વોટ્સએપને સિગ્નલની નવી હરીફ આવી, પણ ચાલશે ખરી ?

હમણાં આપણે ટેકનોવર્લ્ડમાં વાત કરી તેમ મેટા કંપનીએ સ્નેપચેટ સાથે સીધી હરીફાઈ કરે તેવી ઇન્સ્ટાગ્રામ
આધારિત ઇન્સ્ટન્ટ્સ બાય ઇન્સ્ટાગ્રામ નામે એક નવી એપ લોન્ચ કરી છે. ત્યાં હવે સમાચાર આવ્યા છે કે ઇલોન મસ્કે તેમના
એક્સ પ્લેટફોર્મ પર આધારિત એક્સચેટ નામે એક નવી એપ લોન્ચ કરી છે!
આ એપ વોટ્સએપ અને સિગ્નલ જેવા ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ સાથે સ્પર્ધા
કરશે. એક્સચેટની આઇઓએસ એટલે કે આઇફોન માટેની એપ એપ્રિલ ૨૪, ૨૦૨૬ના દિવસે લોન્ચ થઈ ગઈ છે. એન્ડ્રોઇડ એપ ક્યારે લોન્ચ થશે તેની સ્પષ્ટતા
નથી પરંતુ એ પણ આવશે તે નક્કી છે.
જો તમે એક્સના યૂઝર હો તો તમારા ફોનમાં એક્સચેટ ડાઉનલોડ કરીને એક્સમાંના તમારા
કોન્ટેક્ટ્સ સાથે સીધી વાતચીત કરી શકશો.
એક્સચેટ પરની બધી વાતચીત વોટ્સએપ અને સિગ્નલની જેમ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હશે.
એટલે કે બે છેડાની વ્યક્તિઓ સિવાય વચ્ચે કોઈ આ મેસેજ આંતરી શકશે નહીં. આ એપમાં
એન્ડ-ટુ-એનક્રિપ્શન ઉપરાંત નિશ્ચિત સમય પછી મેસેજ આપોઆપ ગાયબ થાય તથા સ્ક્રીનશોટ
બ્લોક થાય તેવી પણ સુવિધા રહેશે.
કંપની પોતે કહે છે કે એક્સચેટ પર કોઈ એડ બતાવવામાં આવશે નહીં. જોકે તેમાં
યૂઝરનો ઘણો ડેટા કલેક્ટ કરવામાં આવશે. એક્સના યૂઝર તેમના એક્સ એકાઉન્ટના યૂઝરનેમ
પાસવર્ડની મદદથી એક્સચેટનો ઉપયોગ કરી શકશે. આથી તેમના એક્સ એકાઉન્ટની બધી વિગતો
એક્સચેટ કલેક્ટ કરશે.
આમ જુઓ તો એક્સ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ મેસેજિંગની સુવિધા છે જ, જેની મદદથી લોકો એક્સ પ્લેટફોર્મ પરના પોતાના કોન્ટેક્ટ્સ સાથે ખાનગી
મેસેજિસની આપલે કરી શકે છે. હવે કંપની આ સર્વિસ બંધ કરીને એક્સચેટને આગળ વધારે
તેવી શક્યતા છે.
આમ તો આ એક્સચેટ સર્વિસ ગયા વર્ષે મે મહિનામાં જ લોન્ચ થઈ ગઈ હતી. પરંતુ
શરૂઆતમાં તે મર્યાદિત યૂઝર્સને ઉપલબ્ધ હતી. હવે તે અલગ એપ તરીકે ઉપલબ્ધ થઈ ગઈ છે.
ભારતની વાત કરીએ તો આપણા દેશમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે એક્સ સર્વિસ
ખાસ્સી પોપ્યુલર છે પરંતુ તેના યૂઝર્સ એકમેક સાથે ખાનગી મેસેજિસની આપલે માટે
વોટ્સએપ જેવી અત્યંત પોપ્યુલર સર્વિસને બાજુએ મૂકીને એક્સચેટ તરફ વળે તેવી શક્યતા
ઓછી છે.








