તમે કદાચ જાણતા હશો કે અત્યારે આપણા વોટ્સએપ એકાઉન્ટમાંના ડેટાનો બે રીતે
બેકઅપ લઇ શકીએ છીએ. એક, વોટ્સએપ પોતે દરરોજ લગભગ અડધી
રાતે આપણા બધા ડેટાનો બેકઅપ લે છે. એ ઉપરાંત પોતાના વોટ્સએપ ડેટાને ગૂગલ ડ્રાઇવમાં
પણ બેકઅપ રાખી શકીએ છીએ ને આ બેકઅપ ઓટોમેટિક લેવામાં આવે તેવું નક્કી કરી શકાય છે.
આપણે ઇચ્છીએ તો એ માટે ડેઇલી વિકલી અથવા મંથલી એવી ફ્રિકવન્સી સેટ કરી શકીએ અથવા
આપણે જ્યારે બેકઅપ પર ક્લિક કરીએ ફક્ત ત્યારે જ બેકઅપ લેવાય તેવું પણ નક્કી કરી
શકાય.
બીજી તરફ, વોટ્સએપમાં એન્ડ-ટુ-એન્ડ
એનક્રિપ્શન મળે છે પરંતુ તેનો ડેટા ગૂગલ ડ્રાઇવમાં પહોંચે એ પછી તેને એવી સલામતી
મળતી નથી. આપણે ઇચ્છીએ તો બેકઅપ પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહે એવું સેટિંગ કરી
શકીએ છીએ. પરંતુ આવું બાય ડિફોલ્ટ એટલે કે આપોઆપ થતું નથી. એવું કરવું એ આપણી મરજીની વાત છે. આવો બેકઅપ ડેટા
એનક્રિપ્ટેડ રહે એ માટે આપણે તેને પાસકી,
પાસવર્ડ અથવા ૬૪
ડિજિટની એનક્રિપ્શનકી થી પ્રોટેક્ટેડ રાખી શકીએ છીએ. એ પછી વોટ્સએપ કે ગૂગલમાંથી
કોઈ આપણા ડેટાને જોઈ શકતું નથી.
વોટ્સએપ દરરોજ અડધી રાતે જે બેકઅપ લે છે તે આપણા ફોનના સ્ટોરેજમાં જ જમા થતો
હોય છે. તેમ ક્લાઉડમાં લેવાતો બેકઅપ ગૂગલ ડ્રાઇવ કે પછી આઇફોનમાંથી આઇક્લાઉડમાં
પહોંચે છે.
હવે આ આખી વાત એક નવો વળાંક લઈ રહી છે. હવે વોટ્સએપ કંપની આમાં એક ત્રીજો
વિકલ્પ આપવાની તૈયારીમાં છે. કંપની પોતે તેની પોતાની જ ક્લાઉડ સર્વિસમાં આપણો બેકઅપ
લેવાની સગવડ આપશે. મતલબ કે આપણે ઇચ્છીએ તો ગૂગલ ડ્રાઇવ કે આઇક્લાઉડમાં બેકઅપ લઈ
શકીએ અથવા ત્યારે જ વોટ્સએપની ક્લાઉડ સર્વિસ પસંદ કરી શકીશું. આ માટે વોટ્સએપ તેના
પોતાના ક્લાઉડમાં બે જીબી સુધીની ફ્રી સ્પેસ આપે તેવી શક્યતા છે. જોકે અત્યારે એ
સ્પષ્ટતા નથી કે આ ફ્રી સ્ટોરેજ વોટ્સએપના તમામ યૂઝરને મળશે કે પછી હમણાં જાહેર
થયેલી વોટ્સએપ પ્લસ પેઇડ સર્વિસના સબસ્ક્રાઇબર્સને જ મળશે. એવી પણ શક્યતા છે કે વોટ્સએપ તેના
ક્લાઉડમાં કુલ ૫૦ જીબી સુધીની સ્ટોરેજ સાથે પેઇડ સ્ટોરેજ પણ ઓફર કરશે. જોકે
અત્યારે આ બધું ડેવલપમેન્ટના સ્ટેજ પર છે.


