Get The App

જુઓ આવું દેખાશે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, 2035 સુધીમાં થઈ જશે તૈયાર…

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
જુઓ આવું દેખાશે ભારતીય અંતરિક્ષ સ્ટેશન, 2035 સુધીમાં થઈ જશે તૈયાર… 1 - image


Indian Space Station: ઇસરો દ્વારા ભારતીય અંતરિક્ષ સ્ટેશનનું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા દ્વારા હવે અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે અને એ 2035 સુધીમાં તૈયાર થઈ જશે. નેશનલ સ્પેસ ડે સેલિબ્રેશનની બે દિવસની ઉજવણી દરમિયાન ન્યૂ દિલ્હીમાં આ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. અંતરિક્ષમાં હાલમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અને ચીનનું ટિઆંગોંગ સ્પેસ સ્ટેશન છે. આથી ઇન્ડિયા પણ હવે પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી ઇલાઇટ ક્લબમાં જોડાવા માગે છે.

2028માં લોન્ચ કરવામાં આવશે પહેલું મોડ્યુલ

ભારતીય અંતરિક્ષ સ્ટેશન (BAS)નું પહેલું મોડ્યુલ એટલે કે BAS-01ને 2028 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ સ્ટેશનમાં 2035 સુધીમાં પાંચ મોડ્યુલ મોકલવામાં આવશે અને ત્યારે આ સ્ટેશન સંપૂર્ણ રીતે પૂરું થશે. BAS-01નું વજન 10 ટન છે અને એ પૃથ્વીથી 450 કિલોમીટરના અંતરે ભ્રમણ કરશે. એમાં એન્વાયરનમેન્ટલ કન્ટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ, ભારત ડોકિંગ સિસ્ટમ, ભારત બર્થીંગ મિકેનિઝમ અને ઓટોમેટેડ હેચ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવશે.

રેડિએશન અને થર્મલ ઇફેક્ટ સામે આપશે રક્ષણ

ભારતીય અંતરિક્ષ સ્ટેશન એક અદ્ભુત પ્લેટફોર્મ છે. એમાં માઇક્રોગ્રેવિટી રિસર્ચ, ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેશન્સ અને સાયન્ટિફિક ઇમેજિંગ જેવી ઘણી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ચોક્કસ વ્યૂપોઇન્ટ બનાવવામાં આવશે જેથી રિસર્ચમાં મદદ મળી રહે. આ સ્ટેશનમાં પ્રોપેલન્ટ રિફિલિંગ અને એન્વાયરનમેન્ટલ કન્ટ્રોલ એન્ડ લાઇફ સપોર્ટ સિસ્ટમ માટેનું ફ્યુઅલ જેવી સુવિધાઓ પણ છે. આ સાથે જ આ સ્ટેશન રેડિએશન, થર્મલ ઇફેક્ટ અને માઇક્રો મીટિયોરોઇડ ઓર્બિટલ ડેબ્રિસ સામે પણ રક્ષણ આપશે.

સ્પેસ એક્સપ્લોરેશન માટે મળશે મદદ

ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં એક્સ્ટ્રાવ્હીક્યુલર એક્ટિવિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં સ્પેસ સૂટ્સ, એરલોક્સ, એડવાન્સ પ્લગ એન્ડ પ્લે ઇન્ટિગ્રેટેડ એવિઓનિક્સ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં એકદમ પ્રીમિયમ સુવિધા હોવાથી સ્પેસ સાયન્સ, લાઇફ સાયન્સ, મેડિસિન અને પ્લેનેટરી એક્સપ્લોરેશન માટે ખૂબ જ મદદ મળી રહેશે. માઇક્રોગ્રેવિટીની હ્યુમન હેલ્થ પર શું અસર પડે છે અને સ્પેસ મિશનમાં વ્યક્તિ કેવી રીતે લાંબો સમય સુધી અંતરિક્ષમાં રહી શકે એ વિશેની ઘણી રિસર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચો: હવે ગૂગલ જ શોધી આપશે તમારું પરફેક્ટ ડિનર સ્પોટ:180થી વધુ દેશોમાં ગૂગલ કરશે રેસ્ટોરાં માટે રિઝર્વેશન

ભારતમાં વધશે સ્પેસ ટુરિઝમ

અમેરિકા હાલમાં કમર્શિયલ સ્પેસ સેક્ટરમાં ખૂબ જ આગળ છે. જોકે ભારતીય અંતરિક્ષ સ્ટેશનને લઈને સ્પેસ ટુરિઝમમાં પણ વધારો થશે. તેમ જ અન્ય દેશ પણ ભારત સાથે મળીને બિઝનેસ કરશે. યુવાનોને સ્પેસ ટેકનોલોજી અને રિસર્ચમાં આગળ વધવા માટે અને એ વિશે ભણવા માટે પ્રેરિત કરવાની પણ કોશિશ કરવામાં આવી રહી છે. BAS-01 3.8 મીટર પહોળું અને 8 મીટર લાંબું છે. નેશનલ સ્પેસ ડેના સેલિબ્રેશનમાં એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Tags :