Muse સોફ્ટવેર શું છે? જાણો યુરોપના એરપોર્ટ પર સાયબર હુમલાનું કારણ
What is Muse Software?: યૂરોપના દેશો સહિત દુનિયાભરના કેટલાક એરપોર્ટ પર શનિવારે સાઇબર અટેક થયો હતો. એના કારણે ઘણાં લોકોને પરેશાની થઈ હતી, તો કેટલાકને નુકસાન પણ થયું હતું. આ સાઇબર અટેકને કારણે એરપોર્ટ પર જેટલાં પણ ઓટોમેટિક કામ થઈ રહ્યાં હતાં એ અટકી ગયા હતા. એના કારણે કેટલીક ફ્લાઇટ કેન્સલ થઈ હતી તો કેટલીક ફ્લાઇટ મોડી ઊડી હતી. એરપોર્ટ પર હવે ઘણાં કામ ઓટોમેટિક થઈ રહ્યાં છે. જોકે શનિવારે હિથ્રો એરપોર્ટ, બ્રસેલ્સ એરપોર્ટ અને બર્લિનના એરપોર્ટ પર સાઇબર અટેક થવાથી તેમની ચેક-ઇન સિસ્ટમમાં ખામી આવી ગઈ હતી. આ સિસ્ટમ બંધ થતાં તેમણે વર્ષો પહેલાં તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી મેન્યુઅલ ચેક-ઇન પ્રોસેસ અને બોર્ડિંગ લિસ્ટ બનાવવું પડ્યું હતું. શનિવારે હુમલો થયો હતો, પરંતુ એની અસર રવિવારે પણ જોવા મળી હતી.
Muse પર કરવામાં આવ્યો હતો સાઇબર અટેક
આ સાઇબર અટેક Muse નામના સોફ્ટવેર પર કરવામાં આવ્યો હતો. આ અટેકને કારણે એરપોર્ટ સર્વિસ બંધ થઈ ગઈ હતી. પરિણામે ઘણાં એરપોર્ટ્સની ફ્લાઇટ્સ કેન્સલ થઈ હતી, તો કેટલીક મોડી ઊડી હતી. બીબીસીના રિપોર્ટમાં RTX કંપનીએ કહ્યું હતું કે તેમણે આ સાઇબર અટેકને ઓળખી લીધો છે અને એને થોડા સમયની અંદર એનો ઉકેલ પણ કાઢવામાં આવ્યો હતો. આ કંપનીએ કહ્યું હતું કે તેમના Muse સોફ્ટવેર પર અટેક કરવામાં આવ્યો હતો. આ સોફ્ટવેરને કોલિન્સ એરોસ્પેસ પ્રોવાઇડ કરે છે અને એ RTX કંપનીની સહાયક કંપની છે.
શું છે Muse સોફ્ટવેર?
Muse એક પેસેન્જર પ્રોસેસિંગ સિસ્ટમ છે. આ સોફ્ટવેરની મદદથી એરલાઇન્સ કંપનીઓ એક જ ચેક-ઇન ગેટ અને બોર્ડિંગ ગેટનો ઉપયોગ કરી શકે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો એરલાઇન્સ કંપનીઓ એક જ હાર્ડવેર સિસ્ટમનો ઉપયોગ કરીને ચેક-ઇન અને બોર્ડિંગ બન્ને કામને પૂરું કરી લે છે. એના કારણે એરપોર્ટ પર ચેક-ઇન અને બોર્ડિંગ પાસ બનાવવા માટે અન્ય કર્મચારીની જરૂર નથી પડતી કારણ કે યાત્રીઓ પોતેજ તેમના બોર્ડિંગ પાસ સ્કેન કરતાં હોય છે. તેમ જ એરપોર્ટ પર જે-તે એરલાઇન્સ કંપનીના ડેસ્ક અલગ-અલગ હોય છે. જોકે આ સિસ્ટમની મદદથી જરૂર પડ્યે ચેક-ઇન એરિયામાં વધારો અને ઘટાડો કરી શકાય છે.
કેમ થઈ અફરા-તફરી?
આ સોફ્ટવેરની મદદથી એ પ્રોસેસ ઓટોમેટિક થઈ જાય છે. આ સિસ્ટમ ઓટોમેટિક કામ કરતી હોવાથી ગેટ પર કોઈ વ્યક્તિની હાજરી જરૂરી નહોતી. સમય અને પૈસા બન્નેનો બચાવ કરવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે જ્યારે આ સિસ્ટમ બંધ થઈ ત્યારે ગેટ પર કોઈ વ્યક્તિ મદદ માટે હાજર નહોતું. આથી ચેક-ઇન અને બોર્ડિંગ નહોતું થઈ રહ્યું. આ કારણસર ઘણાં વ્યક્તિઓને તકલીફ પડી હતી. ત્યાં કોઈ હાજર ન હોવાથી લોકોમાં અફરા-તફરી જોવા મળી હતી. ફ્લાઇટો કેન્સલ થઈ રહી હતી તો કેટલીક મોડી ઉડી રહી હતી. અચાનક દરેક ફ્લાઇટની સિસ્ટમ બંધ થઈ જવાથી ખૂબ જ મોટા પાયા પર નુકસાન થયું હતું. તેમ જ હજુ સુધી ઘણી ફ્લાઇટ પર એ સાઇબર અટેકની અસર જોવા મળી રહી છે.
ચેક-ઇન અને બોર્ડિંગ માટે લાગી લાઇન
ઓટોમેટિક સિસ્ટમ બંધ થઈ જવાથી મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. એક સાથે તમામ ફ્લાઇટ પર અસર થઈ હોવાથી લોકો પણ વધુ હતા. તેમનું ચેક-ઇન અને બોર્ડિંગ મેન્યુઅલી કરવા માટે પણ પૂરતો સ્ટાફ એરપોર્ટ પર હાજર નહોતો. આથી જેમ-તેમ કરીને એક-એક ફ્લાઇટના વ્યક્તિઓનું મેન્યુઅલી ચેક-ઇન અને બોર્ડિંગ કરીને ફ્લાઇટને મોકલવામાં આવી રહી હતી. આ માટે કલાકોના કલાકો લાગ્યા હતા. હજી પણ આ સેવા પર થોડી અસર જોવા મળી રહી છે.