આઇફોન 17 આવ્યા પછી કઈ પ્રોડક્ટ થશે બંધ? જાણો તમારો આઇફોન છે કે નહીં...
Apple iPhone: આઇફોન 17 સિરીઝ 9 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઈ રહી છે. આ લોન્ચ થતાની સાથે જ કેટલાક આઇફોન બંધ થઈ જશે અને કેટલાક આઉટડેટ થઈ જશે. નવા આઇફોન આવતાની સાથે એપલ 7 પ્રોડક્ટને બંધ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. એમાં કેટલાક આઇફોનનો પણ સમાવેશ થાય છે. આ પ્રોડક્ટને યુઝર્સ હવે એપલ સ્ટોર અથવા તો વેબસાઇટ પરથી નહીં ખરીદી શકશે. આથી જે પણ યુઝરે કેટલાક આઇફોન ખરીદવા હોય તો એને એપલ ઇવેન્ટ પહેલાં ખરીદવા હિતાવહ છે.
સાત પ્રોડક્ટ થઈ રહી છે બંધ
આઇફોન 17 લોન્ચ થતાની સાથે એપલ દ્વારા એપલ સ્ટોર અને વેબસાઇટ પરથી સાત પ્રોડક્ટને બંધ કરી દેવામાં આવશે એવા એંધાણ છે. આ પ્રોડક્ટમાં આઇફોન 15, આઇફોન 15 પ્લસ, આઇફોન 16 પ્રો, આઇફોન 16 પ્રો મેક્સ, એપલ વોચ સિરીઝ 10, એપલ વોચ અલ્ટ્રા 2 અને એરપોડ્સ પ્રો 2ને બંધ કરવામાં આવશે. જોકે સ્ટોક હશે ત્યાં સુધી એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પરથી એને ખરીદી શકાશે. આ સાથે જ કેટલાક ઓફલાઇન સ્ટોર પરથી પણ એની ખરીદી કરી શકાશે. જોકે આ સ્ટોક લિમિટેડ હોઈ શકે છે એથી એ ક્યાં સુધી ઉપલબ્ધ હશે એ કહેવું મુશ્કેલ છે.
એપલ ઓફિશિયલી કયા આઇફોન વેંચશે?
એપલની વેબસાઇટ અને સ્ટોરમાં આઇફોન 16e, આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સ જોવા મળશે. આઇફોન 16 અને આઇફોન 16 પ્લસની કિંમતમાં પણ ઘટાડો થશે એવી ચર્ચા છે. ગયા વર્ષે એપલ દ્વારા આઇફોન 15 અને આઇફોન 15 પ્લસની કિંમતમાં દસ હજાર રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આથી આ વર્ષે પણ એપલ એની કિંમતમાં ઘટાડો કરશે એવી શક્યતા છે.
આઇફોન 17 સિરીઝની કિંમત
એપલ દ્વારા આઇફોન 17 સિરીઝ લોન્ચ કરતાની સાથે જ આઇફોન ખરીદવાના ઓપ્શન યુઝર્સ માટે ઓછા થઈ ગયા છે. આઇફોન 17ની કિંમત ₹79,990ની આસપાસ હશે. આઇફોન 17 એરની કિંમત ₹90,000થી ₹1,00,000ની આસપાસ છે. આઇફોન 17 પ્રોની કિંમતમાં ₹5,000નો વધારો થવા જઈ રહ્યો છે. જોકે એની સામે સ્ટોરેજ 128 GBની જગ્યાએ 256 GB કરવામાં આવશે. આથી આ આઇફોનની કિંમત ₹1,25,000ની આસપાસ છે. આઇફોન 17 પ્રો મેક્સની કિંમત અંદાજે ₹1,64,900ની આસપાસ જોવા મળશે.
કઈ પ્રોડક્ટ થશે આઉટડેટેડ?
એપલ દ્વારા તેમની પ્રોડક્ટને આઉટડેટેડની બે કેટેગરીમાં રાખવામાં આવે છે. એક છે વિન્ટેજ અને બીજી છે એબ્સોલેટ. વિન્ટેજ કેટેગરીમાં આઇફોન 8 પ્લસનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિન્ટેજ કેટેગરીમાં એ મોબાઇલનો સમાવેશ કરવામાં આવે છે જેને એપલ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વેંચાણ બંધ કરી દેવામાં આવ્યું હોય. આ કેટેગરીમાં જે પણ પ્રોડક્ટનો સમાવેશ થાય છે એને થોડા સમય સુધી રિપેર કરી આપવામાં આવે છે, પરંતુ એના પાર્ટ્સ નથી બનતા. એબ્સોલેટમાં એપલ દ્વારા 2015નું 11 ઇંચ મેકબૂક એર, 13 ઇંચ મેકબૂક પ્રો અને 2017નું 15 ઇંચ મેકબૂક પ્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એબ્સોલેટ કેટેગરીમાં જે પ્રોડક્ટનો સમાવેશ થાય છે એને રિપેર પણ કરવામાં નથી આવતી અને એના પાર્ટ્સ પણ નથી મળતાં.