આઇફોન 17નો સેલ્ફી કેમેરાને કેમ ગેમ ચેન્જર કહેવામાં આવી રહ્યો છે?
iPhone New Selfie Technology: એપલ દ્વારા ગઈકાલે આઇફોન 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી હતી. આ સિરીઝમાં આઇફોન 17, આઇફોન એર, આઇફોન 17 પ્રો અને પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ સિરીઝના તમામ મોડલમાં 18 મેગાપિક્સલનો સેન્ટર સ્ટેજ સેલ્ફી કેમેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલાં આ કેમેરા 12 મેગાપિક્સલનો હતો. છેલ્લા ત્રણ મોડલથી આ કેમેરા 12 મેગાપિક્સલનો હતો જે હવે 18 કરવામાં આવ્યો છે. આ લેન્સને નવેસરથી બનાવવામાં આવ્યો છે. પહેલાં એમાં પાંચ એલિમેન્ટ હતા, પરંતુ હવે છ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મોબાઇલ રોટેટ કર્યા વગર લઈ શકાશે લેન્ડસ્કેપ સેલ્ફી
અગાઉના આઇફોનમાં રેક્ટેંગ્યુલર સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે આઇફોન 17 સિરીઝમાં સ્ક્વેર ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ક્વેર સેન્સરને કારણે હવે સેલ્ફી કેવી રીતે લેવામાં આવે છે એ બદલાઈ ગયું છે. મોટા ગ્રુપની સેલ્ફી લેવા માટે યુઝરે અત્યાર સુધી મોબાઇલ રોટેટ કરવો પડતો હતો. જોકે હવે યુઝર ઓન-સ્ક્રીન આઇકન પર ટેપ કરતાં જ ફોટો લેન્ડસ્કેપમાં જોવા મળશે. એટલે કે હવે મોબાઇલને રોટેટ કરવાની જરૂર નહીં રહે. એપલ અનુસાર યુઝર તેમના મોબાઇલને વધુ સારી રીતે પકડીને ફોટો ક્લિક કરી શકે એ માટે આ ફીચર આપવામાં આવ્યું છે.
AI સેલ્ફી ફીચર
આઇફોન 17 સિરીઝમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેલ્ફી એક્સપિરિયન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝરના અલગ-અલગ રેશિયોમાં ફોટો ક્લિક કરી રહ્યો હશે ત્યારે કેમેરા પોતાની રીતે ફ્રેમ અને અન્ય બાબતોને એડજસ્ટ કરી લેશે. જોકે ફ્રેમમાં કેટલા વ્યક્તિ છે એના પર એ આધાર રાખશે. આ ફોનમાં સેન્ટર સ્ટેજ ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી યુઝરને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. યુઝર જ્યારે ચાલી રહ્યો હોય અથવા તો અન્ય કામમાં વ્યસ્ત હશે તો પણ વીડિયો કોલ દરમિયાન અથવા તો લાઇવ સ્ટ્રીમ દરમિયાન તે સેન્ટરમાં રહેશે. આ સાથે જ એમાં ડ્યુઅલ કેમેરા કેપ્ચર ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. એટલે કે યુઝર બેક અને ફ્રન્ટ બન્ને કેમેરા વડે એક જ સમયે શૂટિંગ કરી શકશે.