Get The App

આઇ ફોન ખરીદવાનો હોવ તો તમે આ ભૂલ ના કરતા, જાણો શ્રેષ્ઠ સમય કયો

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
આઇ ફોન ખરીદવાનો હોવ તો તમે આ ભૂલ ના કરતા, જાણો શ્રેષ્ઠ સમય કયો 1 - image


Which is Best Time To Buy iPhone?: આઇફોન ખરીદવા માટે હંમેશાં સમય જોવો જોઈએ. આગામી બે મહિના આઇફોન ખરીદવા માટેનો સારો સમય નથી. આઇફોન ખરીદવો કે અન્ય કંપનીનો સ્માર્ટફોન એ હંમેશાં યુઝર્સની પસંદગીની વાત છે. જો આઇફોન ખરીદવો હોય તો કોઈ પણ યુઝરે હાલમાં થોડા મહિના રાહ જોવી જોઈએ. એપલ હંમેશાં સપ્ટેમ્બરમાં ફોન લોન્ચ કરે છે. આથી જ આ સમય નવા આઇફોન અથવા તો સેકન્ડ હેન્ડમાં લેવા માટે પણ સારો સમય નથી. આઇફોન 16, આઇફોન 15 અને આઇફોન 14 માટે પણ આ સમય યોગ્ય નથી. ગમે તેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો પણ હાલમાં આઇફોન નહીં ખરીદવો વધુ હિતાવહ છે.

આઇફોન ખરીદવા માટેનો શ્રેષ્ઠ સમય કયો?

એપલ ભાગ્યે જ તેના આઇફોનની કિંમતમાં બદલાવ કરે છે. જોકે છેલ્લા થોડા સમયથી આઇફોન માટે આખું વર્ષ ડીલ્સ આવતી રહી છે. જોકે આઇફોન લેવા માટે સૌથી હોંશિયારી ભર્યો સમય કહેવામાં આવે તો એ લોન્ચ થયા બાદના થોડા મહિના છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બરની વચ્ચે નવો આઇફોન ખરીદવો ઉત્તમ નિર્ણય સાબિત થઈ શકે છે. આ સમયે કલર અને સ્ટોરેજ ઓપ્શન્સની સાથે દરેક નવા ફીચર્સ મળશે અને ડીલ્સ પણ સારી મળશે. આજ સમય સેકન્ડ હેન્ડ ફોન ખરીદવા માટેનો અથવા તો નીચેના મોડલવાળો નવો આઇફોન લેવા માટેનો પણ ઉત્તમ સમય છે. લેટેસ્ટ મોડલ આવ્યું હોવાથી એ પહેલાંના મોડલના ભાવમાં ઘટાડો જોવા મળે છે. ખાસ કરીને દિવાળી દરમ્યાન ખૂબ જ કિંમતમાં ઘટાડો જોવા મળે છે.

ક્યારે આઇફોન ન ખરીદવો?

જુલાઈથી લઈને સપ્ટેમ્બરમાં નવો આઇફોન લોન્ચ ન થાય ત્યાં સુધી આઇફોન ન ખરીદવો જોઈએ. નવું મોડલ લોન્ચ થયાના થોડા મહિના પહેલાં આઇફોન ખરીદવો સૌથી ખરાબ નિર્ણય બની શકે છે. કેટલાક યુઝર્સને લેટેસ્ટ આઇફોન વિશે કોઈ ફરક ન પડતો હોય એવું બની શકે. ઘણાં યુઝર્સને નવા ફીચર્સની પણ પડી નથી હોતી. તેમને ફક્ત આઇફોન સાથે મતલબ હોય છે. જો કે મોડલ જૂનું થઈ રહ્યું હોય એટલે તેની બેટરી લાઈફ અને સોફ્ટવેર સપોર્ટ પર પણ અસર પડે છે. તેમજ નવું મોડલ આવવાથી તેની કિંમત જે ઓછી થવાની હોય એ પણ નથી થતી. નવું મોડલ આવતાં કિંમત ઓછી થશે અને ત્યાર બાદ તેના પર પણ ડીલ્સ જોવા મળશે. આથી લોન્ચના થોડા મહિના પહેલાં ગમે તેટલી આકર્ષક ડીલ આપવામાં આવે એ સમયે આઇફોન લેવો ખરાબ નિર્ણય સાબિત થઈ શકે છે.

આઇ ફોન ખરીદવાનો હોવ તો તમે આ ભૂલ ના કરતા, જાણો શ્રેષ્ઠ સમય કયો 2 - image

નવા આઇફોન 17માં સ્લિમ મોડલનો પણ થશે સમાવેશ

એપલ દ્વારા સપ્ટેમ્બરમાં આઇફોન લોન્ચ કરવામાં આવે એ એક નિયમ બની ગયો છે. 2012થી એપલ સપ્ટેમ્બરમાં લોન્ચ કરે છે અને 2025માં પણ એ જ સમયે લોન્ચ કરવામાં આવે એવી શક્યતા છે. આ વખતે આઇફોન 17 લોન્ચ કરવામાં આવશે. તેમાં હવે સ્લિમ મોડલ એટલે કે આઇફોન 17 એરનો પણ સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ નવા કલર પણ લોન્ચ કરવામાં આવે એવી શક્યતા ખૂબ જ વધુ છે.

આઇફોન 17 પ્રો અને 17 પ્રો મેક્સમાં ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવશે એવી શક્યતા છે. ખાસ કરીને કેમેરા મોડ્યુલને બદલવામાં આવશે. જો કે આઇફોન 17ના બેસિક મોડલમાં આ કેમેરા મોડ્યુલ જોવા નહીં મળે. આઇફોન 17ના દરેક મોડલમાં એન્ટી-રિફ્લેક્ટિવ ડિસ્પ્લેનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી વાર બેસિક મોડલમાં પણ 120Hzની સ્ક્રીનનો સમાવેશ કરવામાં આવશે. A19 પ્રોસેસર ધરાવતાં આ આઇફોન સિરીઝમાં iOS 26નો સમાવેશ કરવામાં આવશે અને તેમાં લીક્વિડ ગ્લાસ ડિઝાઇન જોવા મળશે.

આ પણ વાંચો: પાંચ મહિનામાં ₹7000 કરોડ રૂપિયા ધોવાયા: ભારતમાં ઑનલાઇન સ્કેમમાં વધારો

આઇફોન 17 પ્રો મેક્સમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરીનો સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આ સિરીઝમાં પહેલાં પ્લસ મોડલનો સમાવેશ કરવામાં આવતો હતો, જેની જગ્યાએ હવે એર મોડલનો સમાવેશ કરવામાં આવશે. એર મોડલ અત્યાર સુધીનો સૌથી સ્લિમ મોડલ હશે એવું કહેવામાં આવી રહ્યું છે. આઇફોન 17ના તમામ મોડલમાં સેલ્ફી કેમેરા 24 મેગાપિક્સલનો કરવામાં આવશે એવી ચર્ચા છે.

Tags :