ટ્રમ્પ પ્રશાસનની OpenAIને સૂચના; એડવાન્સ AI મોડલ 'GPT-5.6' એકસાથે લોન્ચ કરવા પર રોક!, જાણો કેમ...
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

USA on OpenAI New Model: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે અગ્રણી AI કંપની OpenAIને તેના આગામી અને અત્યંત શક્તિશાળી AI મોડલ 'GPT-5.6'ના લોન્ચિંગને લંબાવવા અથવા તો તેને તબક્કાવાર રીતે રજૂ કરવા માટે જણાવ્યું હોવાના અહેવાલ છે. એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ વહીવટીતંત્ર ઈચ્છે છે કે OpenAI આ નવા મોડલને એકસાથે જાહેર કરવાને બદલે 'સ્ટગર્ડ' એટલે કે ટુકડે-ટુકડે રોલઆઉટ કરે.
નોંધનીય છે કે, આ દબાણ એવા સમયે આવ્યું છે જ્યારે માત્ર થોડા અઠવાડિયા પહેલા જ અન્ય પ્રતિસ્પર્ધી AI કંપની 'એન્થ્રોપિક' પર પણ વોશિંગ્ટન તરફથી નિયામકીય દબાણ લાવવામાં આવ્યું હતું, જેના કારણે તેણે તેના એડવાન્સ મોડલ્સની એક્સેસ સ્થગિત કરવી પડી હતી. આ સાથે જ મેટા AI પર પણ દબાણ આવી રહ્યું છે.
પસંદગીના લોકોને જ પહેલા એક્સેસ મળશે
OpenAIના CEO સેમ ઓલ્ટમેને આ સરકારી વિનંતી અંગે પોતાના કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમની ચિંતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ઈચ્છે છે કે GPT-5.6ને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવતા પહેલા, વિશ્વાસુ અને પસંદગીના ભાગીદારોના એક ચોક્કસ ગ્રુપને જ તેની એક્સેસ આપવામાં આવે. અહેવાલો અનુસાર, ઓલ્ટમેને સ્વીકાર્યું હતું કે અદ્યતન AI મોડલ્સની અસાધારણ ક્ષમતાઓ અને તેનાથી ઊભા થનારા સંભવિત જોખમોને લઈને સરકારની ચિંતાઓ સતત વધી રહી છે.
સુરક્ષાના મુદ્દે ટ્રમ્પ સરકાર સાથે મળીને કામ કરવા અપીલ
સેમ ઓલ્ટમેને પોતાના સ્ટાફને જણાવ્યું છે કે, ભવિષ્યના AI મોડલ્સ પર લાદવામાં આવનારા પ્રતિબંધો અને સેફ્ટી મેઝર્સ અંગે OpenAIએ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે મળીને કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, જો કંપની સરકારના કેટલાક સૂચનો સાથે અસહમત હોય તો પણ દેશની સુરક્ષાના હિતમાં તેમની સાથે ફીડબેક શેર કરી આગળ વધવું હિતાવહ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ અમેરિકા સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આપેલા આદેશ બાદ, એન્થ્રોપિક કંપનીએ તેના એડવાન્સ AI મોડલ્સ 'Mythos 5' અને 'Fable 5' પર વૈશ્વિક પ્રતિબંધ મૂકી દીધો હતો.
એન્થ્રોપિકનો ચીન પર ગંભીર આક્ષેપ: 'ક્લોડ' મોડલની ઉઠાંતરીનો પ્રયાસ
આ સમગ્ર વિવાદ વચ્ચે એન્થ્રોપિક કંપનીએ અમેરિકી સેનેટર્સ ટિમ સ્કોટ અને એલિઝાબેથ વોરનને એક પત્ર લખીને ચીન પર ગંભીર આરોપો લગાવ્યા છે. કંપનીનો દાવો છે કે ચીનની દિગ્ગજ ટેક કંપની અલીબાબા ગ્રૂપે તેમના લોકપ્રિય AI મોડલ 'ક્લોડ'ની અનધિકૃત એક્સેસ મેળવવા અને તેનો ડેટા ચોરી કરવા માટે મોટા પાયે એક ઓપરેશન ચલાવ્યું હતું.
રિપોર્ટ અનુસાર, 22 એપ્રિલથી 5 જૂન વચ્ચે ચીન દ્વારા અંદાજે 25,000 જેટલા ફેક એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા હતા, જેના દ્વારા ક્લોડ AI સાથે 28.8 મિલિયન (2.88 કરોડ)થી વધુ ઇન્ટરેક્શન્સ કરીને ડેટા તારવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ અમેરિકા સરકાર વધુ સતર્ક બની છે અને AI મોડલ્સના લોન્ચિંગ પર કડક નજર રાખી રહી છે.







