વોટ્સએપ પર મેટા AI પાસે જલદી જવાબ કેવી રીતે મેળવશો?, આ શોર્ટકટનો કરો ઉપયોગ…
WhatsApp Ask Meta AI Feature: વોટ્સએપ દ્વારા એન્ડ્રોઇડ બેટા પ્રોગ્રામ હેઠળ નવી અપડેટ રજૂ કરવામાં આવી છે. આ અપડેટમાં કેટલાક યુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફીચર્સ મેટા AIનો ઉપયોગ કરવા માટે મદદરૂપ બનશે. એટલે કે મેટા AI પાસે જલદી જવાબ મેળવવા માટે શોર્ટકટ તરીકે તેનો ઉપયોગ કરી શકાશે. આ માટે મેસેજ મેનૂમાં જ ‘આસ્ક મેટા AI’નો ઓપ્શન જોવા મળશે. તેની મદદથી AI સાથે તરત જ ચેટ ઓપન કરી શકાશે.
સીધો મેસેજ ફોરવર્ડ કરી શકાશે
મેટા AI સાથેની ચેટને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે હવે યુઝર તેને સીધો મેસેજ ફોરવર્ડ કરી શકે એવો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ માટે યુઝર કોઈ પણ ટેક્સ્ટ મેસેજ, ફોટો અથવા તો વીડિયોને કોઈ પણ ચેટમાંથી સીધો ફોરવર્ડ કરી શકશે. યુઝરે કોપી-પેસ્ટ અથવા તો પહેલાં ગેલેરીમાં સેવ કરવાની જરૂર નહીં પડે. કોઈ મેસેજ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો હોય ત્યારે એક ઓપ્શનલ નોટ્સ માટેનો પણ વિકલ્પ આપવામાં આવ્યો છે. આથી યુઝર એ મેસેજ કેમ ફોરવર્ડ કરી રહ્યો છે એ જણાવે તો મેટા AI સીધો જ તેને જવાબ આપી શકે.
શેર કરવા પહેલાં વેરિફાય કરી શકાશે
આસ્ક મેટા AI દ્વારા યુઝરને હવે કોઈ પણ મેસેજ શેર કરવા પહેલાં વેરિફાય કરવાની સુવિધા આપવામાં આવશે. આથી હવે યુઝરે અન્ય વ્યક્તિ પર અથવા તો અન્ય સોર્સ પર નિર્ભર રહેવા કરતાં સીધે મેટા AI પાસેજ મદદ માગી શકાશે. આથી યુઝરે હવે રાહ પણ નહીં જોવી પડે. આ ઓપ્શનની મદદથી ખોટી માહિતી ફેલાતા અટકશે અને યુઝરને વધુ ચોક્કસ માહિતી પણ મળી શકશે. આ તમામ વસ્તુ વોટ્સએપની અંદર જ થતી હોવાથી યુઝરને સરળતા પણ રહેશે.
આ પણ વાંચો: શું તમારા મોબાઇલનું કોલ અને કીપેડ સ્ક્રીન અચાનક બદલાઈ ગયું છે? જાણો કેમ આવું થયું...
આ ફીચર ફરજિયાત નથી
વોટ્સએપ દ્વારા એક વાતની પહેલેથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આસ્ક મેટા AI ફરજિયાત નથી. યુઝરના હાથમાં હંમેશાં પસંદગી હશે કે તેમણે ક્યારે અને કેવી રીતે મેટા AIનો ઉપયોગ કરવો. આસ્ક મેટા AI પર ક્લિક કરવા છતાં પણ મેસેજ તરત સેન્ડ નહીં થાય. યુઝર દ્વારા પોતાનો કમાન્ડ આપવાનો રહેશે અને ત્યાર બાદ સેન્ડ બટન પર ક્લિક કરવાનું રહેશે. આથી આસ્ક મેટા AI પર ભૂલમાં પણ ક્લિક થાય તો એનાથી મેસેજ સેન્ડ નહીં થાય. આ દ્વારા યુઝર પાસે હંમેશાં તેની પ્રાઇવસી અને સિક્યોરિટીની પસંદગી રહેશે.