પીસીમાં કામકાજ ઝડપી બનાવવા ટાસ્કબારમાં ટૂલબાર ઉમેરી જુઓ

તમે તમારા પીસી કે લેપટોપમાં કોઈ એક ચોક્કસ ફોલ્ડર વારંવાર ઓપન કરો છો? જો જવાબ હા હોય તો તમે કમ્પ્યૂટરમાં તમારું કામ વધુ સહેલું બનાવી શકો છો - ટાસ્કબારમાં
નવું ટૂલબાર ઉમેરીને.
સામાન્ય રીતે આપણે કમ્પ્યૂટરમાં કોઈ પણ ફોલ્ડર કે ફાઇલ ઓપન કરવી હોય ત્યારે
આપણે વિન્ડોઝ એક્સપ્લોરર કે નવા નામ મુજબ ફાઇલ એક્સ્પ્લોરર ઓપન કરીએ તેમાં જોઇતું
ફોલ્ડર શોધીએ અને પછી તેમાં જોઇતી ફાઇલ સુધી પહોંચી તેને ડબલ ક્લિક કરીએ.
આ થોડી લાંબી વિધિ છે. દર વખત એની એ વિધિ કરવાનો કંટાળો પણ આવે. આથી જો તમે
કોઈ ચોક્કસ વિષય કે ક્લાયન્ટનું ફોલ્ડર બનાવ્યું હોય અને તેને વારંવાર એક્સેસ કરતા
હો તો ટાસ્કબારમાં જ એક નવા ટૂલબાર તરીકે એ ફોલ્ડર ઉમેરી શકો છો. એ પછી તેના પર
ક્લિક કરતાં, એક જ ક્લિકમાં એ ફોલ્ડરમાંની
બધી ફાઇલ્સનું લિસ્ટ આપણી સામે આવી જશે!
ટાસ્કબારમાં નવું ટૂલબાર ઉમેરવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.
કમ્પ્યૂટરના સ્ક્રીન પર સૌથી નીચે જોવા મળતા ટાસ્કબારમાં ખાલી જગ્યામાં રાઇટ
ક્લિક કરો.
નવું ટૂલબાર ઉમેરવાનો વિકલ્પ પસંદ કરો.
ફાઇલ એક્સપ્લોરર ખુલશે, તેમાં તમને જોઇતું ફોલ્ડર
પસંદ કરી લો.
હવે એ ફોલ્ડરની લિંક તમારા ટાસ્કબારમાં જ ઉમેરાઈ જશે.
જ્યારે ઇચ્છો ત્યારે તેને ક્લિક કરીને તમને જોઇતી ફાઇલ્સ સુધી ફટાફટ પહોંચી
શકો છો!
આ રીતે આપણે ઇચ્છીએ તેટલા ટૂલબાર (ટાસ્કબારમાં જગ્યા હોવી જોઇએ!) ઉમેરી શકીએ
છીએ અને ઇચ્છીએ ત્યારે કોઈ ફોલ્ડરનું ટૂલબાર દૂર કરીને તેની જગ્યાએ નવા ફોલ્ડરનું
ટૂલબાર ઉમેરી શકીએ છીએ.
આ વાત નાની છે, પરંતુ તમારું કામ ઝડપી બનાવી
શકો છો!

