સ્ટેટસ કોણ રીશેર કરી શકે એ માટે યુઝરને કન્ટ્રોલ આપશે વોટ્સએપ, જાણો વિગત…
WhatsApp Status Reshare: વોટ્સએપ દ્વારા હાલમાં નવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી વોટ્સએપ યુઝરને તેના સ્ટેટસ અપડેટ્સમાં વધુ કન્ટ્રોલ આપવા જઈ રહ્યું છે. આ ફીચરને હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનની લેટેસ્ટ અપડેટમાં જોવા મળ્યું છે. આ ફીચરમાં યુઝરને અન્ય યુઝરના સ્ટેટસને રીશેર કરવા માટે પરવાનગી મળશે. જોકે આ સ્ટેટસ રીશેર કરવા દેવું કે નહીં એની પરવાનગી જે-તે સ્ટેટસ મુકનાર યુઝરના હાથમાં હશે.
આ માટે ઉમેરવામાં આવ્યો નવો વિકલ્પ
વોટ્સએપના એન્ડ્રોઇડ માટેના નવા બીટા વર્ઝન 2.25.27.5માં આ ફીચર જોવા મળ્યું છે. એમાં આ નવા ફીચર માટે નવો વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્ટેટસનો કોણ જોઈ શકે એ માટે ‘Who Can View’ વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પની બાજુમાં હવે ‘Allow Sharing’ એમ નવું વિકલ્પ આપવામાં આવશે. આ ફીચરને ઓન કરતાંની સાથે આ સ્ટેટસ જોનાર યુઝર એને રીશેર પણ કરી શકશે. આ માટે યુઝર પાસે વિકલ્પ હશે કે તે જે-તે યુઝરને સ્ટેટસ જોતા અટકાવી શકે છે અને એને રીશેર થતાં પણ અટકાવી શકે છે.
આ પણ વાંચો: NISARની નજરે પૃથ્વી: ખેતીનો પાક, જંગલ અને વેટલેન્ડ્સની પહેલી ડિટેઇલ ઇમેજ મોકલી...
રીશેર કર્યું હશે એ લોકોને દેખાશે
ઇન્સ્ટાગ્રામ પર જે રીતે રીશેર કરવામાં આવેલું સ્ટેટસ સ્ટોરીમાં જોવા મળે છે એ જ રીતે વોટ્સએપમાં પણ એ દેખાશે. લોકોને કોઈ શંકા ન રહે એ માટે ટોચ પર જે-તે વ્યક્તિનું સ્ટેટસ હશે એ ઓરિજિનલ યુઝરનું નામ દેખાડવામાં આવશે. આ સાથે જ જ્યારે પણ જે-તે યુઝરનું સ્ટેટસ રીશેર કરવામાં આવશે ત્યારે તેમને એની જાણ કરવામાં આવશે. બીજી તરફ પ્રાઇવસીનું પણ ધ્યાન રાખવામાં આવશે. ઓરિજિનલ સ્ટેટસ શેર કરનાર યુઝરની કોઈ પણ અંગત માહિતી અન્ય યુઝર્સને જોવા નહીં મળે. આ ફીચર હાલમાં ટેસ્ટિંગમાં છે અને એને બહુ જલદી રજૂ કરવામાં આવશે.