40 વર્ષો બાદ ફરી એક ભારતીય ઈતિહાસ રચવા તૈયાર, અંતરિક્ષ માટે આજે ભરશે ઉડાન, જાણો તેમના વિશે
Who Is Gopichand Thotakura : ભારતીય મૂળના પાઈલટ ગોપીચંદ થોટાકુરા આજે ઈતિહાસ રચશે. તે જેફ બેઝોસની માલિકી હેઠળની કંપની બ્લૂ ઓરિજિનની કોમર્શિયલ અંતરિક્ષ યાત્રાનો હિસ્સો છે જે આજે સાંજે ઉડાન ભરશે. બ્રહ્માંડની આ યાત્રામાં પાઈલટ તરીકે ગોપીચંદની પસંદગી કરાઈ હતી.
અગાઉ કોણે આ સિદ્ધી મેળવી હતી
ગોપીચંદ અંતરિક્ષની આ ઉડાન સાથે જ બીજા ભારતીય બની જશે. અગાઉ 1984માં રાકેશ શર્માએ આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. અમેરિકામાં રહેતાં ગોપીચંદને બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડ (NS-25) મિશન માટે ક્રૂ મેમ્બર્સની ટીમમાં પસંદ કરાયો છે. આ ટીમમાં દુનિયાભરના પાંચ અન્ય અંતરિક્ષ યાત્રી પણ સામેલ છે. આ મિશન શેપર્ડ કાર્યક્રમ માટે સાતમી માનવ ઉડાન અને ઈતિહાસમાં 25મું મિશન છે.
આ મિશન ક્યારે ઉડાન ભરશે?
આ મિશનની ઉડાનનો સમય ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. લોન્ચની 40 મિનિટ પહેલા બ્લુ ઓરિજિનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે. ટેક ઓફ સાઈટ અમેરિકાના વેસ્ટ ટેક્સાસ શહેરમાં રાખવામાં આવેલી છે.
શું છે મિશનનું લક્ષ્ય?
એક ભારતીય તરીકે ગોપીચંદની યાત્રાનું ઘણું મહત્વ છે. કારણ કે એપ્રિલ 1984માં રશિયન સોયુઝ ટી-11 અવકાશયાનમાં રાકેશ શર્માની ઐતિહાસિક યાત્રા બાદ તેઓ અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપીચંદ 31 લોકોની સ્પેશિયલ ટીમનો ભાગ છે જેમને કર્મન રેખા પાર કરવાની છે. આ રેખા પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા છે.