WhatsApp Key Feature: વોટ્સએપ હાલમાં એક ફીચર પર કામ કરી રહ્યું છે જેમાં યુઝરે નંબર શેર કરવાની જરૂર નહીં પડે એના વગર જ વાતચીત થઈ શકશે. આ ફીચરની ઘણાં સમયથી ચર્ચા હતી, પરંતુ હવે એમાં નંબરની જગ્યાએ ‘યુઝરનેમ કી’નો ઉપયોગ કરવામાં આવશે એવી ચર્ચા છે. જીમેલ અને માઈક્રોસોફ્ટ સહિત ઘણી કંપનીઓ હવે લોગ ઇન માટે પાસવર્ડની જગ્યાએ પાસ કીનો ઉપયોગ કરે છે. આ કી એટલે એક પ્રકારનો કોડ હોય છે. વોટ્સએપ પણ હવે તેના યુઝર્સ માટે યુઝરનેમની સાથે એક કીનો સમાવેશ કરશે. એનાથી સિક્યોરિટી અને પ્રાઈવસીમાં પણ વધારો થશે. યુઝરના એકાઉન્ટની સાથે આ કોડને લિંક કરેલો હશે. પહેલી વાર જ્યારે વાતચીત કરવામાં આવશે ત્યારે વેરિફિકેશન માટે આ કોડનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
યુઝરનેમ કી કેવી રીતે કામ કરશે?
યુઝરનેમ કીમાં એક અલગથી સ્ક્રીન દેખાડવામાં આવશે જ્યારે કોઈ પણ વ્યક્તિ પહેલી વાર યુઝરનેમ સાથે કનેક્ટ ન હોય એવી વ્યક્તિ મેસેજ કરશે ત્યારે એ દેખાડવામાં આવશે. બન્ને યુઝર વચ્ચે વાતચીત શરૂ થાય એ પહેલાં આ યુઝરનેમ કીની સ્ક્રીનમાં જે તે વ્યક્તિ દ્વારા સાચી યુઝરનેમ કી દાખલ કરવાની રહેશે. જો એ દાખલ કરવામાં નહીં આવે તો વાતચીત શક્ય નહીં બને. આથી કોઈ પણ વ્યક્તિ હેરાનગતિ નહીં કરી શકે. આથી જે વ્યક્તિએ તેનું યુઝરનેમ અને કી શેર કરવી હશે એ જ વ્યક્તિ કોઈની પણ સાથે વાતચીત કરી શકશે. ત્યા સુધી મેસેજ અને કોલ પણ નહીં આવે.
પ્રાઈવેટ અને પબ્લિક એકાઉન્ટ વચ્ચે બેલેન્સ
યુઝરનેમ કી ફીચર પ્રાઈવેટ અને પબ્લિક એકાઉન્ટ વચ્ચે બેલેન્સ કરતું જોવા મળશે. આ ફીચરની મદદથી યુઝરનું યુઝરનેમ પબ્લિક રહેશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એ જોઈ શકશે અને એને સર્ચ કરી શકશે. જોકે ડાયરેક્ટ મેસેજ જ્યાં સુધી કી શેર નહીં કરે ત્યાં સુધી નહીં થઈ શકે. આથી યુઝરની પ્રાઈવસીને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આથી કોઈ પણ રેન્ડમ યુઝર સર્ચ દ્વારા કોઈ વ્યક્તિને શોધી કાઢે તો પણ એનો સંપર્ક કરી શકશે નહીં. આ ફીચરને કારણે સ્પેમ અને ફ્રોડને પણ અટકાવી શકાશે.
એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્શન
એક વાર કી આપ્યા બાદ અને બે યુઝર વચ્ચે વાત શરૂ થયા બાદ દરેક મેસેજ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ હશે. વોટ્સએપમાં હાલમાં જે રીતે પ્રાઈવસી રાખવામાં આવી રહી છે એ જ પ્રાઈવસી નંબર શેર કર્યા વગર વાત કરનાર યુઝર્સને પણ મળશે. એમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે. વેરિફિકેશન સ્ટેપ પહેલાં યુઝરની કોઈ પણ માહિતીને શેર કરવામાં નહીં આવે. આ ફીચરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે યુઝર હવે પોતાના એકાઉન્ટને પહેલાં કરતાં વધુ સેફ અને સિક્યોર બનાવી શકશે.


