વોટ્સએપ ચેનલમાં આવશે નવું ઇન્ટરએક્ટિવ ક્વિઝ ફીચર: જવાબ આપો, તરત ફીડબેક મેળવો...
WhatsApp New Feature: વોટ્સએપ પર બહુ જલ્દી એક નવું ફીચર આવી રહ્યું છે. આ ફીચર ફક્ત ચેનલ માટે છે. એટલે કે એની મદદથી ચેનલનો એડમિન હવે ક્વિઝ યોજી શકશે. વોટ્સએપના બીટા પ્રોગ્રામ ફોર એન્ડ્રોઇડના વર્ઝન 2.25.24.30માં આ ફીચર જોવા મળ્યું છે. આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ હેઠળ છે અને એને ટેસ્ટિંગ માટે પણ રજૂ કરવામાં નથી આવ્યું. આ ફીચરની મદદથી યુઝર્સને વધુ ઇન્ટરએક્ટિવ બનાવી શકાશે.
વોટ્સએપના ગ્રૂપ ફીચર જેવું હશે ક્વિઝ ફીચર
વોટ્સએપ ગ્રૂપમાં જે રીતે પોલ ફીચર છે એ જ રીતે હવે ચેનલ માટે ક્વિઝ ફીચર લાવવામાં આવી રહ્યું છે. પોલમાં યુઝર્સને પસંદગી આપવામાં આવી હોય છે. જોકે ક્વિઝમાં ફક્ત એક સાચો જવાબ હશે અને બાકીના ખોટા જવાબ હશે. આથી પોલ અને એમાં મોટો તફાવત છે. આ સાથે જ પોલમાં ટકાવારી કાઢી શકાશે. ક્વિઝ ફીચરમાં ફક્ત યુઝર્સ પોતે ભાગ લઈ શકશે અને તે પોતે સાચો જવાબ આપે છે કે નહીં એ જાણી શકાશે. યુઝર્સને કઈ વસ્તુની કેટલી જાણકારી છે એ આ પ્રકારની ક્વિઝ પરથી જાણી શકાશે.
યુઝર્સને તરત જ ફીડબેક મળશે
યુઝર્સ જ્યારે આ ક્વિઝમાં ભાગ લેશે ત્યારે તે સાચો જવાબ આપે છે કે નહીં એ વિશે તેને તરત જ જણાવવામાં આવશે. જોકે યુઝર જ્યાં સુધી જવાબ નહીં પસંદ કરે ત્યાં સુધી તેને નહીં ખબર પડે કે કેટલા યુઝર્સે કયો જવાબ કેટલી વાર પસંદ કર્યો છે. આથી યુઝર્સ જ્યાં સુધી જવાબ નહીં આપે ત્યાં સુધી તેને કોઈ માહિતી જોવા નહીં મળે એ રીતે આ ફીચરને ડિઝાઇન કરવામાં આવ્યું છે. આથી યુઝર્સને પહેલાં કોઈ માહિતી ન મળે અને તેમનામાં કૂતૂહલ બનેલું રહે. આ સાથે જ પહેલેથી કોણે કેટલા જવાબ આપ્યા છે એ વિશે ખબર ન પડતી હોવાથી યુઝર પોતાની પસંદગીનો જવાબ આપી શકે છે. નહીં કે કોણે વધુ જવાબ આપ્યો છે જોઈને પોતે પણ એ જવાબ આપે.
આ પણ વાંચો: સ્માર્ટ વોચને ભૂલી જાઓ, હવે વાઇ-ફાઇથી માપી શકાશે યુઝર્સના હાર્ટ રેટ; જાણો કેવી રીતે
ક્વિઝને સ્ટેટસ અપડેટમાં સમાવેશ કરવાની યોજના
વોટ્સએપ દ્વારા આ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે આ ફીચરને બહુ જલ્દી લોન્ચ કર્યા બાદ એને વોટ્સએપ સ્ટેટસમાં પણ સમાવેશ કરવામાં આવે એવી યોજના છે. સ્ટેટસમાં આ ફીચર હોવાથી જે-તે બ્રાન્ડ અથવા તો ચેનલ ચલાવતી કંપની પોતાના વિશે વધુ માહિતી લોકો સુધી પહોંચાડી શકે છે. તેમ જ યુઝર એન્ગેજમેન્ટ પણ વધારી શકે છે. આ ખૂબ જ સિમ્પલ પરંતુ પાવરફુલ ટૂલ માનવામાં આવી રહ્યું છે. એનો ઉપયોગ જાગૃતતા ફેલાવવાની સાથે પ્રમોશન માટે પણ કરી શકાશે. દરેક વ્યક્તિ તેની જરૂરિયાત મુજબ આ ફીચરનો ઉપયોગ કરી શકશે.