ચંદ્રયાન-4 ક્યારે લોન્ચ થશે? કેન્દ્રીય મંત્રીએ ટાઇમિંગની સાથે મિશન પણ સમજાવ્યું

Chandrayan 4 Will Launch In 2027: ભારત પોતાનું ચંદ્રયાન-4 મિશન વર્ષ 2027માં લોન્ચ કરશે. આ અંગે સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સ્થિત ખડકોના નમૂનાઓ એકત્ર કરી પૃથ્વી પર લાવવાનો છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ બે હેવીલિફ્ટ એલવીએમ-3 રોકેટ લોન્ચ કરાશે. જે ઓરબીટમાં એસેમ્બલ કરવા માટે મિશનના વિવિધ પાંચ કોમ્પોનન્ટ્સ લઈ જશે.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પરથી નમૂના એકત્ર કરી પૃથ્વી પર લાવવાનો છે. આ અવકાશયાનને આગામી વર્ષે સ્પેસમાં મોકલવામાં આવશે. મિશન હેઠળ ભારતીય અંતરિક્ષ યાત્રીઓને પૃથ્વીની નીચલી કક્ષામાં મોકલવામાં આવશે અને મિશન પૂર્ણ કરી સુરક્ષિત રૂપે ધરતી પર પરત લવાશે.
આ પણ વાંચોઃ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે સરકારની ચેતવણી: જાણો યૂઝર્સે શું ધ્યાન રાખવાની જરૂર છે…
2026માં સમુદ્રયાન લોન્ચ થશે
વધુમાં ભારત સમુદ્રની સપાટી પર સંશોધન કરવા માટે 2026માં સમુદ્રયાન લોન્ચ કરશે. જેમાં ત્રણ વૈજ્ઞાનિકોની ટીમ એક ખાસ સબમરિન મારફત સમુદ્રની અંદર 6000 મીટર ઊંડાઈ સુધી જશે. આ ઉપલબ્ધિ ભારતના અન્ય પ્રમુખ મિશનના ભાગરૂપે રહેશે. ઉલ્લેખનીય છે, વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિન નિમિત્તે પોતાના ભાષણમાં સમુદ્રયાન મિશનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં સમુદ્રની અંદર રહેલા ખનિજ, દુર્લભ ધાતુઓ અને અજાણી સમુદ્રી જૈવ વિવિધતા શોધવામાં મદદ થશે. જે દેશની આર્થિક પ્રગતિ અને પર્યાવરણીય સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
ચંદ્ર પર ભારતે ત્રણ સ્પેસ મિશન લોન્ચ કર્યા
ભારતે ચંદ્ર પર ચંદ્રયાન સિરીઝમાં ત્રણ સ્પેસ મિશન 2008, 2019, અને 2023માં લોન્ચ કર્યા હતા. આ વર્ષે ગગનયાન મિશન હેઠળ રોબોટ ‘વ્યોમમિત્ર’ અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
સ્પેસ ઈકોનોમી 44 અબજ ડૉલર થશે
ભારતની સ્પેસ ઇકોનોમી હાલ 8 અબજ ડૉલર છે. આગામી 10 વર્ષોમાં વધી 44 અબજ ડૉલર થવાનો અંદાજ છે. નવા માળખાગત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાનગી ભાગીદારી અને રૅકોર્ડ રોકાણ સાથે આગામી વર્ષમાં ભારત સ્પેસ ક્ષેત્રે મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરવા તૈયાર છે.

