'ચેટબોટે પોતાની ભાષા બનાવી લીધી તો...', AIના ગોડફાધરની વિશ્વને ચેતવણી
AI Language: AIના ગોડફાધર જોફ્રે હિન્ટન દ્વારા વિશ્વને ચેતવણી આપવામાં આવી છે કે AI પોતાની ભાષા બનાવી શકે છે. જોફ્રે હિન્ટન દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે AI દ્વારા સમય સમય પર દેખાડવામાં આવ્યું છે કે તેને ખોટા વિચારો પણ આવી શકે છે. આથી જો AI દ્વારા પોતાની ભાષા બનાવવામાં આવે અને એ મનુષ્યની સમજ બહારની હોય, તો માનવજાત માટે આ ખૂબ જ મોટી સમસ્યા થઈ શકે છે. આથી AI ચેટબોટને હંમેશાં કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે. જો એને કન્ટ્રોલમાં ન રાખવામાં આવે, તો ધાર્યું ન હોય એવું થઈ શકે છે.
AI બનાવી શકે છે પોતાની ભાષા
AI હાલમાં ઇંગ્લિશમાં વિચારી રહ્યું છે અને તે જે વિચારે છે એ ડેવલપર્સ હાલમાં જોઈ શકે છે, એટલે કે ટ્રેક કરી શકે છે. જોકે એક સમય એવો આવશે કે AI શું વિચારી રહ્યું છે અને શું પ્લાનિંગ કરી રહ્યું છે એ જાણી પણ નહીં શકાય. જોફ્રે હિન્ટન દ્વારા ‘વન ડીસિઝન’ પોડકાસ્ટમાં કહ્યું કે ‘આ હવે ખૂબ જ ડરામણું બની શકે છે. AI દ્વારા અંદર-અંદર વાત કરવી હોય તો એ માટે તેઓ પોતાની ભાષા બનાવી શકે છે. આ શક્ય છે. તેઓ પોતાની રીતે વિચારી શકે એ માટે તેઓ પોતાની ભાષા બનાવે તો મને જરા પણ આશ્ચર્ય નહીં થાય. જો તેમણે આ કર્યું તો તેમના વિચાર વિશે મનુષ્ય ક્યારેય નહીં જાણી શકે. AI દ્વારા ઘણી વાર એવું દેખાડી દેવામાં આવ્યું છે કે તેઓ ખૂબ જ ખોટું કરવાનું વિચારી શકે છે. તેમ જ મનુષ્યથી પોતાના વિચાર છુપાવવા માટે AI આ પગલું ભરી શકે છે.’
AIને લઈને આપી ચેતવણી
AI આધારિત પ્રોડક્ટ અને ઍપ્લિકેશનને શીખવવા માટેની મશીન લર્નિંગ ટૅક્નોલૉજીમાં જોફ્રે હિન્ટનનો ખૂબ જ મોટો હાથ છે. જોકે AIના ભવિષ્યને લઈને હવે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે. Google આ વિષયમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. જોફ્રે હિન્ટન દ્વારા આ ટૅક્નોલૉજી પર સરકાર દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે એ અંગે ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. AI ચેટબોટ દ્વારા જે પ્રકારના અસ્થિર વિચારો આવી રહ્યા છે, એને લઈને તેમણે વધુ ચિંતા વ્યક્ત કરી છે.
ચેતવણી આપતાં જોફ્રે હિન્ટન કહે છે, ‘આ એક ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન બની શકે છે. જોકે માનવી કરતાં શારીરિક રીતે AI વધુ શક્તિશાળી બનાવવામાં આવે, તો એ સમજી શકાય છે. જોકે માનસિક રીતે વધુ શક્તિશાળી એટલે કે મનુષ્ય કરતાં વધુ હોંશિયાર હોય તો એ પ્રકારની પરિસ્થિતિ વિશે આપણને કોઈ અનુભવ નથી. મને એ ડર છે કે મનુષ્ય કરતાં AI વધુ હોંશિયાર હોવાથી તમામ કન્ટ્રોલ AIના હાથમાં જતી રહેશે.’
આ પણ વાંચો: ફેક્ટ ચેક: શું તમામ વોટ્સએપ કોલ રૅકોર્ડ કરાશે? જાણો વાઇરલ મેસેજ પર સરકારની સ્પષ્ટતા
AI પર વધુ સંશોધન કરવાની જરૂર
એપ્રિલમાં OpenAI દ્વારા ઇન્ટર્નલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ સમયે જાણવા મળ્યું હતું કે o3 અને o4-mini AI મોડલમાં વધુ અસ્થિર વિચારો જોવા મળે છે. નોન-રીઝનિંગ મોડલ કરતાં આ મોડલ વધુ પ્રમાણમાં આ અસર દર્શાવે છે. કંપનીએ કહ્યું હતું કે તેમને આ કેમ થઈ રહ્યું છે એ અંગે કોઈ માહિતી નથી. OpenAI દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે AIને કેમ આ પ્રકારના વિચારો આવી રહ્યા છે, એ અંગે વધુ સંશોધનની જરૂર છે.