Get The App

આઇફોન 17ની એન્ટ્રી સાથે 16 મોડલ્સના ભાવમાં ધમાકેદાર ઘટાડો, પ્રો વર્ઝન થયા બંધ

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
આઇફોન 17ની એન્ટ્રી સાથે 16 મોડલ્સના ભાવમાં ધમાકેદાર ઘટાડો, પ્રો વર્ઝન થયા બંધ 1 - image


iPhone 16 Price Cut: એપલ દ્વારા હાલમાં જ આઇફોન 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી છે. આ સિરીઝ લોન્ચ કરતાં જ જૂના મોડલની કિંમત ઘટાડી દેવામાં આવી છે. જોકે એ સાથે જ કેટલાક મોડલ બંધ પણ કરી દેવામાં આવ્યાં છે. આઇફોન 16 અને 16 પ્લસના ભાવમાં ઘટાડો થયો છે. બીજી તરફ 16 પ્રો અને પ્રો મેક્સને બંધ કરી દેવામાં આવ્યો છે. આથી યુઝર્સને હવે આઇફોન પહેલાં કરતાં ખૂબ જ સસ્તામાં મળી રહ્યાં છે.

ભાવમાં કરવામાં આવ્યો ઘટાડો

આઇફોન 16ની કિંમત પહેલાં 79,900 હતી. જોકે નવી સિરીઝ લોન્ચ થતા એની કિંમત હવે 69,900 કરવામાં આવી છે. આઇફોન 16 પ્લસની કિંમત 89,900થી ઘટાડીને હવે 79,900 કરવામાં આવી છે. એનો અર્થ થયો કે બન્ને મોબાઇલ પર દસ હજાર રૂપિયાની કિંમત ઓછી કરી નાખવામાં આવી છે. ઓછી કિંમતમાં સારો મોબાઇલ ખરીદનાર વ્યક્તિ માટે આ ખૂબ જ સારી ઓફર છે. એપલ તેના દરેક વર્ઝનના લોન્ચની સાથે જૂના વર્ઝનના મોબાઇલની કિંમત ઓછી કરી નાખે છે. જોકે આ બન્ને મોબાઇલની કિંમત 128 ગિગાબાઇટ્સ સ્ટોરેજની છે. આઇફોન 17માં હવે 256 ગિગાબાઇટ્સ સ્ટોરેજ ઓછામાં ઓછી કરી નાખવામાં આવી છે.

આઇફોન 16 પ્રો અને પ્રો મેક્સ થયા બંધ

એપલ દ્વારા આઇફોન 16 અને 16 પ્લસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે બીજી તરફ આઇફોન 17 સિરીઝને લોન્ચ કરતાની સાથે જ આઇફોન 16 પ્રો અને પ્રો મેક્સ બન્ને મોડલને બંધ કરી નાખવામાં આવ્યાં છે. એપલની ઓફિશિયલ વેબસાઇટ પર અથવા તો એપલ સ્ટોરમાં હવે આ મોડલ જોવા નહીં મળે. આ સાથે જ જો યુઝર દ્વારા એને ખરીદવા માગતા હોય તો હજી પણ ઇ-કોમર્સ વેબસાઇટ અથવા તો દુકાનમાંથી એને ખરીદી શકાય છે. આ સ્ટોક જ્યાં સુધી ઉપલબ્ધ હશે ત્યાં સુધી એને ખરીદી શકાશે. ત્યાર બાદ એ નવા મોડલ મળવા મુશ્કેલ છે. આથી આ જ સમય છે જ્યાં યુઝર પ્રો મોડલ્સને પણ સસ્તામાં ખરીદી શકે છે.

આઇફોન 17ની એન્ટ્રી સાથે 16 મોડલ્સના ભાવમાં ધમાકેદાર ઘટાડો, પ્રો વર્ઝન થયા બંધ 2 - image

ક્યારે થશે iOS26 રિલીઝ?

એપલ દ્વારા આઇફોન 17 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. એનું બૂકિંગ 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને એની ડિલિવરી 19 સપ્ટેમ્બરથી આપવામાં આવશે. આથી આ પહેલાં જૂના આઇફોન યુઝર તેમની ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરી શકશે. એપલ દ્વારા iOS26ને 15 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. આ ઓપરેટિંગ સિસ્ટમમાં લીક્વિડ ગ્લાસ લૂક આપવામાં આવ્યું છે. આથી યુઝર્સને એકમદ અલગ જ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનો ચાન્સ મળશે. તેમ જ એમાં ઘણાં ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ લીક્વિડ ગ્લાસ લૂકમાં યુઝર આઇકોનના કલરને પોતાની રીતે એડજસ્ટ પણ કરી શકે છે જેથી યુઝર તેના આઇફોનના કવર સાથે પણ લૂક મેચિંગ કરી શકશે.

આ પણ વાંચો: આઇફોન 17નો સેલ્ફી કેમેરાને કેમ ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યો છે?

કયા મોબાઇલમાં હશે સપોર્ટ?

iOS26ને લોન્ચ કરતાં જ તે લેટેસ્ટ આઇફોનથી લઈને આઇફોન 11 સિરીઝ સુધીના તમામ આઇફોનમાં જોવા મળશે. આઇફોન 11 બાદ જેટલાં પણ આઇફોન રિલીઝ થયા છે દરેકમાં એ સપોર્ટ કરશે. એમાં આઇફોન SE 2 જનરેશનનો પણ સમાવેશ થાય છે. આ રિલીઝ કરવામાં આવે એ પહેલાં એનું ફાઇનલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Tags :