AIની રેસમાં એપલ પાછળ: ટીમ કૂકે કહ્યું, ‘એપલ શરૂઆત નથી કરતું, પરંતુ રેસમાં આગળ રહે છે’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tim Cook On Apple AI: ટીમ કૂક દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલ દ્વારા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને તેમની પ્રોડક્ટમાં એપલ ઇન્ટેલિજન્સ તરીકે લોન્ચ કરવામાં આવી છે. જોકે આઇફોનમાં AI દ્વારા ખાસ ફીચર આપવામાં નથી આવ્યા. આ માટે એની ઘણી ટીકા પણ કરવામાં આવી છે. સેમસંગ AIની રેસમાં ખૂબ જ આગળ નીકળી ગયું છે. આથી ટીમ કૂકે મિટિંગમાં કહ્યું કે ‘એપલે આ કરવું પડશે. એપલ આ કરીને જ દેખાડશે. એપલ આ તકને ઝડપીને રહેશે. આ માટે કંપની ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરશે.’
એપલે ક્યારેય શરૂઆત નથી કરી
એપલની ભલે હાલમાં AIને લઈને ટીકા કરવામાં આવી રહી હોય. જોકે ટીમ કૂક હજી પણ આશાવાદી છે કે તેઓ બહુ જલદી એપલની ડિવાઇસમાં સ્માર્ટ AIનો સમાવેશ કરશે. ટીમ કૂક દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલ ક્યારેય ટેક્નોલોજી રેસમાં પહેલ નથી કરતું, પરંતુ ટોચ પર જરૂર રહે છે. આ વિશે ઉદાહરણ આપતાં ટીમ કૂક કહે છે, ‘આપણે ભાગ્યે જ ક્યારેય પહેલાં હોઈશું. મૅક લોન્ચ કરવામાં આવ્યા એ પહેલાં પર્સનલ કમ્પ્યુટર હતાં. આઇફોન આવ્યો એ પહેલાં પણ સ્માર્ટફોન હતાં.’
એપલના નફામાં વધારો, શેરની કિંમતમાં ઘટાડો
એપલે હાલમાં જ બીજા ક્વાર્ટરનું રેવેન્યુ જાહેર કર્યું છે. એમાં રેકોર્ડ બ્રેકિંગ રેવેન્યુ થયું હોવાનું કહેવામાં આવ્યું છે. આ રેવેન્યુ મૅકબૂકમાં આવેલા સેલ અને સબ્સ્ક્રિપ્શનમાંથી ખૂબ જ વધુ જોવા મળ્યું છે. આ રિપોર્ટના થોડા દિવસ બાદ જ એક મિટિંગ કરવામાં આવી હતી. આ મિટિંગમાં એપલના ભવિષ્ય વિશે વાત કરવામાં આવી હતી. જોકે નફામાં વધારો થયો હોવા છતાં એપલના શેરની કિંમતમાં ઘટાડો થયો છે. શુક્રવારે આ શેરની કિંમત પર ખૂબ જ અસર પડી હતી. આ માટેનું કારણ ટેરિફ છે. ડોનાલ્ડ ટ્રમ્પની જે ટેરિફ વોર ચાલે છે એના કારણે ત્રણ મહિનામાં એપલને 1.1 બિલિયન અમેરિકન ડોલરનું નુકસાન થઈ શકે છે. આ કારણસર શેર પર એની અસર જોવા મળી છે.
સિરી અને અન્ય પ્રોડક્ટમાં કરશે સુધારા
એપલના સોફ્ટવેર ચીફ ક્રેગ ફેડેરિઘી દ્વારા સ્માર્ટ સિરીમાં મોડું થઈ રહ્યું છે એ વિશે વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું છે કે એપલનું ભવિષ્ય AI છે અને એમાં ઘણો સુધારો કરવામાં આવશે. એપલ પહેલાં હાઇબ્રિડ સિરીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું હતું જેમાં બે સિસ્ટમનો ઉપયોગ કરી શકાય જોકે એમાં એપલને જોઈએ એવી ગુણવત્તા નહોતી મળી રહી. એપલ હવે સિરી પર નવેસરથી કામ કરી રહી છે અને એને 2026માં લોન્ચ કરવામાં આવશે. ટીમ કૂક દ્વારા એપલની આગામી પ્રોડક્ટને લઈને ખૂબ જ ઉત્સુકતા દેખાડવામાં આવી હતી. આ પ્રોડક્ટમાં ફોલ્ડેબલ આઇફોન, સ્માર્ટ હોમ ડિવાઇસ, સ્માર્ટ ગ્લાસ અને અન્ય પ્રોડક્ટનો પણ સમાવેશ થઈ શકે છે.








