સ્માર્ટ વોચને ભૂલી જાઓ, હવે વાઇ-ફાઇથી માપી શકાશે યુઝર્સના હાર્ટ રેટ; જાણો કેવી રીતે
Wifi Heart Rate Monitor: યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એન્જિનિયર્સ દ્વારા એક નવી ટેકનિક વિકસાવાઈ છે, જેની મદદથી ઘરનું વાઇ-ફાઇ ડિવાઇસ હાર્ટ રેટ માપી શકશે. અત્યાર સુધી હાર્ટ રેટ માટે સ્માર્ટ વોચ અને અન્ય સ્માર્ટ ગેજેટ્સનો ઉપયોગ કરવો પડતો હતો. જોકે હવે એન્જિનિયર્સ દ્વારા એક નવી પદ્ધતિ શોધવામાં આવી છે જેને ‘પ્લસ-ફાઇ’ નામ આપવામાં આવ્યું છે. એના કારણે યુઝર્સે સ્માર્ટ વોચ અથવા તો હોસ્પિટલમાં આવતી મશીનનો ઉપયોગ કરવો નહીં પડે. આ એક મશીન લર્નિંગ એલ્ગોરિધમ પ્રોસેસ છે જે માટે ખૂબ જ ઓછો ખર્ચ થાય છે. તેમ જ એના દ્વારા એકદમ ચોક્કસ હાર્ટ રેટ માપી શકાશે.
પ્લસ-ફાઇ કેવી રીતે કામ કરશે?
પ્લસ-ફાઇ સિસ્ટમમાં વાઇ-ફાઇ ટ્રાન્સમિટર અને રિસિવરનો સમાવેશ કરવામાં આવશે જે સિગ્નલને પ્રોસેસ કરશે. તેમ જ એની અંદર મશીન લર્નિંગ એલ્ગોરિધમ પણ છે. આ એલ્ગોરિધમ વ્યક્તિના હાર્ટ રેટમાં જરા પણ ઉતાર-ચઢાવ થયો એને પકડી પાડશે અને એ રીતે જ એને ટ્રેઇન કરવામાં આવી છે. આ ડિવાઇસ અન્ય કારણો અથવા તો એક્ટિવિટીને કારણે થતી ગતિવિધિ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરે છે. આ પદ્ધતિ શોધનાર રિસર્ચર્સ દ્વારા 118 વ્યક્તિ પર એની ટેસ્ટ કરવામાં આવી હતી. તેમણે ફક્ત પાંચ સેકન્ડમાં સિગ્નલને પ્રોસેસ કરી લીધો હતો અને ક્લિનિકલ લેવલની ચોક્કસતા સાથે રિઝલ્ટ આપ્યું હતું.
સેટઅપ માટે 50 ડોલરથી ઓછો ખર્ચ
પ્લસ-ફાઇ સિસ્ટમ કઈ પોઝિશનમાં મૂકવામાં આવી છે કે પછી જે વ્યક્તિની હાર્ટ રેટ માપવાની છે એ કઈ પોઝિશનમાં છે એ બધાથી પરે છે. તે કોઈ પણ રીતે એકદમ ચોક્કસ માહિતી આપશે. 118 વ્યક્તિઓની 17 જાતની પોઝિશનમાં આ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એમ છતાં એ સાચો હતો. અલ્ટ્રા-લો-કોસ્ટ ESP32 ચીપનો ઉપયોગ કરીને આ રિઝલ્ટ મેળવવામાં આવે છે. આ ચીપનો રીટેલમાં ભાવ 5થી 10 અમેરિકન ડોલર છે. આ સાથે જ રાસ્પબેરી પાઇ ચીપનો ખર્ચ અંદાજે 30 અમેરિકન ડોલર છે. આ બે ચીપનો જ ઉપયોગ કરવામાં આવે છે.
કેટલા અંતરમાં હોવું જોઈએ?
આ સિસ્ટમ જ્યાં લગાવવામાં આવી છે ત્યાંથી વ્યક્તિ વધુમાં વધુ 10 ફૂટના અંતરમાં હશે તો પણ એ એકદમ ચોક્કસ રિઝલ્ટ આપશે. મશીન લર્નિંગ મોડલના કારણે આ શક્ય બન્યું છે. આ મશીન એ વાતની ખાતરી રાખે છે કે અંતરને કારણે રિઝલ્ટમાં કોઈ ફરક નહીં આવે. આ સિસ્ટમ બનાવનાર એક રિસર્ચર પ્રણય કોચેતા કહે છે, ‘અમે જે સિદ્ધિ મેળવી છે એ મશીન લર્નિંગ મોડલના કારણે છે. અંતરથી એના પરિણામ પર અસર નથી થતી. અમારા અગાઉના મોડલમાં અમને અંતરને કારણે રિઝલ્ટમાં ખૂબ જ તકલીફ પડી હતી, પરંતુ હવે અમે એનું સોલ્યુશન મેળવી લીધું છે.’
ડેટા કલેક્શન દ્વારા કરવામાં આવ્યું ટ્રેઇન
હાર્ટ રેટ ડિટેક્શન સિસ્ટમ સારી રીતે કામ કરે એ માટે રિસર્ચ ટીમ દ્વારા મશીન લર્નિંગ એલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાર્ટ રેટને કારણે ઘણી વાર વાઇ-ફાઇના સિગ્નલમાં પણ ફરક પડે છે. આથી આ ફરકને પારખી શકાય એ માટે ESP32 ચીપ માટે ડેટા જોઈતા હતા. આ ડેટા ન હોવાથી તેમણે પોતાનો ડેટાસેટ તૈયાર કર્યો હતો. આ સાથે જ રિસર્ચ ટીમ દ્વારા બ્રાઝિલિયન રિસર્ચર્સની રાસ્પબેરી પાઇ ડિવાઇસના ડેટાનો પણ ઉપયોગ કર્યો હતો. વાઇ-ફાઇ દ્વારા હાર્ટ મોનિટરિંગ કરવા માટે આ સૌથી મોટો ડેટાસેટ છે.
હાર્ટ રેટ બાદ હવે બ્રીથ રેટ માટે શોધ શરૂ
રિસર્ચ ટીમ દ્વારા હાર્ટ રેટ માટેની સિસ્ટમ શોધી કાઢવામાં આવી છે. હવે તેઓ બ્રીથ રેટ એટલે કે વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે એ જાણવા માટેની સિસ્ટમ પર કામ કરશે. સ્લીપ એપનિયાને શોધવા માટે આ સિસ્ટમ ખૂબ જ મદદરૂપ બની શકે છે. સ્લીપ એપનિયા ખૂબ જ સામાન્ય, પરંતુ ગંભીર બીમારી છે. ઊંઘમાં ઘણી વાર વ્યક્તિનો શ્વાસ બંધ થઈ જાય છે. આથી આ બીમારીને શોધવા માટે એનો ઉપયોગ કરી શકાય છે.