Get The App

દુનિયામાં પહેલા ટામેટાં આવ્યા કે બટાકાં? રિસર્ચના પરિણામ જાણી માથું ચકરાઈ જશે!

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
દુનિયામાં પહેલા ટામેટાં આવ્યા કે બટાકાં? રિસર્ચના પરિણામ જાણી માથું ચકરાઈ જશે! 1 - image


Potato And Tomato: બટાકાંને શાકભાજીમાં રાજા ગણવામાં આવે છે કારણ કે એ દરેક શાકભાજીમાં ભળી જાય છે. કેટલાક લોકો બટાકાંને ગણતરીમાં પણ નથી લેતા કારણ કે એને દરેક શાક સાથે બનાવવામાં આવે છે. બટાકાંને ઘણી રીતે ખાઈ શકાય છે. બટાકાં ફ્રેન્ચ ફ્રાઈઝ માટે પણ જાણીતા છે. આ ફ્રેન્ચ ફ્રાઈઝને ટામેટાના કેચઅપ સાથે ખાવામાં આવે છે. જોકે સૌથી પહેલાં બટાકાં આવ્યા કે ટામેટાં એ એક સવાલ છે.  

એક રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે અંદાજે 90 લાખ વર્ષ પહેલાં ટામેટાં જેવા છોડ અને અન્ય એક પ્રાચીન છોડની વચ્ચે હાઈબ્રિડાઈઝેશન થયું હતું. એના કારણે બટાકાંની ઉત્પત્તિ થઈ હતી. આ હાઈબ્રિડાઈઝેશન દ્વારા જેની ઉત્પત્તિ થઈ હતી એને આપણે બટાકાં કહીએ છીએ જેને આપણે આજે ખાઈએ છીએ. આ વાતને જર્નલ સેલમાં હાલમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આ રિસર્ચ ટીમના લીડર અને ચાઈનીઝ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સના બાયોલોજિસ્ટ સંવેન હુઆંગે કહ્યું છે કે ટામેટાં એ બટાકાંની મમ્મી છે. ટામેટાંને કારણે બટાકાંને નવી રીતે ઉત્પત્તિ થવા માટેની તાકાત મળી છે.

બટાકાંની ઉત્પત્તિનું રહસ્ય કેવી રીતે ઉકેલાયું?  

બટાકાંને (સોલેનમ ટ્યુબરોસમ) દુનિયાભરના તમામ પાકોમાં સૌથી મહત્ત્વનું એક છે. એંડીઝ પર્વતમાં હજારો પ્રકારના જંગલી અને ધરેલું બટાકાંની ઉત્પત્તિ જોવા મળે છે. આ બટાકાં અલગ-અલગ પ્રકારના રંગ, આકાર અને સ્વાદવાળા હોય છે. બટાકાંના કંદ કેવી રીતે બન્યા એક મોટું રહસ્ય છે. અગાઉ પણ ઘણાં રિસર્ચ થયા હતા જેમાં જાણવા મળ્યું હતું કે ટામેટાં બટાકાં સાથે સૌથી નજીકનો સંબંધ ધરાવે છે. એટ્યુબરોસમના છોડ પણ બટાકાં જેવા દેખાય છે. જોકે એમાં કંદ નથી હોતા. આ માટે રિસર્ચ કરતાં દ્વારા રહસ્યને શોધવા માટે 44 જંગલી બટાકાંની પ્રજાતિ, ત્રણ એટ્યુબરોસમ પ્રજાતિ અને 15 જંગલી ટામેટાંની પ્રજાતિઓના જીનોમની સીક્વેન્સિંગ કરવામાં આવી હતી. આ અત્યાર સુધીનું સૌથી મોટું રિસર્ચ કહેવામાં આવે છે.

આ રિસર્ચ પરથી જાણવા મળ્યું કે બટાકાંની દરેક પ્રજાતિમાં એટ્યુબરોસમ અને ટામેટાંની જિનનું મિશ્રણ જોવા મળ્યું છે. આ એક પ્રાચીન હાઈબ્રિડની નિશાની છે. ટામેટાં અને એટ્યુબરોસમના પૂર્વજ અંદાજે 1.3 - 1.4 કરોડ વર્ષ પહેલાં અલગ થયા હતા. આમ છતાં 89-90 લાખ વર્ષ પહેલાં એમના વચ્ચે હાઈબ્રિડ થયું હતું. એના કારણે બટાકાંની નવી વંશની ઉત્પત્તિ થઈ હતી.

કંદ બનાવવા માટે ટામેટાંનું યોગદાન  

કંદ એક એવો ભાગ છે જેમાં પોષક તત્વ સ્ટોર થતાં હોય છે. એ બટાકાંને ખૂબ જ ખરાબ વાતાવરણમાં પણ જીવંત રહેવા માટે અને બીજ વગર પણ પ્રજનન કરવા માટે મદદ કરે છે. બટાકાંની અંદર જે SP6A જિન છે એ ટામેટાંમાંથી આવ્યું છે. બટાકાંમાં કંદ બનાવવા માટેનું આ મુખ્ય કારણ છે. આ જિન છોડને બનાવવા માટે સંકેત આપે છે કે કંદ ક્યારે બનાવવું. બટાકાંમાં IT1 જિન છે એ એટ્યુબરોસમમાંથી આવ્યું છે. એ બટાકાંમાં રહેલાં કેટલાક તત્વનો કંટ્રોલ કરે છે અને અંતમાં એ પણ કંદમાં પરિણમે છે.

આ બન્ને જિનના મળવાથી કંદ બને છે. હાઈબ્રિડ થવાથી બટાકાંને વધુ જિનેટિક શક્તિ મળી અને એનાથી જ તેની વિવિધ પ્રજાતિની ઉત્પત્તિ થઈ. હાઈબ્રિડ થયા બાદ બટાકાંની પ્રજાતિ ટામેટાં કરતાં 20 ટકા અને એટ્યુબરોસમ કરતાં 36 ટકા વધુ ઝડપથી વધી હતી. એંડીઝ પર્વતો ખૂબ જ ઝડપથી મોટા થઈ રહ્યાં હતાં ત્યારે આ હાઈબ્રિડાઈઝેશન થયું હતું. એના કારણે બટાકાંને એક નવા વાતાવરણમાં વિકસતી થવાની મદદ મળી હતી.

દુનિયામાં પહેલા ટામેટાં આવ્યા કે બટાકાં? રિસર્ચના પરિણામ જાણી માથું ચકરાઈ જશે! 2 - image

રિસર્ચ કરનાર શું કહે છે?  

યૂનિવર્સિટી ઓફ આર્કાન્સસના ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ જેરેમી બ્યૂલિયૂનને આ છોડના મુખ્ય ઇનોવેશનનાં આ રિસર્ચને સૌથી મહત્ત્વનું એક ગણાવ્યું છે. કેટલાક એક્સપર્ટનું માનવું છે કે આ હાઈબ્રિડને કારણે કંદ જરૂર બન્યા, પરંતુ એના વિવિધ પ્રકારો કેવી રીતે બન્યા એના પર હજી પણ સવાલ છે.

આ પણ વાંચો: ગૂગલ મેપ્સને ટક્કર આપવાની મેપલ્સની તૈયારી, પબ્લિક ટ્રાન્સપોર્ટ રૂટની સાથે લોન્ચ કરવામાં આવ્યા નવા ફીચર્સ...

ભવિષ્યમાં વધુ પ્રજાતિ જોવા મળશે બટાકાંની  

સંવેન હુઆંગનું કહેવું છે કે આ શોધ પરથી નવા બટાકાંની પ્રજાતિ શોધવામાં મદદ મળશે. ખાસ કરીને બીજ દ્વારા વિકસિત થતાં બટાકાંની પ્રજાતિને શોધવામાં. વિજ્ઞાનીઓ હવે બટાકાંના જિનને હવે ટામેટાંમાં નાખીને એને કંદ આધારિત ટામેટાં બનાવવા માટેની કોશિશ કરશે. વિકાસની જૂની પ્રક્રિયાને વિજ્ઞાનીઓ ફરી એક પરીક્ષણ રૂપે કરવા માગે છે.