મોબાઇલ હવે વાત કરશે ગુજરાતી ભાષામાં: સેમસંગ ગુજરાતીઓ માટે સ્થાનિક ભાષામાં લઈને આવ્યું ગેલેક્સી AI

Galaxy AI in Gujarati: સેમસંગ ગેલેક્સી AIનો ઉપયોગ કરનાર યુઝર્સ માટે ખૂબ જ સારા સમાચાર છે. સેમસંગ દ્વારા હવે તેના પ્લેટફોર્મ પર ટોટલ 22 ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એમાં હવે ગુજરાતી પણ છે. આથી હવે દરેક યુઝર્સ સેમસંગના મોબાઇલમાં ગુજરાતીમાં વાત કરીને AIના ફીચર્સનો ઉપયોગ કરી શકશે. AI ઘણાં સમયથી પ્રચલિત છે, પરંતુ અંગ્રેજીના કારણે દરેક યુઝર્સ એનો ઉપયોગ કરી શકતા નહોતા. જોકે સેમસંગ દ્વારા ગુજરાતી ભાષાને સપોર્ટ આપતાં હવે દરેક યુઝર્સ એનો ઉપયોગ કરી શકશે.
લોકલ ભાષાનો સમાવેશ
સેમસંગ તેના ગેલેક્સી પ્લેટફોર્મમાં દરેક લોકલ ભાષાનો સમાવેશ કરવા માગે છે. ઇન્ટેલિજન્ટ કોમ્યુનિકેશન અને પ્રોડક્ટિવિટી ટૂલ માટે મોબાઇલમાં ભાષાનો સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે. આથી સેમસંગ દ્વારા ગુજરાતી અને ફિલિપિનો જેવી લગભગ 22 નવી ભાષાનો સમાવેશ કર્યો છે. આથી મોબાઇલમાં AIના ઉપયોગમાં હવે ખૂબ જ વધારો જોવા મળશે. આ સપોર્ટને 29 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવી હતી.
ગુજરાતી ભાષામાં કયા ફીચર્સનો ઉપયોગ કરી શકાશે?
સેમસંગ દ્વારા ગુજરાતી ભાષાનો સપોર્ટ આપતાં યુઝર્સ હવે લાઇવ ટ્રાન્સલેશન કરી શકશે. ફોન પર સામેની વ્યક્તિ અન્ય ભાષામાં વાત કરતી હોય તો પણ ગેલેક્સી AI યુઝર્સને એ ગુજરાતીમાં કહેશે. આ યુઝર ગુજરાતીમાં બોલશે ત્યારે સામેની વ્યક્તિને એની ભાષામાં સંભળાશે. આ સાથે જ ગેલેક્સી AI હવે ઇન્ટરપ્રિટર તરીકે પણ કામ કરશે. એટલે કે યુઝર કોઈ અન્ય રાજ્યમાં કે દેશમાં ફરવા ગયો હોય ત્યારે વાતચીત કરવા માટે એ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકશે. ચેટ આસિસ્ટન્ટમાં પણ હવે ગુજરાતી ભાષાને સપોર્ટ આપવામાં આવ્યો છે, આથી મેસેજ માટે હવે સજેશન પણ આપશે. નોટ્સને સમરાઇઝ કરવા અને ઓર્ગેનાઇઝ કરવા માટે પણ ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકાશે. ટૂંકમાં આ ભાષા દ્વારા હવે મોબાઇલ પરના મોટાભાગના કામ સરળ થઈ જશે.
આ પણ વાંચો: રીલ્સ ફીડને હવે યુઝર્સ કસ્ટમાઇઝ કરી શકશે, જાણો કેવી રીતે…
ભારતમાં AI દરેક લોકો સુધી પહોંચાડશે સેમસંગ
સેમસંગ દ્વારા જે પગલું ભરવામાં આવ્યું છે એના કારણે ગુજરાતી બોલતા લોકોને ખૂબ જ મોટો ફાયદો થયો છે. અંદાજે 55 મિલિયન એટલે કે 5.50 કરોડ લોકો ગુજરાતી બોલે છે. ગુજરાતની વસ્તી 7.41 કરોડ છે, પરંતુ એમાં અન્ય ભાષા બોલનાર વ્યક્તિ પણ છે. સેમસંગ દ્વારા તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સાથે મળીને કામ કરવામાં આવ્યું છે. તેમની સાથે મળીને ડેટા કલેક્ટ કરીને ચોક્કસ ગુજરાતી ભાષા કેવી રીતે બોલવામાં આવે છે એ માટે તેમણે AI મોડલ તૈયાર કર્યું હતું. સેમસંગના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાના સિનિયર ડિરેક્ટર ગિરિધર જાક્કીનું કહેવું છે કે સેમસંગ હવે ભારતના દરેક વિસ્તારમાં તેના AIને પહોંચાડવા માગે છે.
ગેલેક્સી AI દુનિયાભરના લોકો માટે
સેમસંગ તેની નવી અપડેટ દ્વારા ગેલેક્સી AIને ટોટલ 22 ભાષામાં રજૂ કરી છે. સેમસંગનું કહેવું છે કે દુનિયાભરમાં તેમની 400 મિલિયનથી વધુ ડિવાઇસ છે. આથી તેઓ દુનિયાના દરેક ખૂણામાં રહેતાં લોકોને ગેલેક્સી AIની સેવા પૂરી પાડવા માગે છે.

