Apple New Product for India: એપલના CEO Tim Cookએ સ્પષ્ટ કર્યું છે કે તેમના માટે ભારત સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક બની રહ્યું છે. એપલે તાજેતરના ત્રિમાસિક પરિણામોની જાહેરાત કર્યા બાદ ટિમ કુકે કહ્યું કે તેઓ ‘ભારતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.’ દેશની ઝડપથી વધતી મધ્યવર્ગીય વસ્તી, એપલ પ્રોડક્ટ્સ માટે વધતી માંગ અને લાંબા ગાળાના અવસરો પર તેમણે વધુ ભાર મૂક્યો છે. તેમના આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે એપલે વૈશ્વિક બજારોમાં ખૂબ જ મજબૂત પકડ જમાવી છે, જેમાં ભારત ફરી એક વખત મુખ્ય પ્રદર્શન કરનાર દેશોમાં સામેલ રહ્યું છે. ટિમ કુક મુજબ માર્ચ ત્રિમાસિક દરમિયાન એપલે લગભગ દરેક માર્કેટમાં ડબલ-ડિજિટ વિકાસ નોંધાવ્યો છે, જેમાં ભારત પણ સામેલ છે.
ટિમ કુકે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં એપલે મજબૂત સ્થાન બનાવ્યું છે. કંપનીએ તાજેતરમાં દેશમાં પોતાની છઠ્ઠી રિટેલ સ્ટોર શરૂ કરી છે, જે દર્શાવે છે કે એપલ આ બજારમાં ભારે રોકાણ કરી રહી છે. આ વિશે ટિમ કુકે કહ્યું કે ‘અમે ભારતમાં અમારી છઠ્ઠી સ્ટોર શરૂ કરવા બદલ ખૂબ ખુશ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં અમારી સતત વિકાસ જોવો ખૂબ જ ખુશીની વાત છે.’
એપલે રિટેલ સ્ટોર્સ, સ્થાનિક ઉત્પાદન, ઓનલાઈન વેચાણ અને વધુ વિસ્તૃત પ્રોડક્ટ લાઇનઅપ દ્વારા ભારતમાં પોતાની હાજરી સતત વધારી છે. પ્રીમિયમ ગ્રાહકો હજુ પણ મહત્વપૂર્ણ છે, કંપની હવે વધુ વ્યાપક ગ્રાહક વર્ગને ટાર્ગેટ કરતી જોવા મળે છે.
ટિમ કુક ભારતને લઈને એટલા ઉત્સાહિત કેમ છે?
એક એનાલિસ્ટના પ્રશ્નના જવાબમાં ટિમ કુકે સમજાવ્યું કે હાલ ભારત એપલ માટે કેમ મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે ભારત દુનિયાનું બીજું સૌથી મોટું સ્માર્ટફોન બજાર અને ત્રીજું સૌથી મોટું PC બજાર છે, જ્યારે એપલનો તેમાં હિસ્સો હજુ પણ નાનો છે. તેમના અનુસાર, આથી વિસ્તરણ માટે વિશાળ તક છે. આ વિશે ટિમ કુક કહે છે, ‘અહીં ઘણા લોકો મધ્યવર્ગમાં પ્રવેશી રહ્યા છે અને અમારી પાસે તેમના માટે હાલ અને આવનારા સમયમાં ઉત્તમ પ્રોડક્ટ્સ છે.’
iPhone, Mac, iPad અને Apple Watch જેવી કેટેગરીમાં ઘણા ભારતીય ગ્રાહકો પ્રથમ વખત એપલના ગ્રાહકો બની રહ્યા છે. એટલે કે એપલ માત્ર અપગ્રેડ વેચતું નથી, પરંતુ નવા યુઝર્સને પોતાની ઇકોસિસ્ટમમાં લાવી રહ્યું છે.
કિંમતની નીતિ મોટી ભૂમિકા ભજવી રહી છે
ભારતમાં એપલની વધતી પહોંચ પાછળનું એક મોટું કારણ તેની કિંમતની રણનીતિ છે. ફ્લેગશિપ ડિવાઇસ હજુ પણ મોંઘા છે, ત્યારે એપલે હવે એન્ટ્રી લેવલ વિકલ્પો પણ આપવા શરૂ કર્યા છે. ખાસ કરીને એવા યુઝર્સ માટે જે પહેલાં Windows લેપટોપ અથવા Android ફોન પસંદ કરતા હતા. તાજેતરનું ઉદાહરણ MacBook Neo છે, જે એપલનું અત્યાર સુધીનું સૌથી સસ્તું લેપટોપ છે. ભારતમાં તે રૂ. 69,900માં લોન્ચ થયું, જે MacBook Airની સરખામણીમાં સસ્તો વિકલ્પ આપે છે. સામાન્ય રીતે ઓફર વગર લગભગ રૂ. 1 લાખથી એપલના લેપટોપ શરૂ થાય છે.
એપલના CFO Kevan Parekhએ જણાવ્યું કે Macની આવક $8.4 બિલિયન સુધી પહોંચી છે, જેમાં MacBook Neo જેવી નવી લોન્ચિસનો મોટો ફાળો રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ભારત સહિત ઘણા વિકાસશીલ માર્કેટમાં Mac કેટેગરીમાં ડબલ-ડિજિટ વધારો જોવા મળ્યો છે.
iPhone વેચાણમાં પણ એ જ રણનીતિ
આ જ રણનીતિ iPhoneમાં પણ જોવા મળે છે. દર વર્ષે નવા iPhone લોન્ચ થયા પછી જૂના મોડલ્સના ભાવ ઘટાડવામાં આવે છે. તહેવારની સીઝનમાં ડિસ્કાઉન્ટ અને Vijay Sales જેવા રિટેલર્સ દ્વારા આપવામાં આવતી બેંક ઓફર્સ સાથે, જૂના iPhone ભારતીય ગ્રાહકો માટે ખૂબ આકર્ષક બની જાય છે. ખાસ કરીને દિવાળી દરમિયાન આ મોડલ્સનું વેચાણ વધારે થાય છે.
ભારતમાં એન્ટરપ્રાઇઝ માંગ પણ વધી રહી છે
ભારત હવે માત્ર ગ્રાહક બજાર નથી રહ્યું, પરંતુ બિઝનેસ સેગમેન્ટમાં પણ એપલની માંગ વધી રહી છે. Kevan Parekhએ જણાવ્યું કે ભારતીય સોફ્ટવેર કંપની Freshworksએ AI વિકાસ માટે 5,000થી વધુ MacBook Pro અને MacBook Air ડિવાઇસ તૈનાત કર્યા છે. આથી સ્પષ્ટ થાય છે કે એપલ હવે એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં પણ ઝડપથી આગળ વધી રહી છે.
ટિમ કુકના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે એપલ માને છે કે ભારત તેના માટે ભવિષ્યમાં સૌથી મોટા વિકાસ માટેનું માર્કેટ બની શકે છે. વધુ સ્ટોર્સ, વધતી આવક, જૂના પ્રોડક્ટ્સ પર આક્રમક કિંમત અને સ્થાનિક ઓપરેશન્સના વિસ્તરણ સાથે એપલ લાંબા ગાળાની તૈયારી કરી રહ્યું છે. આથી ભારતીય ગ્રાહકો આગામી સમયમાં વધુ સ્ટોર્સ, સારી ઓફર્સ અને ખાસ કરીને આ બજાર માટે ડિઝાઇન કરેલા વધુ પ્રોડક્ટ્સની અપેક્ષા રાખી શકે છે. જો ટિમ કુક પહેલેથી જ 'ખૂબ જ ઉત્સાહિત' છે, તો ભારતના એપલ ચાહકો માટે આવનારા મહિનાઓ ખૂબ રસપ્રદ રહી શકે છે.


