરવામાં નવું બળ મળશે 

ગાંધીનગર, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે  વિશ્વખ્યાત IBMની સોફ્ટવેર લેબ્સનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે જ ગુજરાતે ડિજિટલ ઈન્ડિયા મિશનમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે બેંચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે. 

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ રહેલી IBMની સોફ્ટવેર લેબ ગુજરાતમાં ક્લાઉડ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે સ્કીલ્ડ મેન પાવર તૈયાર કરવામાં નવું બળ પુરૂં પાડશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુ વાઘાણી, IBMના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની ઉપસ્થિતીમાં ગિફ્ટ સિટીના પ્રેસ્ટીજ ટાવર ખાતે કાર્યરત થઇ રહેલી IBM સોફ્ટવેર લેબનું ઉદ્ઘાટન કર્યુ હતું. 

Article Content Image

આ પ્રસંગે મુખ્ય સચિવ પંકજકુમાર, IBM ઇન્ડીયાના સાઉથ એશિયાના એમ. ડી. સંદીપ પટેલ, ગિફ્ટ સિટીના ચેરમેન સુધિર માંકડ, એમ.ડી તપન રે તેમજ સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા સહિતના આમંત્રિતોએ હાજરી આપી હતી. 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશમાં ડિજિટલ ઈન્ડિયાની વાતો થતી હતી તે પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારીત ઈ-ગવર્નન્સનો મજબૂત પાયો નાખ્યો હતો. વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં આ સરકારે નવી IT અને ITeS પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકૂળ માહોલ તૈયાર કરવાનો ઉદ્દેશ હોવાનું પણ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના 8 ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં એવું સુદૃઢ IT ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા સૌ કોઈને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસની અનૂભુતિ થાય. 

મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાતમાં IT અને ITeS પોલિસી, IT ઇનેબલ્ડ સર્વિસીસ, ટ્રાન્સપેરન્ટ અને ડિઝીટલ ગર્વનન્સના આયામો સફળતાપૂર્વક પાર પડી રહ્યા હોવાની માહિતી આપી હતી. 

IBMના ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવીને ગુજરાત સરકારનો જે સહયોગ મળી રહ્યો છે તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. 

મેનેજિંગ ડિરેક્ટર સંદીપ પટેલે ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે IBMનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું. 

ગિફ્ટ સિટીના એમ.ડી તપન રે તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ IBMને ગિફ્ટ સિટી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

Article Content Image

Gujarat