વિશ્વના અનેક દેશોમાં વોટ્સએપ ડાઉન થતાં યુઝર્સ પરેશાન, 400થી વધુ રિપોર્ટ્સ રજિસ્ટર
WhatsApp Down: મેટાનું વોટ્સએપ હાલમાં જ ડાઉન થયું હતું. એના કારણે દુનિયાભરના યુઝર્સને ઘણી તકલીફ પડી હતી. ડાઉનડિટેક્ટર અનુસાર આ સર્વિસ ભારતમાં બપોરે 1:10ની આસપાસ ડાઉન થઈ હતી. યુઝર્સ મેસેજ નહોતા મોકલી શકતા. તેમ જ સ્ટેટસ પણ અપડેટ નહોતા કરી શકતા. એક કલાકની અંદર લગભગ 400થી વધુ રિપોર્ટ્સ પણ રજિસ્ટર થયા હતા.
સર્વિસ ડાઉન થતાં અલગ-અલગ પ્રોબ્લેમ્સ થયા યુઝર્સને
આ આઉટેજને કારણે વોટ્સએપ યુઝર્સને ઘણી અલગ-અલગ સમસ્યા આવી રહી હતી. ડાઉનડિટેક્ટર અનુસાર લગભગ 46 ટકા યુઝર્સને સર્વિસ કનેક્શનના ઇશ્યુ આવી રહ્યા હતા. 28 ટકા યુઝર્સ વેબસાઇટ પર વોટ્સએપ એક્સેસ નહોતા કરી શક્યા. 26 ટકા યુઝર્સને ઍપ્લિકેશનમાં પણ પ્રોબ્લેમ આવી રહ્યો હતો. કેટલાક યુઝર્સ દ્વારા ગ્રૂપ મેસેજ લોડિંગ નહોતા થઈ રહ્યા હોવાની પણ સમસ્યા આવી હતી. આ સાથે જ ઍપ્લિકેશન પણ સતત ક્રેશ થઈ રહી હતી.
મેટાએ ચૂપકી સાધી
મેટા દ્વારા આ વિશે હજી સુધી કોઈ પણ સત્તાવાર કમેન્ટ કરવામાં નથી આવી. આ પહેલી વાર નથી થયું કે વોટ્સએપમાં આ રીતે સમસ્યા આવી હોય. એપ્રિલમાં પણ વોટ્સએપ ખૂબ જ મોટા પાયા પર ડાઉન થયું હતું. એ વખતે 81 ટકા યુઝર્સના મેસેજ નહોતા સેન્ડ થઈ રહ્યા. વોટ્સએપ અને ફેસબુકની સર્વિસ સર્વર ડાઉનટાઇમના કારણે થાય છે. સર્વરમાં ખામી આવવાથી સર્વિસ બંધ થઈ જાય છે.