વોટ્સએપ દ્વારા લોન્ચ કરાઈ આઇ વોચ માટે ખાસ એપ, હવે વોચથી જ કરી શકાશે મેસેજ

| WABetaInfo | 
WhatsApp For iWatch: મેટા કંપનીના વોટ્સએપ દ્વારા હાલમાં જ એપલની આઇવોચ માટે અલગથી એપ લોન્ચ કરવામાં આવી છે. વેરેબલ કોમ્યુનિકેશન માટે આ એક ખૂબ જ મોટું પગલું છે. અત્યાર સુધી મોટાભાગની વોચમાં જેમાં આઇવોચનો પણ સમાવેશ થાય છે એમાં વોટ્સએપ ઉપલબ્ધ નહોતું. આ માટે નોટિફિકેશન આવે ત્યારે જ એનો જવાબ આપી શકાતો હતો. જોકે હવે વોટ્સએપ દ્વારા આઇવોચને પણ પોતાની એપ્લિકેશન આપવામાં આવી રહી છે. આથી યુઝર મેસેજ વાંચી અને મોકલી શકશે. સાથે જ વોઇસ નોટ્સ પણ શેર કરી શકશે.
વોટ્સએપ માટે નવો સમય
આઇવોચ પર અત્યાર સુધી વોટ્સએપના નોટિફિકેશન આવતા હતા. એમાં લિમિટેડ પહેલેથી નક્કી હોય એ રિપ્લાય પણ આપવામાં આવતાં હતાં. આ સાથે જ યુઝર જે-તે મેસેજનો જવાબ પોતાના શબ્દોમાં પણ આપી શકતો હતો, પરંતુ રિપ્લાય કરતી વખતે. જોકે હવે વોટ્સએપ માટેની એપ્લિકેશન આવી ગઈ છે. આ એપ્લિકેશન વોટ્સએપની એન્ડ્રોઇડ માટેની એપ્લિકેશન જેવી જ છે. આ એપમાં હવે યુઝર્સ વોટ્સએપ ઓપન કરીને એમાં દરેક ચેટ જોઈ શકશે. તેમ જ કોઈ એક ચેટના દરેક મેસેજ જોઈ શકશે જે પહેલાં નહોતું શક્ય. યુઝર તરત જ રિપ્લાય આપી શકશે અને ઇમોજી પણ મોકલી શકશે. વોઇસ નોટ્સ પણ સેન્ડ કરી શકશે. ચેટમાં જે મીડિયા સેન્ડ કરવામાં આવ્યા હશે એને પણ જોઈ શકશે. મતલબ કે યુઝરના હાથમાં મોબાઇલ ન હોય તો પણ એ તમામ મેસેજને જોઈ શકશે.
એપનો ઉપયોગ કરવા માટે આઇફોન સાથે હોવો જરૂરી
વોટ્સએપ દ્વારા આઇવોચ માટે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, પરંતુ એ સ્વતંત્ર રીતે કામ નથી કરતી. વોટ્સએપનું હાલનું આઇવોચનું વર્ઝન કામ કરવા માટે એને આઇફોન સાથે કનેક્ટ હોવું જરૂરી છે. એટલે કે યુઝરના ખિસામાં ફોન હશે તો એ ચાલશે. ટૂંકમાં મેસેજ અને મીડિયા એના દ્વારા સિંક થશે. જો યુઝર તેનો આઇફોન ઘરે મૂકી ગયો હોય તો આઇવોચ પર વોટ્સએપનો ઉપયોગ નહીં થઈ શકે. જોકે હાલમાં મેટા એના પર પણ કામ કરી રહ્યું છે. ટેબલેટ અને ડેસ્કટોપ માટે જે રીતે મોબાઇલની જરૂર નથી એ રીતે આઇવોચ પણ કામ કરી શકે એ માટે કામ કરવામાં આવી રહ્યું છે.
બીટા વર્ઝન લોન્ચ
વોટ્સએપ દ્વારા હાલમાં બીટા વર્ઝનને લોન્ચ કરવામાં આવ્યું છે. એપલના ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ આ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એમાં શું ખામી છે અને શું સુધારા કરી શકાય એ માટે ફીડબેક આપી શકાશે. આ બીટા પ્રોગ્રામ પૂરું થયા બાદ એને લોન્ચ કરવામાં આવશે. એટલે કે આ માટે થોડા અઠવાડિયા નીકળી જશે એ ચોક્કસ છે.

