Get The App

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ

Updated: Jul 17th, 2021

GS TEAM

Google News
Google News
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ 1 - image

સહેલાઈથી ડેસ્કટોપ જુઓ

તમારા પીસી કે લેપટોપમાં વિન્ડોઝ ૭ હોય કે વિન્ડોઝ ૧૦ તમે ઘણી જુદી જુદી વિન્ડો ઓપન કરી હોય અને પછી ડેસ્કટોપ સ્ક્રીન જોવાની જરૂર પડે તો? એક સહેલો રસ્તો વિન્ડોઝ કી + ડી પ્રેસ કરવાનો છે. બીજો રસ્તો સ્ક્રીન પર નીચે છેક જમણી બાજુ આપેલા એક નાના બોક્સ પર માઉસ લઇ જવાનો છે. માઉસ ફક્ત લઈ જશો, ક્લિક નહીં કરો તો ડેસ્કટોપ દેખાશે અને માઉસ હટાવતાં ફરી મૂળ વિન્ડો એક્ટિવ થશે. જો એ ટચૂકડા બોક્સ પર ક્લિક કરશો તો ખૂલેલી બધી વિન્ડો બંધ થશે અને ડેસ્કટોપ જોવા મળશે!

પીસી/નેટ પર વોઈસ ટાઇપિંગ

સ્માર્ટફોનમાં ગૂગલ જીબોર્ડ, માઇક્રોસોફ્ટ સ્વિફ્ટ કી કે અન્ય કંપનીના કી બોર્ડમાં આપણે વોઇસ ટાઇપિંગ કરી શકીએ છીએ એ તો તમે જાણતા જ હશો. તમે ઇચ્છો તો વિન્ડોઝ ૧૦માંની એક સગવડની મદદથી લેપટોપમાં પણ વોઇસ ટાઇપિંગ કરી શકો છો. ઓફિસ પ્રોગ્રામ્સ કે ઇન્ટરનેટના કોઈ પણ વેબપેજ પર ટેકસ્ટ ફિલ્ડમાં કંઈ પણ ટાઇપ કરવું હોય ત્યારે વિન્ડોઝ કી + એચ ટાઇપ કરી જુઓ. સ્ક્રીન પર મથાળે એક નાનું બોકસ ખુલશે અને હવે તમે લેપટોપના માઇક્રોફોનની મદદથી લેપટોપ પર વોઇસ ટાઇપિંગ કરી શકશો!

યુનિવર્સલ ક્લિપબોર્ડ

લેપટોપમાં કામ કરતી વખતે આપણે અવારનવાર જુદા જુદા પ્રોગ્રામમાં કંઈ ને કંઈ કોપી અને પેસ્ટ કરતા હોઇએ છીએ. વિન્ડોઝ ૧૦માં આ સગવડને વધુ અસરકારક બનાવતી યુનિવર્સલ ક્લિપ બોર્ડની સુવિધા છે એ તમે જાણો છો? તેનો લાભ લેવા માટે વિન્ડોઝ કી + વી કી પ્રેસ કરો. આથી વિન્ડોઝનું ક્લિપબોર્ડ ખુલશે. હવે તમે જુદા જુદા કોઈ પણ પ્રોગ્રામ (બ્રાઉઝરમાંના વેબપેજ સહિત) ગમે ત્યાંથી કંઈ પણ સિલેક્ટ કરીને કોપી કરશો તો એ બધી બાબતો આ યુનિવર્સલ ક્લિપબોર્ડમાં જમા થતી જશે.

તમે ઇચ્છો ત્યારે એ બધું કોઈ એક ડોક્યુમેન્ટમાં ભેગું કરવા માટે પેસ્ટ કમાન્ડનો લાભ લઈ શકો છો. જો તમે જુદા જુદા ડિવાઇસમાં તમારા માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી સાઇન-ઇન થાઓ તો આ યુનિવર્સલ ક્લિપબોર્ડ બધા ડિવાઇસમાં કામ લાગશે. વધુ માહિતી માટે લેપટોપમાં સેટિંગ્સમાં સેટિંગ્સમાં ક્લિપબોર્ડમાં જાઓ અથવા કોર્ટનામાં સીધું ક્લિપબોર્ડ સર્ચ કરી લો!

ભૂલ સુધારી લેવાની તક

રીયલ લાઇફથી વિપરિત, કમ્પ્યૂટરમાં ભૂલ સુધારી લેવાની તક હોય છે - કંટ્રોલ+ઝેડ કી પ્રેસ કરી આપણે પોતાનું એક્શન ‘અનડુ કરી શકીએ છીએ. પણ, એ રીતે ભૂલ સુધાર્યા પછી ખ્યાલ આવે કે ભૂલ જ નહોતી, તો? તો અનડુને પણ અનડુ કરી શકાય - કંટ્રોલ+વાય કીની મદદથી! આ શોર્ટકટ મજાનો છે, આગલું સ્ટેપ અનડુનું હોય તો એ તેને પણ અનુડ કરે, બાકી આગળ જે સ્ટેપ લીધું હોય તેને કંટ્રોલ+વાય કીથી આપણે રીપીટ કરી શકીએ છીએ! આ જ કામ જોકે એફ૪કી પણ થઈ શકે છે.