Location from Mobile Number: ઘણી વાર યુઝરને એવું થતું હોય છે કે ફોન નંબર શેર કરવાથી શું થઈ જવાનું? જોકે હવે એક વેબસાઇટ એવી છે જે ફોન નંબરથી યુઝરનું લોકેશન બતાવી રહ્યું છે. લોકેશનની સાથે અન્ય માહિતી પણ આ વેબસાઇટ પર જોવા મળી રહી છે. આ વેબસાઇટનું નામ ProxyEarth છે. આ વિશે પહેલાં ક્યારે સાંભળવામાં નહીં આવ્યું હોય એવું બની શકે છે. જોકે ફક્ત નંબર દ્વારા આ વેબસાઇટ નામ, એડ્રેસ, ઈમેલ અને અન્ય અંગત માહિતી આપી શકે છે. આ વેબસાઇટ યુઝર્સની લોકેશન જણાવવાનો પણ દાવો કરી રહ્યું છે. જોકે આ ન્યૂઝ ચર્ચામાં આવતાં જ તેમણે ડેટા આપવાનું બંધ કરી દીધું છે.
કોણ ચલાવી રહ્યું છે વેબસાઇટ?
થોડા દિવસથી આ વેબસાઇટ ચર્ચામાં છે. એના વિશે જાણકારી મળતાં જ તમામ લોકો એના પર જઈને લોકેશન ચેક કરી રહ્યાં હતાં. જોકે એ વિશે વધુ ચર્ચા થતાં હવે ડેટા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. જોકે એમ છતાં આ વેબસાઇટ હજી પણ એક્સેસ કરી શકાય છે. એમાં ફક્ત મોબાઇલ નંબર નાખતાં તમામ માહિતી સામે આવી જશે. આ ડેટા લેટેસ્ટ હોય એ જરૂરી નથી. ઘણી વાર એમાં જૂના ડેટા પણ જોવા મળ્યાં છે. સૌથી મોટો સવાલ એ છે કે આ ડેટા આવે છે ક્યાંથી અને કોણ આ વેબસાઇટને ચલાવી રહ્યું છે. આ વેબસાઇટ વિશે તપાસ કરતાં રાકેશ નામની વ્યક્તિ એને ચલાવી રહી હોવાની ચર્ચા છે. જોકે તે ક્યાંથી માહિતી લાવી રહ્યો છે અને તે પોતે ક્યાંથી છે એ વિશે કોઈ માહિતી નથી.
આ પણ વાંચો: 2025માં ભારતે ગૂગલ પર શું સૌથી વધુ શોધ્યું? જાણો આ લિસ્ટ...
વેબસાઇટ પર ડેટા ક્યાંથી આવે છે?
રાકેશ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે. એના પર તેણે ઘણી ટ્રિક્સ પણ દેખાડી છે. રાકેશ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેણે કોઈ ખોટું કામ નથી કર્યું. તેના જણાવ્યા અનુસાર તેણે કોઈ ડેટા ચોરી નથી કર્યા. સાઇબર એટેક દ્વારા જે ડેટા લીક કરવામાં આવ્યા છે એને તેણે કલેક્ટ કર્યા છે. આ ડેટાનો ઉપયોગ તેણે ProxyEarth પર કર્યો છે. રાકેશ દ્વારા આ વેબસાઇટ ફક્ત લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે બનાવવામાં આવી હતી. તે આ લોકપ્રિયતાનો ઉપયોગ તેની પોતાની નવી પ્રોડક્ટને પ્રમોટ કરવા માટે કરવા માગે છે.


