India on Mobile Source Code: ભારત સરકાર દ્વારા એ વાતને ફગાવી દેવામાં આવી છે કે તેઓ નવો નિયમ લાવી રહ્યાં છે જેમાં સ્માર્ટફોન કંપનીઓને તેમનો સોર્સ કોડ સરકાર સાથે શેર કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ વિશે માહિતી આપવામાં આવી છે કે સરકાર દ્વારા સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપનીઓ પાસેથી કોઈ પણ સોર્સ કોડ માટેની ડિમાન્ડ કરવામાં નથી આવી. એક રિપોર્ટ અનુસાર ભારત સરકાર દ્વારા એપલ, સેમસંગ, શાઓમી અને અન્ય કંપનીઓ પાસેથી સોર્સ કોડ માગવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી છે. જોકે એ વાતમાં કોઈ તથ્ય નથી.
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા મોબાઇલની સિક્યોરિટી માટે એક ચોક્કસ રેગ્યુલેટરી ફ્રેમવર્કમાં કામ કરવામાં આવી રહ્યું છે કે નહીં એ માટે સ્ટેકહોલ્ડર્સ સાથે કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા સેફ્ટી એન્ડ સિક્યોરિટી સ્ટાન્ડર્ડ માટે ઘણી વાર કંપનીઓ સાથે રૂટિન કન્સલ્ટેશન મીટિંગ પણ કરવામાં આવે છે. આથી આ એક સામાન્ય પ્રોસેસ છે જેને લઈને ખોટી અફવા ઉડવાની શરૂ થઈ ગઈ હતી.
સ્માર્ટફોનમાં સોર્સ કોડ શું છે?
પ્રોગ્રામિંગ ભાષા પાયથન, જાવા અને C++ની મદદથી પ્રોગ્રામર દ્વારા જે પ્રોગ્રામ લખવામાં આવ્યો હોય જેને વ્યક્તિ દ્વારા વાંચી શકાય એને સોર્સ કોડ કહેવામાં આવે છે. એક રીતે જોવા જઈએ તો મોબાઇલ માટેની આ ઇન્સ્ટ્રક્શન હોય છે. મોબાઇલ અથવા તો કોમ્પ્યુટર અથવા તો કોઈ પણ ડિવાઇસે શું કરવું એ માટેની બ્લુપ્રિન્ટ અથવા તો મેન્યુઅલ કહી શકાય છે.
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ શું કહ્યું?
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની ફેક્ટ ચેક ટીમ દ્વારા આ રિપોર્ટ વિશે તપાસ કરવામાં આવી હતી. તેમણે પોસ્ટ કરી કહ્યું કે ‘રોઇટર્સ દ્વારા જે ન્યૂઝ રિપોર્ટ આપવામાં આવ્યો છે કે મોબાઇલની સિક્યોરિટીને લઈને ભારત સરકાર દ્વારા કંપનીઓને તેમનો સોર્સ કોડ આપવા માટે ફરજ પાડવામાં આવી રહી છે એ વાતમાં કોઈ તથ્ય નથી. ભારત સરકાર દ્વારા આ માટે કોઈ પગલું ભરવામાં નથી આવ્યું. આ વિશે સ્માર્ટફોન બનાવતી કંપનીઓને કોઈ સૂચના પણ આપવામાં નથી આવી કે તેમણે સોર્સ કોડ જણાવવો પડશે.’
સેફ્ટી અને સિક્યોરિટીને મહત્ત્વ
મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા મોબાઇલની સિક્યોરિટી માટે શું એડવાન્સ પગલાં લેવા એ માટેની કંપનીઓ સાથે મીટિંગ કરવાની પ્રોસેસ શરૂ કરી છે. એમાં કંપનીઓ અને સરકાર બન્ને દ્વારા કેવી રીતે વધુ એડવાન્સ સિક્યોરિટી રાખી શકાય એ માટેનું રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારની મીટિંગ રેગ્યુલર થતી રહે છે. એક વાર સ્ટેકહોલ્ડર સાથેનું કન્સલ્ટેશન પૂરું થાય ત્યાર બાદ સિક્યોરિટીના સ્ટાન્ડર્ડ માટેની ચર્ચા ઇન્ડસ્ટ્રી સાથે કરવામાં આવે છે.
કોઈ નિયમ નથી બન્યો?
સરકાર દ્વારા હજી સુધી એવો કોઈ નિયમ બનાવવામાં નથી આવ્યો જેમાં સોર્સ કોડ જાહેર કરવું પડે. હાલમાં સૌથી પહેલાં કન્સલ્ટેશન સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યાર બાદ જ ભવિષ્યનું ફ્રેમવર્ક નક્કી કરવામાં આવશે. આ મીટિંગમાં શું થાય અને ચર્ચા કેવી રહે એના પર તમામ બાબતો નિર્ભર હોય છે. આથી સોર્સ કોડ માટે ફરજ પાડવામાં આવી રહી હોવાની વાત ખોટી છે.


