Updated: Mar 15th, 2023
![]() |
image : envato |
જુદા વોટ્સએપ ગ્રૂપમાં સામેલ થતાં વોટ્સએપ યુઝર્સ માટે સૌથી મોટી મુશ્કેલી એ બને છે કે તેમણે પોતાનો નંબર બીજા સાથે શેર કરવો પડે છે. આ સિવાય કોઈપણ ગ્રુપમાં એડ થતા ગ્રુપના તમામ મેમ્બર્સને તમારો કોન્ટેક્ટ નંબર દેખાવા લાગે છે. હવે વોટ્સએપ પર આ પરેશાનીથી છુટકારો મળવાનો છે. પહેલા કરતા વધુ સારી પ્રાઈવેસીનો લાભ વોટ્સએપ યુઝર્સને મળશે. હવેથી ગ્રુપ ચેટ લિસ્ટમાં બાકી મેમ્બર્સને તમારો નંબર નહી દેખાય. આ નંબરની જગ્યાએ મેમ્બર્સને માત્ર તમારું યુઝરનેમ જ દેખાશે.
અજાણ્યા નંબર્સની ઓળખ સરળ બનશે
ગયા વર્ષે ડિસેમ્બરમાં વોટ્સએપે આ ફીચરની ટેસ્ટિંગ શરૂ કરી હતી, જેની સાથે ગ્રુપ ચેટ્સના મેસેજ બબલમાં ફોન નંબરને બદલે યુઝરનેમ બતાવવામાં આવી રહ્યા હતા. આ ફીચર સાથે એવા ગ્રુપના મેમ્બર્સ અને પાર્ટિસિપન્ટને ઓળખવાનું સરળ બનશે જેમના કોન્ટેક્ટ નંબર તમારા ડિવાઈસ પર સેવ નથી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારને હવે ચેટ લિસ્ટનો એક ભાગ બનાવવામાં આવી રહ્યો છે અને નંબર સેવ કર્યા વગર ગ્રુપમાં ચેટ કરવાનું સરળ બનશે.
ગ્રુપ પાર્ટિસિપન્ટ લિસ્ટમાં પણ માત્ર યુઝરનેમ જ દેખાશે
નવા અપડેટ બાદ ગ્રુપ ચેટ જ નહી પણ ગ્રુપના નામ પર ટેપ કરવા બાદ જોવા મળતી પાર્ટિસિપન્ટ લિસ્ટમાં પણ નંબરના બદલે યુઝરનેમ દેખાશે. મોટા ગ્રુપમાં રહેલા ઘણા મેમ્બર્સના નંબર સેવ કરવા સરળ નથી અને નવું અપડેટ આ મુશ્કેલીનો અંત લાવશે. એપ્લિકેશનના બીજા ભાગોમાં પણ ફોન નંબરને બદલે યુઝરનેમ બતાવવામાં આવશે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે તમે આ યુઝરનેમ જાતે સેટ અથવા એડિટ કરી શકો છો, તેથી તે દર વખતે સાચું હોવું જરૂરી નથી.
આ યુઝર્સને મળી રહ્યું છે WhatsAppનું નવું ફીચર
ચેટ લિસ્ટ સંબંધિત નવા ફીચર હાલમાં Android વર્ઝન 2.23.5.12 અને iOS બીટા વર્ઝન iOS 23.5.0.73 અપડેટ્સ માટે વોટ્સએપ બીટામાં ઉપલબ્ધ છે. પરીક્ષણ કર્યા પછી, આ સુવિધા તમામ યૂઝર્સ માટે સ્થિર અપડેટ સાથે રજૂ કરવામાં આવશે. વોટ્સએપ લાંબા સમયથી તેના ગ્રુપ્સને સુધારવા પર કામ કરી રહ્યું છે અને ગ્રુપ એડમિન્સને વધુ સારો કંટ્રોલ આપવા પર કામ કરી રહ્યું છે. ગ્રૂપ ચેટ એડમિન્સને તાજેતરમાં મળેલ અપ્રુવલ ફીચર સાથે તેમની તરફથી અપ્રુવ કર્યા બાદ જ નવા પાર્ટિસિપન્ટ ગ્રુપનો ભાગ બની શકશે.