વોટ્સએપ લઈને આવી રહ્યું છે ધમાકેદાર ફીચર: એકાઉન્ટ ન હોય એને પણ કરી શકાશે મેસેજ…
WhatsApp New Feature: વોટ્સએપ દ્વારા હાલમાં એક જોરદાર ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરને ગેસ્ટ ચેટ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જે પણ વ્યક્તિનું વોટ્સએપ પર એકાઉન્ટ ન હોય એને પણ મેસેજ કરી શકાશે. આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે અને બહુ જલદી એને નવી અપડેટમાં લોન્ચ કરવામાં આવશે. વોટ્સએપ બેટા ફોર એન્ડ્રોઇડ વર્ઝન 2.25.22.13 ની રિલીઝ નોટમાં એ વિશે માહિતી આપવામાં આવી છે. આ ફીચરની મદદથી યુઝરે હવે મેસેજ કરવા માટે ફક્ત એક જ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે.
ગેસ્ટ ચેટ કેવી રીતે કામ કરશે?
વોટ્સએપ ગેસ્ટ ચેટનો ઉપયોગ કરવા માટે યુઝર્સે તેમના કોન્ટેક્ટને લિંક મોકલવાની રહેશે જેમની પાસે વોટ્સએપ એકાઉન્ટ અથવા તો એપ્લિકેશન ન હોય. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ એક ચેટ ઓપન થશે અને આ ચેટ એ યુઝરની હશે જેણે લિંક મોકલી હશે. આ લિંક મોકલનાર વ્યક્તિ સાથે વાત કરવા માટે લિંક મેળવનાર વ્યક્તિએ એકાઉન્ટ બનાવવાની અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. જોકે વોટ્સએપની રેગ્યુલર ચેટ જેટલી સુવિધા એમાં નહીં હોય. યુઝર ફોટો અને વીડિયો સેન્ડ નહીં કરી શકે. તેમ જ ઓડિયો અથવા તો વીડિયો કોલ પણ ન કરી શકે.
ગેસ્ટ ચેટ સિક્યોર રહેશે?
ગેસ્ટ ચેટમાં ભલે ફીચર્સ આપવામાં નથી આવ્યા, પરંતુ એ પણ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ હશે. આ લિંક મોકલનાર અને મેળવનાર બે જ વ્યક્તિ પાસે આ ચેટનો એક્સેસ હશે. આથી પ્રાઇવસી અને સિક્યોરિટી બન્ને યુઝર્સને મળી રહેશે. ભલે એ વ્યક્તિ પાસે વોટ્સએપ એકાઉન્ટ ન હોય તો પણ તેમને આ સુવિધા મળી રહેશે.
આ પણ વાંચો: ચંદ્ર પર બનશે ન્યુક્લિયર રિએક્ટર: 2030 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનું નાસાનું પ્લાનિંગ
નવા યુઝર્સને આકર્ષવામાં આવશે
વોટ્સએપ દ્વારા નોન-વોટ્સએપ યુઝર્સને એટલે કે નવા યુઝર્સને આકર્ષવામાં આવી શકે છે. ગેસ્ટ ચેટ દ્વારા તેમને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અને એકાઉન્ટ શરૂ કરવા માટે પ્રેરણા મળી શકે છે. જોકે આ ફીચર વિશેની તમામ માહિતી એને સત્તાવાર વોટ્સએપ દ્વારા લોન્ચ કરવામાં આવશે ત્યારે જ જાણી શકાશે. આ ફીચર સામાન્ય જનતા માટે ક્યારે ઉપલબ્ધ થશે એ વિશે કંપનીએ હજી પણ ચૂપકી સાધી છે.