Get The App

સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા! નાસામાંથી નિવૃત્તિની જાહેરાત, કુલ 608 દિવસ સ્પેસમાં વિતાવ્યા

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
Sunita Williams Retires


(IMAGE - IANS)

NASA Astronaut Sunita Williams Retires: ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસા(NASA)માંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી બાદ, ડિસેમ્બર 2025ના અંતમાં તેમણે સત્તાવાર રીતે વિદાય લીધી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર જેરેડ આઇઝેકમેને બુધવારે આ અંગેની જાહેરાત કરતા તેમને 'અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક' ગણાવ્યા હતા.

અંતરીક્ષ મારું મનપસંદ સ્થળ હતું: સુનિતા વિલિયમ્સ

નિવૃત્તિ સમયે ભાવુક થતા સુનિતા વિલિયમ્સે જણાવ્યું કે, 'નાસામાં મારી 27 વર્ષની કારકિર્દી અદભૂત રહી છે. સ્પેસ સ્ટેશન પર અમે જે વિજ્ઞાન અને પાયો તૈયાર કર્યો છે, તે ભવિષ્યના ચંદ્ર અને મંગળ મિશન માટે રસ્તો સરળ બનાવશે. હવે નાસા ઇતિહાસ રચશે તે જોવા માટે હું આતુર છું.'

અંતરીક્ષમાં રચ્યા અનેક વિક્રમો

60 વર્ષીય સુનિતા વિલિયમ્સના નામે અવકાશમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ નોંધાયેલી છે...

- સુનિતા વિલિયમ્સએ અંતરીક્ષમાં કુલ 608 દિવસ વિતાવ્યા છે, જે નાસાના કોઈપણ એસ્ટ્રોનોટ દ્વારા વિતાવેલો બીજો સૌથી લાંબો સમય છે.

- આ ઉપરાંત, એક જ ઉડાનમાં સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારા અમેરિકનોની યાદીમાં તેઓ છઠ્ઠા નંબરે છે. આ રેકોર્ડમાં તેઓ એસ્ટ્રોનોટ બુચ વિલમોરની બરાબરી પર છે

- આ બંનેએ બોઇંગ સ્ટારલાઈનર અને સ્પેસ-એક્સ ક્રૂ-9 મિશન દરમિયાન સતત 286 દિવસ અંતરીક્ષમાં વિતાવ્યા હતા.

- સુનિતા વિલિયમ્સે 9 વખત સ્પેસવોક કરી છે, જે કુલ 62 કલાક અને 6 મિનિટની થાય છે. કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલો આ સૌથી લાંબો સ્પેસવોક સમય છે.

-  તેઓ અવકાશમાં રહીને મેરેથોન દોડનારા વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.

- સુનિતા વિલિયમ્સનું છેલ્લું મિશન ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જૂન 2024માં તેઓ બોઈંગ સ્ટારલાઈનરના પ્રથમ માનવ પરીક્ષણ માટે અવકાશમાં ગયા હતા. જોકે, ટેકનિકલ ખામીને કારણે આ ટૂંકું મિશન 9 મહિના સુધી ખેંચાયું હતું. આખરે માર્ચ 2025માં તેઓ સ્પેસએક્સ(SpaceX)ના ક્રૂ-9 મિશન દ્વારા સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા હતા.

આ પણ વાંચો: પેન્શન માટે જીવન પ્રમાણ સર્ટિફિકેટ મેળવો ઘેરબેઠાં !

ભારત સાથેનો અતૂટ સંબંધ

સુનિતા વિલિયમ્સના પિતા દીપક પંડ્યા એક જાણીતા ન્યુરોએનાટોમિસ્ટ હતા. તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામમાં થયો હતો, પરંતુ બાદમાં તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. ત્યાં તેમણે સ્લોવેનિયન મૂળના બોની પંડ્યા સાથે લગ્ન કર્યા. સુનિતાનો જન્મ અમેરિકામાં જ થયો હોવાથી તેઓ અમેરિકન નાગરિક છે, પરંતુ તેમનો ભારત અને ખાસ કરીને ગુજરાત સાથેનો નાતો હંમેશા અતૂટ રહ્યો છે.

સુનિતા વિલિયમ્સે હંમેશા ભારત પ્રત્યેનો તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે. પોતાની ભારત મુલાકાતને તેઓ 'વતન પરત ફરવા' જેવી ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, 'અવકાશમાંથી પૃથ્વીને જોયા પછી માણસો વચ્ચેના ભેદ નાના લાગે છે અને એવું અનુભવાય છે કે આપણે સૌ એક જ છીએ.'

સુનિતા વિલિયમ્સે અંતરીક્ષને કહ્યું અલવિદા! નાસામાંથી નિવૃત્તિની જાહેરાત, કુલ 608 દિવસ સ્પેસમાં વિતાવ્યા 2 - image