Did Iran use Kill Switch?: ઈરાન હાલમાં સળગી રહ્યું છે એમ કહેવું ખોટું નથી. ઇરાનમાં સત્તાધીશોની સામે દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થતાં તણાવ વધી ગયો છે. ઈરાનમાં લગભગ છેલ્લા બે અઠવાડિયાથી સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એને પગલે ઘણી હિંસાની ઘટનાઓ ઘટી રહી છે. અત્યાર સુધીમાં 538 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ઈન્ટરનેટ અને ફોન સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે ઇરાને કિલ સ્વિચનો ઉપયોગ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દ્વારા તેમણે ઇલોન મસ્કની સ્ટારલિંકની સિસ્ટમને નિષ્ફળ બનાવી દીધી છે. આ ટેક્નોલોજી વોરમાં રશિયાએ અથવા તો ચીન દ્વારા ઇરાનને મદદ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વિરોધ શરૂ થયાના બારમા દિવસે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સમયે ઇલોન મસ્કની સ્ટારલિંક ત્યાં કામ કરી રહી હતી. એનાથી લોકોને સમાચાર મળી રહ્યાં હતાં તેમ જ દેશની બહાર સમાચાર પણ જઈ રહ્યાં હતાં. જોકે એના પર પણ હવે ઇરાને પોતાનું બ્રહ્માસ્ત્ર ચલાવ્યું છે અને સ્ટારલિંક સર્વિસને નિષ્ફળ બનાવી દીધી છે. ઇરાનના લગભગ 80 મિલિયન લોકો ઈન્ટરનેટ વગર છેલ્લા ઘણાં દિવસથી રહે છે. સ્ટારલિંકના 30 ટકા જેટલી અપલિંક અને ડાઉનલિંક ટ્રાફિકમાં ઇરાન દ્વારા અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. આ આઉટેજ હવે 80 ટકા સુધી પહોંચી ગયું છે. સ્ટારલિંક સેટેલાઇટને જેમ કરવા માટે ઇરાનની ખામેનેઈ સરકાર દ્વારા કિલ સ્વિચને એક્ટિવેટ કરવામાં આવી હતી. આ માટે મિલિટરી લેવલના સેટેલાઇટ જેમર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇરાન પાસે એ નથી. આથી તેમને રશિયા અથવા તો ચીન દ્વારા એ આપવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં રવિવારે કહેવામાં આવ્યું હતું કે તેઓ ઇરાનની ઈન્ટરનેટ સેવા શરૂ કરવા માટે ઇલોન મસ્ક સાથે વાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અલગ-અલગ રીતે સીધી અને આડકતરી દરેક રીતે ઇરાનને ધમકી આપવામાં આવી રહી છે કે તેઓ સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ વિરુદ્ધ કોઈ પણ એક્શન લેવા માટે અચકાશે નહીં. આ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘શક્ય હશે તો અમે ત્યાં ઈન્ટરનેટ શરૂ કરીશું. ઇલોન આ બધામાં ખૂબ જ માહેર છે. તેની કંપની ખૂબ જ સારી છે.’
80 મિલિયન લોકો ઈન્ટરનેટથી વંચિત
સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખામેનેઈ સામે વિરોધ પ્રદર્શન હવે ત્રીજા અઠવાડિયામાં આવી ગયું છે. 538થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. હજારો લોકોને અરેસ્ટ કરવામાં આવ્યાં છે. ખામેનેઈ સરકાર દ્વારા હવે આક્રમક રીતે આ વિરોધ પ્રદર્શનને રોકવામાં આવી રહ્યું છે જે ઇરાનમાં લગભગ 280થી વધુ જગ્યાએ થઈ રહ્યાં છે. દેશની ઈકોનોમી ખૂબ જ ખરાબ થઈ રહી હોવાથી લોકો માંગણી કરી રહ્યાં છે કે ખામેનેઈ તેમની સત્તા છોડે. ઇરાનમાં ખામેનેઈનો જ્યાં સૌથી વધુ કન્ટ્રોલ છે ત્યાંથી પણ હવે તેમના વિરુદ્ધ સ્લોગન આવી રહ્યાં છે. ખામેનેઈ અને તેમની પોલિસીનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. ઇરાનના લોકો ખરાબ ઈકોનોમીને કારણે ખૂબ જ સહન કરી રહ્યાં છે ત્યારે તેમના દ્વારા ગાઝા અને લેબનનને મદદ કરવામાં આવી રહી હોવાથી પણ લોકો ગુસ્સે ભરાયા છે. તેઓ હવે ક્રાઉન પ્રિન્સ રેઝા પાહલ્વીને સત્તા પર બેસાડવામાં આવે એવી ડિમાન્ડ કરી રહ્યાં છે. રેઝા પાહલ્વી દ્વારા ઇરાનના લોકોને સ્વતંત્રતા અપાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની મદદ માગી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ખામેનેઈ સરકારની ટીકા કરવાની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇરાનના વિરોધ પ્રદર્શન કરનારા લોકોને સપોર્ટ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ઇરાન હંમેશાંથી શાંત રીતે વિરોધ કરનારાનો અવાજ દબાવતું આવ્યું છે એવું આ વખતે પણ કરવામાં આવશે તો અમેરિકા તેમની મદદે આવશે. અમેરિકા આ માટે તૈયાર છે ફક્ત એક આદેશની જરૂર છે. આ વિશે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ‘અમે એવી આશા રાખી રહ્યાં છીએ કે ઇરાન દ્વારા તેમના લોકો પર શૂટિંગ કરવામાં નહીં આવે કારણ કે તો અમે પણ શૂટિંગ શરૂ કરી દઈશું.’
સ્ટારલિંક 30 ટકા ડાઉન અને 80 ટકા આઉટેજ વધ્યું
ઇરાન પર અમેરિકાનું પ્રેશર વધી રહ્યું છે. અમેરિકાની સાથે અન્ય વેસ્ટર્ન દેશ પણ તેમના પર પ્રેશર બનાવી રહ્યાં છે અને પોતાના નાગરિકોનો વિરોધ વધી રહ્યો છે ત્યારે ખામેનેઈ દ્વારા આઠ જાન્યુઆરીએ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું. એ સમયે લોકોની મદદ માટે સ્ટારલિંક આવ્યું હતું. 2022માં માહ્સા અમિની પ્રોટેસ્ટ દરમ્યાન પણ ઇરાનમાં સ્ટારલિંક મદદે આવ્યું હતું. આ વખતે પણ સ્ટારલિંક મદદ કરી રહ્યું હતું. માહ્સા અમિની પ્રોટેસ્ટ બાદથી સ્ટારલિંકની સર્વિસ ઇરાનમાં વધી ગઈ હતી. અત્યારના એક અહેવાલ મુજબ ઇરાનમાં 40,000–50,000 લોકો સ્ટારલિંકનો ઉપયોગ કરે છે. જુલાઈમાં ઇરાન-ઇઝરાયલના યુદ્ધ દરમ્યાન પણ બાર દિવસ માટે ઈન્ટરનેટ બંધ રહ્યું હતું. એ સમયે પણ સ્ટારલિંક યુઝર્સ દ્વારા અનસેન્સર્ડ ઈન્ટરનેટનો ઉપયોગ સેટેલાઇટ સર્વિસની મદદથી કર્યો હતો.
ઇઝરાયલ અને અમેરિકાની લડાઈ બાદ ઇરાને પોતાની સિક્યોરિટી વધારી દીધી હતી. તેમણે નવા કાયદા બનાવ્યા હતા જેમાં જાસૂસી વિરુદ્ધના કાયદાનો પણ સમાવેશ થાય છે. એ અનુસાર સ્ટારલિંકને બેન કરી દેવામાં આવ્યું હતું. સ્ટારલિંક સહિત અન્ય અનઑથોરાઈઝ્ડ સેટેલાઇટ ઈન્ટરનેટ સર્વિસને પણ બંધ કરવામાં આવી હતી. આ નિયમ અનુસાર જો કોઈ એનો ઉપયોગ કરે તો એને છ મહિનાથી લઈને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો જાસૂસી સાથે સ્ટારલિંકનો સંબંધ પકડાયો તો એ વ્યક્તિને મૃત્યુની સજા પણ કરવામાં આવી શકે છે. જોકે રવિવારે સ્ટારલિંકની સર્વિસ પણ બંધ થઈ ગઈ હતી. આથી ઇરાનમાં સંપૂર્ણપણે ઈન્ટરનેટ બંધ થઈ ગયું છે. સૌથી પહેલાં 30 ટકા અપલિંક અને ડાઉનલિંક ટ્રાફિક પર અસર થઈ હતી. જોકે થોડા જ કલાકમાં આ આઉટેજ 80 ટકા વધી ગયું હતું.
સ્ટારલિંકની સર્વિસ
સ્ટારલિંક યુઝર્સને લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટની મદદથી ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે. અન્ય સેટેલાઇટની સરખામણીમાં આ સેટેલાઇટ પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે. એના કારણે ઈન્ટરનેટની સ્પીડ ખૂબ જ હોય છે અને ડેટા ટ્રાન્સફર પણ ખૂબ જ ઝડપથી થાય છે. પૃથ્વી પર એટલે કે ગ્રાઉન્ડ ટર્મિનલ અથવા તો રિસિવર સીધું સેટેલાઇટ સાથે કનેક્ટ થાય છે. ત્યાર બાદ આ સિગ્નલ ગ્રાઉન્ડ સ્ટેશન પર જાય છે જે ગ્લોબલ ઈન્ટરનેટ સાથે જોડાયેલું હોય છે. ફાઈબર ઈન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કની જેમ સ્ટારલિંક લોકલ ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર નથી રહેતું. આથી સરકાર જ્યારે ઈન્ટરનેટ બંધ કરે ત્યારે પણ રિમોટ એરિયામાં કેટલાક ડિવાઇસ કાર્યરત હોઈ શકે એવા ચાન્સ વધી જાય છે.
સ્ટારલિંકને બંધ કરવા માટે મિલિટરી લેવલના જેમર્સનો ઉપયોગ
સ્ટારલિંકને બેન કર્યું હોવા છતાં ત્યાંના લોકો વધુને વધુ સ્ટારલિંકને ઇન્સ્ટોલ કરી રહ્યાં છે. જોકે સ્ટારલિંકના રિસીવર સેટેલાઇટ સાથે કનેક્ટ થવા માટે GPSનો ઉપયોગ કરતાં હોવાથી મિલિટરી લેવલના જેમર્સ દ્વારા આ કમ્યુનિકેશનને પણ બ્લોક કરવામાં આવી રહ્યું છે. આ મિલિટરી લેવલનું જેમર્સ ખૂબ જ મોંઘું આવે છે. આ મશીનને કારણે ઇરાનની ઇકોનોમીમાંથી દર કલાકે 1.56 મિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. જૂન-જુલાઈમાં ઇઝરાયેલ સાથેના યુદ્ધ દરમ્યાન ઇરાન દ્વારા બાર દિવસ સુધી GPS સિગ્નલ બંધ કરી દીધા હતા. આ શટડાઉન લોકલ લેવલ પરથી થઈ રહ્યું હોવાથી સ્ટારલિંક પણ હવે ત્યાં કામ નથી કરી રહી. ઘણાં જર્નાલિસ્ટ ત્યાં કામ કરી રહ્યાં છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમને પણ ઈન્ટરનેટ નથી મળી રહ્યું. રશિયા દ્વારા યુક્રેનમાં સ્ટારલિંકને જેમ કરવા માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ થયો હતો એવી જ ટેક્નોલોજીનો ઉપયોગ હાલમાં થઈ રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઇરાનને સ્ટારલિંકની કિલ સ્વિચ રશિયા અને ચીનમાંથી કોણે આપી?
સાઇબર સિક્યુરિટી અને પોલિસી એક્સપર્ટ આમિર રશિદી આ વિશે કહે છે, ‘આ પ્રકારે ઈન્ટરનેટ જેમ કરવું ફક્ત મિલિટરી ઇક્વિપમેન્ટ દ્વારા શક્ય છે જેને જેમર્સ કહેવામાં આવે છે. મેં મારા 20 વર્ષના રિસર્ચમાં ક્યારેય આવું નથી જોયું. આ ટેક્નોલોજી ખૂબ જ સચોટ અને મિલિટરીના લેવલની છે. આ ટેક્નોલોજી જો ઇરાન દ્વારા બનાવવામાં ન આવી હોય તો એને ચીન અથવા તો રશિયા દ્વારા આપવામાં આવી હોવી જોઈએ.’
ઇઝરાયલની જર્નાલિસ્ટ એમિલી શ્રેડરના કહ્યા અનુસાર સ્ટારલિંકની કનેક્ટિવિટી ઇરાનમાં સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. મિલિટરી લેવલના સાધન દ્વારા હાઇ-પાવર માઇક્રોવેવ જેમિંગ કરવામાં આવી રહ્યું છે જે ચીનની પ્રોડક્ટ હોવાનું લાગી રહ્યું છે. તેના કહ્યા અનુસાર આ ઇન્ટરફેસને કારણે સેટેલાઇટ બંધ થવાની સાથે દેશભરમાં મોબાઇલ કમ્યુનિકેશન પણ બંધ થઈ ગયા છે. એના કારણે ઇરાનના નાગરિકોના જીવ પર પણ જોખમ છે. કોઈને તાત્કાલિક મેડિકલ સેવા જોઈતી હોય તો આ સમયે એ શક્ય નથી.
સેટેલાઇટ સિગ્નલ પૃથ્વી પર અંતરિક્ષથી આવતા હોય છે અને એ પૃથ્વી પર આવતાં આવતાં એનામાં એટલી શક્તિ નહીં બચી હોય. આથી GPS જેમર્સ એને ટાર્ગેટ કરે છે અને બ્લોક કરે છે. આ દ્વારા આ સિગ્નલને ઓવરપાવર કરવું શક્ય બને છે. જેમર દ્વારા સેટેલાઇટ ફ્રીક્વન્સી પર જ ખૂબ જ સ્ટ્રોંગ રેડિયો સિગ્નલ મોકલવામાં આવે છે. આથી જમીન પર રહેલા સ્ટારલિંકના રિસીવર એને પકડી નથી શકતા.
રશિયા દ્વારા 2014થી મિલિટરી ઓપરેશનમાં GPS જેમર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને યુક્રેનમાં તેમણે નેવિગેશન અને ડ્રોન ઓપરેશનને અટકાવવા માટે એનો ઉપયોગ કર્યો હતો. અમેરિકાએ પણ 2022માં ઇન્વેઝન દરમ્યાન GPS અને સ્ટારલિંક સિસ્ટમ સપ્લાય કરી હતી. મોસ્કોનું નામ બાલ્ટિક સમુદ્ર વિસ્તારમાં નાગરિક GPSમાં મોટા પાયે ખલેલ સાથે જોડાયું છે. દર વર્ષે 10,000થી વધુ ઘટનાઓ રશિયાના કલિનિગ્રાડ વિસ્તારમાંથી થયેલી હોવાનું માનવામાં આવે છે. આ ખલેલને કારણે પોલેન્ડ અને એસ્ટોનિયા જેવા NATO દેશોની હવાઈ સેવા પર અસર પડી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: ફેક્ટ ચેક: મોબાઈલ કંપનીઓને સોર્સ કોડ શેર કરવા મજબૂર કરી રહી છે સરકાર? જાણો સ્પષ્ટતા
ચીન દ્વારા ખૂબ જ મોટા પાયે ઇલેક્ટ્રોનિક વોરફેર સિમ્યુલેશનનો ઉપયોગ કરીને જેમિંગ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી. તાઇવાનના કેટલાક વિસ્તારમાં તેમણે સ્ટારલિંકની સર્વિસ પણ એક ટેસ્ટ દરમ્યાન બંધ કરી હતી. આ સમયે ડ્રોન પણ કાર્યરત નહોતા. તેમની BeiDou સેટેલાઇટ સિસ્ટમ સિવાય ચીન દ્વારા એન્ટી-GPS ટેક્નોલોજીમાં પણ ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. આથી ઇરાનમાં જ્યારે વિરોધ ત્રીજા અઠવાડિયામાં જઈ રહ્યો છે ત્યારે આયાતોલ્લાહ ખામેનેઈની સરકાર દ્વારા મિલિટરી લેવલની સિસ્ટમનો ઉપયોગ કરીને સ્ટારલિંકને જેમ કરવામાં આવ્યું છે. આ સેવા બંધ થતાં હવે 80 મિલિયન લોકો અન્ય દેશથી દૂર છે. ત્યાં શું થઈ રહ્યું છે એની કોઈને ખબર નથી અને અન્ય દેશમાં શું થઈ રહ્યું છે એની ઇરાનના લોકોને ખબર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઇલોન મસ્કને ઇરાનમાં શક્ય હોય એટલી જલદી ઈન્ટરનેટ સેવા શરૂ કરી ત્યાંના લોકોને મદદ કરવા માટે વિનંતી કરવામાં આવી છે.


