ચેટજીપીટીની પ્રાઇવેટ ચેટ જોવા મળી રહી છે ગૂગલ સર્ચ પર: ડેટા લીક થતાં OpenAI દ્વારા કાઢી નાખવામાં આવ્યું આ ફીચર…
ChatGPT Data Leaked: ચેટજીપીટીના યુઝર્સની પ્રાઇવેટ ચેટ ગૂગલ સર્ચ પર જોવા મળી રહી છે. આથી OpenAI દ્વારા આ ફીચરને કાઢી નાખવામાં આવ્યું છે. ચેટજીપીટી દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ એક ફીચર કાઢવામાં આવ્યું હતું જેની મદદથી યુઝર્સ તેમની ચેટને શેર કરી શકે છે. જોકે આ ફીચર યુઝર્સની પ્રાઇવસીને નુક્સાન કરતું હોવાથી કંપની દ્વારા એને કાઢી નાખવામાં આવ્યું છે. ઘણાં યુઝર્સ ચેટજીપીટીને ડેટિંગથી લઈને, સેક્સથી લઈને, મેન્ટલ હેલ્થથી લઈને, જોબ અને સામાન્ય સવાલોથી લઈને દરેક સવાલ કરે છે. આ તમામ વાતચીત હવે ગૂગલ સર્ચ પર જોવા મળી રહી છે. આથી કંપની દ્વારા આ ફીચરને જ કાઢી નાખવામાં આવ્યું છે.
કેવી રીતે ડેટા લીક થયા?
OpenAI દ્વારા ચેટજીપીટીમાં શેર બટનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બટનની મદદથી યુઝરને એક લિંક ક્રિએટ કરવાનું ઓપ્શન આપવામાં આવે છે જેના દ્વારા તે પોતાની ચેટને શેર કરી શકે છે. જોકે આ ફીચર એક કરતાં વધુ લિંક ક્રિએટ કરી શકે છે અને એ ગૂગલ સર્ચ પર જોવા મળી રહી છે. ગૂગલ જ નહીં, પરંતુ બિંગ અને અન્ય સર્ચ એન્જિન પર પણ આ ચેટ જોવા મળી રહી છે.
ચેટજીપીટીની ચેટ પબ્લિક હોય છે?
ચેટજીપીટી દ્વારા તેની દરેક ચેટને પહેલેથી જ પ્રાઇવેટ રાખી છે. એને ક્યારેય પબ્લિક રાખવામાં નથી આવી. યુઝર જ્યાં સુધી આ ચેટને શેર કરવાનું પોતે પસંદ ન કરે ત્યાં સુધી એ શેર નથી થતી. જોકે યુઝર જ્યારે પોતે આ લિંક અન્ય વ્યક્તિ સાથે શેર કરે છે ત્યારે એનો મતલબ એમ નથી હોતો કે આ ચેટ ગૂગલ પર જોવા મળે.
કેવી રીતે આ જાણવા મળ્યું?
ઘણાં યુઝર્સ દ્વારા ગૂગલ પર chat.openai.com/share લખીને સર્ચ કરવામાં આવી રહ્યું હતું. આથી તેમને એના સર્ચમાં હજારો વાતચીત જોવા મળી છે. એમાં ધણાં યુઝર્સના નામ અને જગ્યા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કોઈ પણ યુઝર્સને શોધવું સરળ છે અને એથી એ યુઝર્સની પ્રાઇવસી પર જોખમ છે. ગૂગલ પર અંદાજે 4500 જેટલી વાતચીત સામે આવી રહી છે, જેમાં ઘણી અંગત બાબતોનો સમાવેશ થાય છે.
OpenAIએ શું પગલાં લીધા?
આ વાત બહાર આવતાની સાથે જ OpenAI દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમનું આ એક્સપેરિમેન્ટ ખૂબ જ ઓછું ચાલ્યું. કંપનીએ ટેસ્ટ કરી રહી હતી કે તેમની ચેટને શેર કરવી અને લોકોને તેમની વાતચીત મદદરૂપ રહે છે કે નહીં એ વિશે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું. જોકે તેમના માટે આ પ્રાઇવસીનો ઇશ્યૂ બની ગયો છે. આથી OpenAI દ્વારા તરત જ આ ફીચરને કાઢી નાખ્યું છે જેના કારણે સર્ચ એન્જિન પર હવે આ વાતચીત વધુ લીક નહીં થાય.
આ પણ વાંચો: આઇફોન અને મેકબુકના ડેટા ચોરી થઈ શકે છે: વહેલી તકે આટલું કરો…
આ ચેટ ક્યાં સુધી ગૂગલ પર ઉપલબ્ધ રહેશે?
આ માટે સૌથી પહેલી જવાબદારી OpenAIની છે કે તેમના પાસેથી ચેટ બહાર લીક ન થાય. તેમ જ ગૂગલ અને બિંગ જેવા સર્ચ એન્જિન પર ચેટ લીક થઈ હોવાથી હવે OpenAI કંઈ કરી શકે તેમ નથી. છતાં તેઓ સર્ચ એન્જિન કંપની સાથે વાતચીત કરી રહ્યાં છે. આ ચેટ હવે જે-તે સર્ચ એન્જિન જ તેમના પ્લેટફોર્મ પરથી કાઢી શકે છે. આ એજ ચેટ છે જેમણે ચેટજીપીટીના સેટિંગ્સમાં તેમની વાતચીતને પબ્લિક કરવાનું ઓપ્શન ચાલુ રાખ્યું હશે એ જ મળી શકશે. જોકે હવે કંપની દ્વારા આ બટન જ કાઢી નાખવામાં આવ્યું છે.