Get The App

શું છે રીવ્યુ ફાર્મિંગ? : રીવ્યુ અને રેટિંગ્સ જોઈને ખરીદી પહેલાં ચેતી જજો, જાણો કારણ...

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
શું છે રીવ્યુ ફાર્મિંગ? : રીવ્યુ અને રેટિંગ્સ જોઈને ખરીદી પહેલાં ચેતી જજો, જાણો કારણ... 1 - image


Review Farming: ઓનલાઇન શોપિંગ અથવા તો બુકિંગ દરમિયાન સૌથી પહેલાં યુઝરની જનર રેટિંગ્સ એટલે કે રીવ્યુ પર જાય છે. પ્રોડક્ટની શોપિંગ, કપડાંની શોપિંગ, હોટેલ બુકિંગ કે પછી કોઈ રેસ્ટોરાં કેમ ન હોય દરેક માટે યુઝર્સ પહેલાં રેટિંગ્સ અને રીવ્યુ પર નજર કરે છે. જોકે હવે માર્કેટમાં એક નવો સ્કેમ આવી રહ્યો છે. આ સ્કેમ છે રીવ્યુનો સ્કેમ. એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન પ્લેટફોર્મ સર્વિસ પર આ સ્કેમ ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે.

યુઝર્સ કોઈ પણ વખત રેટિંગ્સ અને સ્ટાર જુએ છે ત્યારે એને એવું થાય છે કે આ પ્રોડક્ટ સારી હશે એના કારણે એને આટલાં સારા સ્ટાર અને રીવ્યુ મળ્યા છે. જોકે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર હવે આ એક સ્કેમ ચાલી રહ્યો છે. યુઝર્સને ભલે હજારો રીવ્યુ જોવા મળે, પરંતુ એ સાચા હોય એ જરૂરી નથી. આ માટે એક પૂરી સિસ્ટમ કાર્યરત છે. એમાં અલગ-અલગ ગ્રુપ કામ કરે છે. કેટલાક લોકો પૈસા લઈને રીવ્યુ લખે છે તો કેટલાક લોકો ફ્રીમાં પ્રોડક્ટ મેળવીને રીવ્યુ લખે છે. કેટલીક જગ્યાએ એક જ વ્યક્તિ અલગ-અલગ નામથી રીવ્યુ લખે છે. કેટલાક રીવ્યુ તો કમ્પ્યુટર દ્વારા જનરેટ કરવામાં આવ્યા હોય છે.

કેવી રીતે થાય છે રીવ્યુ ફાર્મિંગ?

માર્કેટમાં આ રીતે રીવ્યુ કરવામાં આવતાં સ્કેમને રીવ્યુ ફાર્મિંગ કહેવામાં આવે છે. આ માટે કેટલાક ગ્રુપ બન્યા છે. એમાં નવા પ્રોડક્ટની લિસ્ટિંગ કરવામાં આવે છે. એમાં કહેવામાં આવે છે કે પ્રોડક્ટ ખરીદો. પાંચ સ્ટાર આપો અને રીવ્યુ લખો. ત્યાર બાદ પૈસા ફરી લઈ લો અથવા તો આગામી પ્રોડક્ટ ફ્રીમાં મેળવો. આ રીતે કોઈ પણ પ્રોડક્ટ પર થોડા જ દિવસમાં ખૂબ જ સારા રીવ્યુ આવી જાય છે. આ રીવ્યુને કારણે કસ્ટમરને લાગે છે કે પ્રોડક્ટ ખૂબ જ સારી છે અને ભરોસો કરી શકાય છે. જોકે યુઝર આવું વિચારે એ જ હેતુથી રીવ્યુ લખાવડવામાં આવ્યા હોય છે. આ રીવ્યુ ફાર્મિંગથી કસ્ટમરની સાથે સાચી રીતે બિઝનેસ કરતાં સેલર પણ પરેશાન છે. જો કોઈ સેલર રીવ્યુ નથી ખરીદતો તો એની પ્રોડક્ટ લિસ્ટમાં નીચે જતી રહે છે અને બીજો સેલર ખરીદેલા રીવ્યુને કારણે આગળ નીકળી જાય છે. ધીરે-ધીરે દરેક સેલર પર પ્રેશર આવે છે કે જો આ માર્કેટમાં રહેવું હશે તો આ રીવ્યુ ખરીદવું જરૂરી છે.

ડિસ્કાઉન્ટના નામ પર રીવ્યુ

કેટલાક સેલર્સ યુઝર્સને સીધા ડિસ્કાઉન્ટ આપે છે જેમાં યુઝરે રીવ્યુ આપવાનો રહેશે. ઘણાં કસ્ટમરને આ રીતે ઓફર મળી હશે જેમાં આગામી પ્રોડક્ટ ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે એમ કહેવામાં આવે છે. આ સાથે જ ઘણી વાર કેશબેકની પણ ઓફર આપવામાં આવે છે. આ ઓફરની લાલચમાં યુઝર પ્રોડક્ટ વિશે પોઝિટિવ રીવ્યુ અને સારા સ્ટાર આપે છે. પરિણામે એ પ્રોડક્ટના રીવ્યુ વધી જશે અને એ લિસ્ટ પર ઉપર આવી જશે.

મોટાભાગના પોઝિટિવ રીવ્યુ હોય છે ખોટા

ભારતમાં ઓનલાઇન શોપિંગ દરમિયાન જે રીવ્યુ જોવા મળે છે એના પર હવે ખૂબ જ મોટો સવાલ છે. એના પર હવે ઘણાં લોકોને ભરોસો નથી રહ્યો. લોકલ સર્કલ કંપની દ્વારા એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો એમાં જાણવા મળ્યું હતું કે તેમને છેલ્લા 12 મહિનામાં મોટાભાગે ફક્ત પોઝિટિવ રીવ્યુ જ જોવા મળી રહ્યાં છે. આ સર્વેમાં 10માંથી 6 લોકોનું માનવું છે કે રીવ્યુ હવે ખોટા હોય છે અને પક્ષપાતી હોય છે. 10માંથી 5 લોકોનું કહેવું છે કે નેગેટિવ રીવ્યુને હવે પબ્લિશ જ કરવામાં નથી આવતાં. આથી કસ્ટમરને જે પણ દેખાય છે એ સાચું નથી હોતું. આથી 5 સ્ટાર જોઈને ખરીદી કરનાર કસ્ટમર માટે પ્રોડક્ટ હજીપણ જોઈએ એટલી સુરક્ષિત નથી હોતી. 4.5 રેટિંગ ધરાવતી પ્રોડક્ટ પણ હવે ખરાબ નીકળવાના ચાન્સ વધુ છે.

સરકારી હેલ્પલાઇનમાં ફરિયાદ વધી

સરકાર દ્વારા પણ આ સમસ્યા પર ખૂબ જ ખુલીને વાત કરવામાં આવી છે. કન્સ્યુમર ડિપાર્ટમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે નેશનલ કન્સ્યુમર હેલ્પલાઇન પર કરવામાં આવતી ફરિયાદ ખૂબ જ વધી રહી છે. 2018માં આ ફરિયાદ 95,270 હતી જે 2023માં વધીને 4,44,034 થઈ ગઈ છે. 2026ના ડેટામાં એ આંકડો ખૂબ જ વધી જવાનો અંદાજ છે. આ આંકડો ખૂબ જ જલદી વધી રહ્યો હોવાથી સરકાર દ્વારા એ વિશે પણ કેટલાંક પગલાં લેવામાં આવ્યાં છે. આ રીવ્યુ કેવી રીતે લેવામાં આવે, કેવી રીતે તપાસવામાં આવે અને કેવી રીતે એને દેખાડવામાં આવે એની પારદર્શિતા રાખવાનું કહેવામાં આવ્યું છે. ખોટા રીવ્યુ હવે ફક્ત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ સરકાર પણ એ વિશે ચર્ચા વિચારણા કરી રહી છે.

હરિફ પ્રોડક્ટ માટે ખોટા રીવ્યુ

કન્સ્યુમર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદની સાથે હવે ઘણી સરકારી એજન્સીઓ સુધી આ ફરિયાદ પહોંચી રહી છે. ઘણાં ગ્રાહકોનું કહેવું છે કે પાંચ સ્ટાર રેટિંગ જોઈને પ્રોડક્ટ ખરીદ્યા બાદ પણ એ ખૂબ જ ખરાબ નીકળી છે. એની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે. તેમનું કહેવું છે કે પૈસા રિટર્ન કરવાની પ્રોસેસ ખૂબ જ લાંબી હોય છે. તેમ જ ઘણી વાર રીવ્યુ ગાયબ પણ થતાં જોવામાં આવ્યાં છે.

આ સાથે જ પોતાની પ્રોડક્ટને સારા રીવ્યુ અને હરિફ પ્રોડક્ટને ખરાબ રીવ્યુ આપવાની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. યુઝર્સને એના કારણે લાગે છે કે આ પ્રોડક્ટ સારી છે અને બીજી પ્રોડક્ટ ખરાબ, પરંતુ હકીકતમાં એવું હોય છે કે બન્ને રીવ્યુ ખોટા હોય છે. આ દ્વારા ગ્રાહકને ગેરમાર્ગે દોરવામાં આવે છે.

ગ્રાહકોને નથી રહ્યો ભરોસો

રેટિંગ અને રીવ્યુમાં જે સ્કેમ કરવામાં આવે છે એના કારણે હવે ગ્રાહકોને એમાં ભરોસો નથી રહ્યો. પહેલાં એવું માનવામાં આવતું હતું કે રેટિંગ્સ અને રીવ્યુ ખૂબ જ સાચા હોય છે. જોકે હવે ગ્રાહકોનું માનવું છે કે 5 સ્ટાર પણ હવે સાચા નથી હોતા. યુઝર પાસે આજે ખરીદી કરવા માટે રીવ્યુનો સહારો લેવા સિવાય કોઈ અન્ય વિકલ્પ પણ નથી. એથી જ આજે રીવ્યુનો સ્કેમ ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: વોટ્સએપના ડિફોલ્ટ GIF પ્રોવાઈડરમાં ફેરફાર, યુઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ બદલાઈ જશે

ઇ-કોમર્સ કંપનીઓ પણ પોતે આ વિશે કામ કરી રહી છે. તેઓ પણ નકલી રીવ્યુને ઓળખી એને કાઢવા માટેની કોશિશ કરી રહી છે. આ માટે જેટલા પણ શંકાસ્પદ એકાઉન્ટ છે એને બ્લોક કરવામાં આવી રહ્યાં છે. એક જેવા શબ્દોમાં વારંવાર લખવામાં આવેલા રીવ્યુને કાઢી નાખવામાં આવી રહ્યું છે. જોકે સિસ્ટમ જેમ-જેમ વધુ સ્ટ્રોંગ બનતી જશે તેમ-તેમ સ્કેમ કરનાર નવા રસ્તા શોધતા જશે. આ સ્કેમની અસર નાના શહેરો અને નવા યુઝર્સ પર ખૂબ જ પડી રહી છે. પહેલી વાર ઓનલાઇન શોપિંગ કરનાર પર એની ખૂબ જ અસર પડી રહી છે.