આઇફોન એર ડિઝાઇન કરનારા આબિદુર ચૌધરી કોણ છે?, જાણો તેની પ્રેરણાત્મક કહાની
Who Is Abidur Chowdhury?: બાંગ્લાદેશી ઇનોવેટર આબિદુર ચૌધરી દુનિયાભરમાં ખૂબ જ જાણીતું નામ બની ગયું છે. તે એપલમાં હવે ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ બની ગયો છે. તેણે આઇફોન 17 એરની ડિઝાઇનને એકદમ પાતળી અને હલકી બનાવી છે. આ આઇફોનને એપલની ‘Awe-dropping’ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોન 17 સિરીઝમાં ચાર આઇફોનનો સમાવેશ થાય છે જે આઇફોન 17, આઇફોન 17 એર, આઇફોન 17 પ્રો અને આઇફોન 17 પ્રો મેક્સનો સમાવેશ થાય છે. આ ઇવેન્ટ ઘણાં કારણસર ચર્ચામાં રહી હતી, પરંતુ એમાનું એક કારણ આબિદુર ચૌધરી પણ છે. એપલના અત્યાર સુધીના સૌથી પાતળા આઇફોન માટેની ક્રેડિટ આબિદુર ચૌધરીને આપવામાં આવી છે.
આબિદુર ચૌધરી વિશે કેટલાક રિપોર્ટ એવા છે કે તે મૂળ બાંગ્લાદેશનો છે, પરંતુ આ રિપોર્ટને કોઈ પણ રીતે હજી સુધી વેરિફાય નથી કરી શકાયા. જોકે એપલ દ્વારા આઇફોન એરને આબિદુર દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એપલ માટે આ પહેલીવાર હતું કારણ કે આજ સુધી ડિઝાઇનર ક્યારેય ફોન લોન્ચ કરવા નથી આવ્યા. આબિદુર કહ્યું હતું કે આ સૌથી પાતળો આઇફોન છે, પરંતુ એમાં પ્રો આઇફોન જેવો પાવર છે. સ્ટેજ પર તેને જોઈને દરેકને નવાઈ લાગી હતી, પરંતુ એપલ હવે તેમના ડિઝાઇનરને ધીમે-ધીમે સ્ટેજ પર લાવવાનું પ્લાનિંગ કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અત્યાર સુધી ફક્ત એક્ઝિક્યુટિવ જ સ્ટેજ પર આવતાં હતાં. જોકે આબિદુરને કારણે દુનિયાભરના યુવાન ડિઝાઇનર પણ પ્રેરિત થાય એવી શક્યતા છે.
આબિદુર ચૌધરીનું એજ્યુકેશન શું છે?
આબિદુર ચૌધરીનો જન્મ અને ઉછેર લંડનમાં થયો છે. ત્યાં તેણે લફબોરો યુનિવર્સિટીમાંથી પ્રોડક્ટ ડિઝાઇન અને ટૅક્નોલૉજીમાં અભ્યાસ કર્યો હતો. યુનાઇટેડ કિંગડમમાં પ્રોડક્ટ ડિઝાઇન અને એન્જિનિયરિંગ માટે આ યુનિવર્સિટી ખૂબ જ પ્રસિદ્ધ છે. તેના અભ્યાસ દરમિયાન આબિદુરને ઘણાં ઍવૉર્ડ્સ પણ મળ્યા હતા જેમાં 3D હબ્સ સ્ટુડન્ટ ગ્રાન્ટ, જેમ્સ ડાયસન ફાઉન્ડેશન બર્સરી, કેનવૂડ એપ્લાયન્સિસ ઍવૉર્ડ, ન્યુ ડિઝાઇનર કેનવૂડ એપ્લાયન્સિસ ઍવૉર્ડ અને રેડ ડોટ ડિઝાઇન જેવા ઘણાં ઍવૉર્ડ મળ્યા છે.
એપલ પહેલાં આબિદુર ક્યાં કામ કરતો હતો?
એપલ પહેલાં આબિદુર દ્વારા ઇન્ટર્નશિપ અને ડિઝાઇન વર્ક માટે તેણે યુકેની કેમ્બ્રિજ કન્સલ્ટન્ટ અને કર્વેન્ટામાં કામ કર્યું હતું. આ સાથે જ તેણે લંડનમાં લેયર ડિઝાઇનમાં પણ કામ કર્યું હતું. 2018-19 દરમિયાન તેણે પોતાની આબિદુર ચૌધરી ડિઝાઇન કન્સલ્ટન્સી પણ ચલાવી હતી. આ સમયે તેણે એજન્સી, સ્ટાર્ટઅપ અને ડિઝાઇન પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. 2019ની જાન્યુઆરીમાં તેણે કેલિફોર્નિયામાં એપલની ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇન ટીમ સાથે જોડાયો હોવાના રિપોર્ટ છે. આઇફોન પર કામ કરવાં પહેલાં તેણે એપલમાં કયા પ્રોજેક્ટ પર કામ કર્યું હતું અથવા તો કઈ ભૂમિકા ભજવી હતી એ વિશે કોઈ માહિતી આપવામાં નથી આવી.
આબિદુરને એપલમાં જોબ કેવી રીતે મળી?
આબિદુર ચૌધરીને જે ઍવૉર્ડ્સ મળ્યા હતા એને કારણે એપલની નજર તેના પર ગઈ હતી. આ સાથે જ તેના કરિયર દરમિયાન તેને રેડ ડોટ ઍવૉર્ડ મળ્યો હતો એ તેને ખૂબ જ કામ આવ્યો હતો. ડિઝાઇન સ્ટુડન્ટ માટે તેમના પોર્ટફોલિયો ખૂબ જ મહત્ત્વના છે. એપલ પહેલાં તેણે ફ્રીલાન્સિંગ કર્યું હતું એ પણ તેને ખૂબ જ કામમાં આવ્યું હતું. તેના સ્કિલમાં આ તમામ કામ ખૂબ જ મદદરૂપ રહ્યા હતા.
ડિઝાઇન સ્ટુડન્ટ માટે તેની સ્ટોરી પ્રેરણાત્મક હોઈ શકે છે, પરંતુ આઇફોન 17 એર પ્રોજેક્ટ માટે દરેક વ્યક્તિ માટે તે પ્રેરણારૂપ બની શકે છે. આ ડિઝાઇન માટે તેણે કેટલું કામ કર્યું અને શું કર્યું એ ચોક્કસ માહિતી એપલ દ્વારા આપવામાં નથી આવી, પરંતુ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર માટે આ ખૂબ જ મહત્ત્વનું કામ હોય છે. આઇફોન એર અત્યાર સુધીનો સૌથી પાતળો આઇફોન હોવાથી એમાં કેટલી ચેલેન્જ આવી હશે એ સમજી શકાય છે.