હવે ગૂગલ જ શોધી આપશે તમારું પરફેક્ટ ડિનર સ્પોટ:180થી વધુ દેશોમાં ગૂગલ કરશે રેસ્ટોરાં માટે રિઝર્વેશન
Google Reservation: ગૂગલ દ્વારા હવે AI મોડને વધુ લોકો સુધી વધુ ફીચર્સ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. આ માટે તેમણે રેસ્ટોરાંમાં રિઝર્વેશન કરવાની સુવિધા પણ શરૂ કરી છે. દુનિયાના 180થી વધુ દેશમાં આ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. આ માટે યુઝર્સે ફક્ત ગૂગલ સર્ચનો ઉપયોગ કરવાનું રહેશે. આ ફીચર પહેલાં અમેરિકા અને યૂકેમાં કાર્યરત હતું. તેમજ ભારતના કેટલાક રેસ્ટોરાંમાં પણ કામ કરતું હતું. જોકે હવે એને ઘણાં દેશ અને ઘણાં રેસ્ટોરાંમાં શરૂ કરવામાં આવ્યું છે.
ઘણાં વિકલ્પ આપશે ગૂગલ
ગૂગલનું AI મોડ યુઝર્સને આ માટે ઘણાં વિકલ્પ આપશે. AI મોડ દ્વારા યુઝરની જરૂરિયાત અને પસંદગીને ધ્યાનમાં રાખવામાં આવશે. આ માટે AI દ્વારા યુઝર્સને વિવિધ સવાલ પૂછવામાં આવશે. ત્યાર બાદ તેની પસંદગી, લોકેશન અને અન્ય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા રેસ્ટોરાં સજેસ્ટ કરવામાં આવશે. જો યુઝરને એ પસંદ પડે તો ગૂગલ એ બુક કરશે. ઉદાહરણ તરીકે યુઝર દ્વારા ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે અને ચોક્કસ લોકેશન પર ડિનર માટે જવું હોય તો પણ ગૂગલ એ કરી આપશે.
યુઝરની પસંદગીને પ્રાધાન્ય
ગૂગલના AI મોડ દ્વારા યુઝરની જરૂરિયાત અને પસંદગીને પ્રાધાન્ય આપવામાં આવશે. જો યુઝરને લંચ માટે એક કલાકની અંદર કોઈ જગ્યાએ જવું હોય અથવા તો જલદી-જલદી લંચ પૂરો કરવો હોય એવી જગ્યા જોઈતી હોય તો ગૂગલ દ્વારા એ સજેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ ગૂગલ દ્વારા સર્ચ અને ગૂગલ મેપ્સ પર યુઝર દ્વારા શું સર્ચ કરવામાં આવ્યું હતું અને કઈ લોકેશન પર કેવા રેસ્ટોરાંમાં ચેક-ઇન કર્યું હતું વગેરે જેવી હિસ્ટ્રી હાજર હશે અને પરવાનગી હશે તો એને એક્સેસ કરશે અને એ અનુસાર યુઝરને જવાબ આપશે. આ સાથે જ ગૂગલ દ્વારા કેટલાક સેટિંગ્સ પણ આપવામાં આવ્યા છે જે યુઝર તેની જરૂરિયાત અનુસાર કરી શકશે.
આ પણ વાંચો: મિસ કોલ પછી શું? વોટ્સએપ લાવ્યું વોઇસમેલ અને રિમાઇન્ડર ફીચર
શેર કરી શકશો ગૂગલનું સજેશન
ગૂગલના AI મોડ દ્વારા જે પણ સજેશન આપવામાં આવે એને અન્ય સાથે શેર કરી શકાશે. તેમ જ કોઈ વ્યક્તિ ત્યાં ગઈ હોય તો એ વિશે યુઝરને તેના અનુભવ વિશે જણાવી પણ શકશે. શેર કરવાની સાથે યુઝર કોઈને પણ કોલાબોરેટ પણ કરી શકશે. એટલે કે ચાર ફ્રેન્ડ ડિનર માટે જવાના હોય અને રેસ્ટોરાં માટે દરેક તેમની પસંદગી જણાવી શકે એ માટે તેમને આ સર્ચમાં કોલાબોરેટ કરી શકાશે. આથી દરેક તેમની પસંદગી જણાવ્યા બાદ ગૂગલ તેમને દરેકને અનુકૂળ હોય એવી જગ્યા શોધીને આપશે. આ ફીચર ટ્રિપ પ્લાનિંગ અને બર્થડે પાર્ટી માટે પણ ઉત્તમ છે. આ ફીચર ડિનરની સાથે કોઈ ઇવેન્ટની ટિકીટ પણ બૂક કરી શકશે.