જીબોર્ડમાંથી જ ટેક્સ્ટને સ્કેન કરી કોપી-પેસ્ટ કરી શકાશે
Updated: Nov 18th, 2023
માની લો કે તમે ઇન્ટરનેટ પર કોઈ ફોર્મ ભરી રહ્યા છે. આ ફોર્મમાં તમારે પોતાનો આધાર, જીએસટી, પાન નંબર કે અન્ય કોઈ લાંબો નંબર ટાઇપ કરવાનો છે. તમારી પાસે આ ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી છે. પરંતુ પેલો નંબર ડિજિટલ ટેકસ્ટ સ્વરૂપે નથી, આથી તેને સીધો કોપી કરીને ઇન્ટરનેટ પરના ફોર્મમાં પેસ્ટ કરી શકાય તેમ નથી.
અત્યારે આપણે કોઈ પણ પ્રકારની પ્રિન્ટેડ ટેક્સ્ટને ડિજિટલ ટેકસ્ટમાં ફેરવવી હોય કે તેનું ટ્રાન્સલેશન જોઇતું હોય તો ગૂગલ સર્ચ અથવા ગૂગલ ફોટોઝ એપમાં સામેલ ગૂગલ લેન્સ ફીચરનો ઉપયોગ કરીએ છીએ.
તેની મદદથી આપણે પોતાનું આધાર કાર્ડ સ્કેન કરીએ તો સ્ક્રીન પર દેખાતી ઇમેજમાંથી ફક્ત આધાર નંબર ટેકસ્ટ તરીકે સિલેક્ટ કરી શકીએ અને પછી જ્યાં પેસ્ટ કરવાનો હોય ત્યાં પેસ્ટ કરી શકીએ.
હવે આ સુવિધા ગૂગલની પોપ્યુલર કીબોર્ડ એપ ‘જીબોર્ડ’માં ઉમેરાઈ રહી છે. જીબોર્ડના લેટેસ્ટ બિટા વર્ઝનમાં ‘સ્કેન ટેકસ્ટ’ નામનું એક ફીચર ઉમેરાયું છે. તેની મદદથી આપણે કોઈ પિક્ચરમાંની ટેકસ્ટનો ફોટોગ્રાફ લઇને તેને ટેકસ્ટ તરીકે કોપી કરી, કોઈ પણ જગ્યાએ ઉમેરી શકીએ છીએ. જો તમે જીબોર્ડ કીબોર્ડનો ઉપયોગ કરતા હો તો તેમાં આ ફીચર ટૂંક સમયમાં જોવા મળી શકે છે.