દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ GTA VIની રિલીઝ લંબાઈ: 2026માં લોન્ચ કરવાની જાહેરાતને કારણે કંપનીના શેરમાં 8% કડાકો
GTA VI Release Date Push to 2026: સૌથી લોકપ્રિય ગેમ ‘GTA VI’ની રિલીઝને લંબાવી દેવામાં આવી છે રોકસ્ટાર ગેમ્સ અને ટેક-ટૂ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલી આ ગેમના દરેક વર્ઝનને વિશ્વભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ‘GTA V’ અત્યંત લોકપ્રિય રહી હતી અને તેણે અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ સિરીઝની આગામી ગેમ ‘GTA VI’ આ વર્ષે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને લંબાવી દેવામાં આવી છે.
રિલીઝની નવી તારીખ
રોકસ્ટાર ગેમ્સ સ્ટુડિયો દ્વારા આ ગેમને 2026ની 26 મે ના રોજ રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ગેમનું ટીઝર જાહેર થતાં જ તેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી, પરંતુ હવે રિલીઝમાં વિલંબ થતા ગેમ પ્રેમીઓ નિરાશ થયા છે.
કંપનીના શેર પર પડેલા પ્રભાવ
‘GTA VI’ વિશ્વની સૌથી લોકપ્રિય ગેમોમાં ગણી શકાય, અને તેની રાહ નાના-મોટા રમતો રસિયાઓથી લઈને સેલિબ્રિટીઓએ પણ જોઈ હતી. એક વર્ષ મોડી રિલીઝ કરવાની જાહેરાત થતાં કંપનીના શેર ઉપર નકારાત્મક અસર થઈ છે, જેના કારણે કંપનીના શેરમાં ૮% કડાકો આવ્યો છે.
એક દાયકાથી વધુ રાહ જોવામાં આવી
‘GTA VI’ ની રાહ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી જોવામાં આવી રહી છે. આ સિરીઝની છેલ્લી ગેમ ‘GTA V’ 2013માં રિલીઝ થઈ હતી, અને અત્યાર સુધીમાં 200 મિલિયનથી વધુ કોપીઓ વેચાઈ ગઈ છે, જે તેને અત્યાર સુધીની સૌથી વધુ વેચાયેલી ગેમ બનાવે છે. ગેમ લોન્ચ થતા તે તમામ રેકોર્ડ તોડશે તેવી આશા હતી, પણ હવે તેના માટે વધુ એક વર્ષ રાહ જોવી પડશે.
ગેમ ડેવલપમેન્ટમાં વિલંબ સામાન્ય વાત છે, કારણ કે અત્યારની ગેમ્સમાં વધુ રોકાણ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ગ્રાફિક્સ ની માંગ વધી છે. ટેક-ટૂના સીઇઓ સ્ટ્રોસ ઝેલ્નિક કહે છે, "રોકસ્ટાર સ્ટુડિયોએ ‘GTA VI’ માટે જે વિઝન જોયું છે, તેને પૂરું કરવા માટે તેઓ જે સમય લઈ રહ્યા છે, તેને અમે સંપૂર્ણ સપોર્ટ કરી રહ્યા છીએ. આ ગેમ એક બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ એક્સપિરિયન્સ પૂરું પાડશે."
ઇનવેસ્ટર્સ વધુ માહિતી માંગે છે
ટેક-ટૂ સ્ટુડિયોની 15 મે ના રોજ એન્યુઅલ મીટિંગ યોજાશે, જ્યાં 2025-26ના નાણાકીય વર્ષ માટે કમાણીની જાહેરાત થશે. આ સિવાય ઇનવેસ્ટર્સ ‘GTA VI’ અને અન્ય ગેમ અંગે વધુ વિગતો માગી રહ્યા છે.
રિલીઝ લંબાતા ‘GTA VI’ હવે 2026-27 નાણાકીય વર્ષ માં આવશે. આ સાથે ‘Borderlands 4’ અને ‘Mafia: The Old Country’ નામની બે ગેમ પણ આ સમયગાળા દરમિયાન રજૂ થશે. બંને ગેમ્સ પણ ખૂબ જ મહત્ત્વની છે.
‘GTA VI’ની કેમ રાહ જોવામાં આવી રહી છે?
રોકસ્ટાર ગેમ્સ દ્વારા ‘GTA VI’નું ટ્રેલર 2023ના ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર પરથી ગેમ વિશે એક જાણકારી નક્કી થઈ ગઈ હતી કે આ ગેમ ફરી વાઇસ સિટીમાં જોવા મળશે. વાઇસ સિટી અમેરિકાના માયામી પરથી પ્રેરિત છે. ‘GTA’ સિરીઝમાં એક ગેમ ‘GTA વાઇસ સિટી’ હતી. આ ગેમમાં પહેલી વાર ફિમેલ લીડ લુસિયા જોવા મળી હતી. આ શહેર અને લુસિયા હવે ફરી ‘GTA VI’માં જોવા મળશે, જેના કારણે યુઝર્સમાં ભારે ઉત્સાહ છે.
ગેમની રિલીઝ કેમ લંબાવવામાં આવી?
આ ગેમની રિલીઝ લંબાવતા રોકસ્ટાર સ્ટુડિયોએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું: “‘GTA VI’ હવે 2026ની 26 મેના રોજ રિલીઝ થશે. અમને દુઃખ છે કે તમે જે આશા રાખી હતી, એના કરતાં આ વધુ સમય લઈ રહી છે. નવી ગ્રાન્ડ થેફ્ટ ઓટો અંગે લોકોમાં જે ઉત્સાહ અને તાલાવેલી છે, એ અમારું માનવ અને આનંદ છે. અમારા ડેવલપર્સ શ્રેષ્ઠ ગુણવત્તાવાળી અનુભવ પૂરો પાડવા માટે મહેનત કરી રહ્યા છે, અને અમે ખાતરી આપી શકીએ છીએ કે આ ગેમ એક બ્લોકબસ્ટર એન્ટરટેઇનમેન્ટ એક્સપિરિયન્સ હશે. અમે ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર કરીશું.”
આ પણ વાંચો: ફેસબુક પર જૂની પોસ્ટને ઝડપથી કેવી રીતે ડિલીટ કરશો?
યુઝર્સે શું પ્રતિક્રિયા આપી?
યુઝર્સ દ્વારા આ સમાચારને લઈને મિશ્ર પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેઓ આ ગેમની ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમને વધુ થંભી શકાય તેમ નથી. કેટલાક યુઝર્સ આ ગેમને હવે બોયકોટ કરવાની વાત કરી રહ્યા છે. જોકે, બીજી બાજુ કેટલાક યુઝર્સનું કહેવું છે કે ગેમની રિલીઝમાં વિલંબ થવાથી તેમને હવે પ્લે સ્ટેશન 5 લેવા માટે પૈસા ભેગા કરવાની તક મળી શકે છે.