Updated: Mar 17th, 2023
- બીમારી માટે વિશ્વના વિખ્યાત તબીબો જેવી દવા લખી આપે છે
- ફ્રીજમાં મુકેલી સામગ્રીનો ફોટો અપલોડ કરો તો તેમાંથી કઇ વાનગીઓ કઇ રીતે બની શકે તે પણ જણાવે
- નવું લોંચ થયેલ GPT-4 વર્ઝન 25,000થી વધુ શબ્દોમાં ઉત્તર આપી શકવા સક્ષમ
સીએટ્ટલ : માઇક્રોસોફ્ટે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટ અપ ઓપન આઇ જોડે હાથ મીલાવ્યા છે તેઓએ હવે ચેટજીપીટીનું નવું વર્ઝન GPT-4 લોંચ કર્યું છે જે ચોંકાવનારા કાર્ય પાર પાડી શકે છે.
અગાઉના GPT-3.5 વર્ઝનને કેટલાક જટીલ સવાલોનો જવાબ આપવા પડકારવામાં આવ્યુ હતું જેમાં તે સફળ નહતું થયું ત્યારે હવે વધુ સંશોધીત આ GPT-4 અગાઉની ત્રુટી તો સુધારી જ શક્યું છે પણ નવા દંગ થઇ જાય તેવા કાર્યો પાર પાડવાના પરીક્ષણમાં પણ સફળ નીવડયું છે.
આ વર્ઝન મેડિકલ સાયન્સની દુનિયામાં પણ હલચલ મચાવી દેશે કેમકે તેને બીમારીની માહિતી આપીને તેના ઇલાજ માટે સૌથી અસરકારક દવા કઇ તેમ પુછવામાં આવતા તેણે વિશ્વની અગ્રગણ્ય હોસ્પિટલના શ્રેષ્ઠ તબીબો પ્રીસ્ક્રાઇબ કરે તેવી દવા સ્ક્રીન પર જણાવી એટલું જ નહીં આ દવામાં કયા કયા તત્વો છે અને તે દિવસમાં કેટલી વખત ક્યારે લેવી તે પણ જણાવ્યું.
નિષ્ણાત તબીબોએ જ GPT-4 ની આ રીતે કસોટી લીધી હતી. GPT-4 નિદાન બાદના દર્દીના ઇમેજ- ફોટો અપલોડ કરતા પણ સારવાર અંગે માર્ગદર્શન આપશે.
જો આગળ જતા દર્દીઓ માટે આ પ્રીસ્ક્રીપ્શન દવા ખરીદવા માન્ય રખાશે તો તબીબી વ્યવસાય પર ફટકો પહોંચી શકે છે. તેને કોઇપણ તસવીર આપીને તે અંગે જણાવો તો માહિતી આપી શકે છે.
નિદર્શન દરમ્યાન તેને એક ફ્રીજમાં મુકેલી જુદી જુદી સામગ્રી, શાકભાજીનો ફોટો આપવામાં આવ્યો અને પુછવામાં આવ્યું કે ફ્રીજના ખાનાની આ તસ્વીરમાં ગ્રોસરી, ડેરી પ્રોડક્ટ, શાકભાજી વગેરે છે. તેમાંથી કઇ કઇ વાનગી બનાવી શકાય તો GPT-4 એ વાનગીઓની વિસ્તૃત યાદી તો આપી જ પણ તેને કઈ રીતે બનાવવી તેની રીત પણ સમજાવી. આમ નવું વર્ઝન ટેકસ્ટ ઉપરાંત ઇમેજ પણ સમજી શકે છે તેનું પૃથ્થકરણ વિશ્લેષણ કરી શકે છે. GPT-3.5 ૩૦૦૦ શબ્દો સુધીમાં જ ઉત્તર આપતું હતું પણ આ નવું વર્ઝન ૨૫,૦૦૦ થી વધુ શબ્દોમાં ઉત્તર આપી શકે છે.
ભારતમાં પણ આ વર્ઝન ચેટજીપીટી - પ્લસના નામથી પ્રાપ્ય બની છે જેની મહિનાના ૨૦ ડોલર જેટલી ફી છે. પ્રારંભમાં માત્ર ટેક્સ્ટનો વિકલ્પ જ રાખવામાં આવ્યો છે.
ઓપન આઇના સહસ્થાપક ગ્રેગ બ્રોકમેને આ વર્ઝન એક કાર્યક્રમમાં લોંચ કર્યું હતું.