મોબાઈલના શોખીનો માટે ખુશખબર: iPhone 17 આજે લોન્ચ, એપલમાં પહેલીવાર સૌથી મોટી બેટરી
iPhone 17 Biggest Battery: એપલ દ્વારા આજે (9 સપ્ટેમ્બર) નવી આઇફોન 17 સિરીઝને લોન્ચ કરવામાં આવી રહી છે. આ સિરીઝમાં પહેલી વાર એપલ દ્વારા સૌથી મોટી બેટરીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી એવી ચર્ચા હતી કે આઇફોનમાં બેટરી અને કેમેરામાં ખૂબ જ મોટો સુધારો કરવામાં આવી રહ્યો છે. જોકે હવે એપલ પહેલી વાર 5000 mAh કરતાં વધુની બેટરીનો સમાવેશ કરશે એ માહિતીએ જોર પકડ્યું છે.
કેવી રીતે થઈ માહિતી લીક?
આ માહિતીને ચીનના 3C સર્ટિફિકેશન ડેટાબેઝમાંથી સોર્સ કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ ડેટાબેઝના આધારે આઇફોન 17 એર, પ્રો અને પ્રો મેક્સમાં ફિઝિકલ સિમનું મોડલ અને ઇ-સિમ ટેકનોલોજી ધરાવતું એમ બન્નેનો સમાવેશ કરવામાં આવશે. આ મોબાઇલ કયા દેશમાં વેચવામાં આવી રહ્યો છે એના આધારે મોડલ નક્કી કરવામાં આવશે. જોકે ઇ-સિમ મોબાઇલમાં બેટરી કેપેસિટી વધુ હોવાની ચર્ચા છે.
આઇફોન 17માં હશે અંદાજે 3000ની બેટરી કેપેસિટી
હાલમાં જે ડેટા લીક થયા છે એ અનુસાર આઇફોન 17 એરમાં અંદાજે 3036 mAhની બેટરી છે. આ બેટરી કેપેસિટી ફિઝિકલ સિમ ધરાવતા મોબાઇલની છે. જોકે ઇ-સિમ ધરાવતા મોબાઇલમાં 3149 mAhની બેટરી કેપેસિટી આપવામાં આવી છે. આઇફોન 17માં 3692 mAhની બેટરી કેપેસિટી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ મોબાઇલમાં ઇ-સિમ હોવાના ચાન્સ ખૂબ જ ઓછા છે. આથી એમાં અલગ-અલગ બેટરી વિશે માહિતી આપવામાં નથી આવી.
આ પણ વાંચો: બાળકો માટે ગૂગલ જેમિની જોખમી હોવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? જાણો કારણ...
5000નો આંકડો પહેલી વાર ક્રોસ કર્યો એપલે
એપલ દ્વારા પહેલી વાર 5000ની કેપેસિટીનો આંકડો ક્રોસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીની સૌથી મોટી બેટરી આઇફોન 17 પ્રો મેક્સમાં 5088 mAh હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઇ-સિમ મોડલ છે. ફિઝિકલ સિમ મોડલ માટે 4823 mAhની બેટરીનો સમાવેશ કરવામાં આવશે. આઇફોન 17 પ્રોમાં 3988 mAhની બેટરી કેપેસિટી છે. જોકે ઇ-સિમમાં એ 4252 mAhની કેપેસિટી છે. આથી એપલ દ્વારા બે અલગ-અલગ મોડલ કાઢવામાં આવ્યાં છે. આઇફોન 16 પ્રો મેક્સ કરતાં 17માં એપલ દ્વારા અંદાજે 8 ટકા બેટરી કેપેસિટીમાં વધારો કર્યો છે.